ઈતિહાસ શૌર્ય કથાઓ

હીપા ખુમાણને આંગણે લાડકી દીકરીનાં લગ્ન

Royal Cars of Gondal State

Traditional Hindu Marriageહીપા ખુમાણને આંગણે લાડકી દીકરીનાં લગ્ન છે

દીકરીનો લગ્ન પ્રસંગ યાદ આવતા હીપા ખુમાણે છાતી કઠણ કરીને પત્નીને કહ્યું, ‘માથાં પછાડીને મરી જાશું તોય દીકરો પાછો આવવાનો નથી કાઠિયાણી! આંગણે દીકરીનાં લગ્ન છે. પાદરે જાન આવી છે. રૂદિયા ઉપર શિલા મૂકીને કઠણ થાઓ.

‘હાં મારો બાપલિયો! તૈયાર થઇ જાઓ. જાન પાદરમાં આવી ગઇ છે. ભાઇ શાકુળ! વિક્રમ! રામ..! ઊપડો મારા સાવઝો! જાનૈયા પાણી માગે તો દૂધ આપજો. વરરાજો આપણાં ખોરડાંનો ભાણેજ અને હવે જમાઇ પણ છે. એક પગે ખડા રહેજો. મહેમાનોને હથેળીમાં થુંકાવજો. આપા વાલેરા! આપા ભીમ! આપા લુલાવીર! તમે પણ જાઓ.’

રામ મંદિરે ઝાલરના ડંકા શમ્યા એવે ટાણે કરજડા ગામને ગોંદરે જાડેરી જાતના માફા છૂટ્યા બંદૂકો ફૂટી.


કરજડાના હીપા ખુમાણને આંગણે લાડકી દીકરીનાં લગ્ન છે. હીપા ખુમાણની ડેલીએ અને ગામને ગોંદરે કંકુવણાર્ બબ્બે ચિત્રો આલેખાયાં છે. ગોંદરે જાડી જાન જોડીને આવેલા વેવાઇઓ ચાકળા ઉપર બેઠા છે, હોકા પીવાય છે, કસુંબા ઘૂંટાય છે. મશાલોનાં ઝોકાર અજવાળાં, ઝાડ-પાનને ઉજાળી રહ્યાં છે. બીજી બાજુ ગઢની ડેલીએ હીપો ખુમાણ મોંધેરી મહેમાનગતિ માટે અરધા અરધા થાય છે. ભાઇ, ભત્રીજા અને સગા સાંઇને સૂચના આપે છે એવે ટાણે…

‘આપા!’ ગઢને ઓરડેથી ઉતાવળા પગે આવેલો એક આદમી આસ્તેથી હીપા ખુમાણના કાન પાસે મોઢું લાવીને ખબર આપે છે કે ‘સાત કામ પડ્યાં મૂકીને ઝટ ગઢમાં આવો.’હીપો ખુમાણ ઊપડતા પગે ગઢની ઓંસરી ચડ્યા.

‘આમના આવો’ કપાળ સુધી ઓઢણી રાખીને ઘરવાળાં પૂનબાઇએ છેલ્લા ઓરડા દીમના પગ ઉપાડ્યા. હીપો ખુમાણ પાછળ ચાલ્યા.

ધ્રૂજતા હાથે પૂનબાઇએ ઓરડાનાં કમાડ ઉઘાડયાં. ટમટમતા ઘીના દીવાના આછા ઉજાસમાં બારેક વરસનું કુમળું ખોળિયું ધોળે લુગડે ઢબુરાઇને સૂતું છે.

‘આપણો દીકરો?’ જનેતાના હોઠના દરવાજા ભાંગીને ભૂક્કો થયા. મોઢું દાબેલું રાખ્યું છતાં જોરાવર ધ્રૂસકું હોઠ ફાડીને ઓરડાની દીવાલોમાં ભટકાયું. ઓરડાની ભીંત્યો કંપી ગઇ. ‘દીકરાને એરુ આભડી ગયો.’ મા વલવલી.

બાપે દીકરાના પંડય ઉપરથી ઢાંકણ ઉઘાડ્યું. બાર વરસની કુમળી કાયાનો, સાત ખોટયનો એક જ દીકરો ચીભડાની જેમ ફાટી પડયો તૌ. બાપની આંખો ફાટી. નાકે લોહીનાં ટશિયાં અને આંખમાં ઝેરના લીલાકાચ કુંડાળાં છોડીને હીપાનો કંઘોતર દુનિયા છોડી ગયો હતો!

‘સૂરજ! સૂરજ!’ ખુમાણની આંખથી ધરતી ભીંજવતો આંસુનો ફુવારો છૂટ્યો : ‘મારો કંધોતર!’

દીકરાની જનેતા ઢગલો થઇ ગઇ ‘મારા લાલ?’

‘જાળવી જાવ!’ દીકરીનો લગ્ન પ્રસંગ યાદ આવતા હીપા ખુમાણે છાતી કઠણ કરીને પત્નીને કહ્યું, ‘માથાં પછાડીને મરી જાશું તોય દીકરો પાછો આવવાનો નથી કાઠિયાણી! આંગણે દીકરીનાં લગ્ન છે. પાદરમાં જાન આવી છે. રૂદિયા ઉપર શિલા મૂકીને કઠણ થાઓ. કાઠિયાણી થતાં નૈ આવડે!’

‘જાણું છું.’ અર્ધાંગનાએ આંસુ રોક્યાં. ‘પણ આંગણામાં દીકરીના લગ્નનો માંડવો શણગાર્યો છે. દીકરાના મૈયતને ત્યાંથી કેમ લઇ જવાશે!’

‘બધું થઇ રહેશે.’ ધણીએ ધણિયાણીને કીધું. ‘તમે જાનનાં બાઇઓ- બહેનોની આગતા-સ્વાગતા કરો. જો જો, ક્યાંય તડ્ય ન પડે.’

પૂનબાઇ જાનડીઓના સ્વાગતમાં રોપાઇ ગયાં. હીપા ખુમાણે કઠણ છાતીના ચાર બુઢ્ઢા કાઠીઓને દીકરાના અગ્નિ સંસ્કારનું કામ સોંપ્યું ‘ફળીમાં દીકરીના લગ્નનો માંડવો છે માટે ઓરડાની પાછલી દીવાલમાં બારણું પાડીને નનામી લઇને પરબારા નદીમાં ઊતરી જાઓ. નદીને પણ ખબર ન પડવી જોઇએ કે હીપાના દીકરાની દેન ક્રિયા થાય છે.’

ખીખરા, વૃદ્ધ કાઠીઓ પાછલી દીવાલ ખોદીને નનામી લઇને નદીમાં ઊતરી ગયા.હીપો ખુમાણ જાનના સામૈયાં માટેની ખુશાલી ઓઢીને ઢોલ શરણાઇઓ વગડાવતા કરજડા ગામને પાદર આવ્યા. વેવાઇઓ, સગાંવહાલાં અને જાનૈયાઓને બથો ભરી ભરીને ભેટ્યા. ‘મારો પ્રાણ આવ્યો! મારો બાપલિયો આવ્યો! મારું આંગણું પવિતર થયું, બાપ!’

બંદૂકોના હસાકા સાથે વાજતે ગાજતે સામૈયાં ગામમાં આવ્યાં. જાનના ઉતારા અપાયા. આદમીના ઉતારે હીપો ખુમાણ અને બાઇઓના ઉતારે બહેન પૂનબાઇ, સગાંવહાલાંને અછો અછો વાનાં કરે છે.

રાત ઢળી. જાનૈયાઓની સૂઇ જવાની રાહ જોઇને બેઠેલો હીપો ખુમાણ, માળાનું બહાનું લઇને માળા ફેરવતા બેઠા છે. સગાંવહાલાં અને જાનૈયા ગાઢ નિદ્રામાં પ્રવેશ્યા કે ધીરે રહીને ઊભા થયા. અરવ પગે નદીએ પહોંચ્યા. દીકરાની ચેહ હવે જવાળા મટીને અંગારા બની હતી. બાપે ચેહ તરફ ડગલાં દીધાં.

બે પાંચ અંગારા ઊડતા આવીને આપાની છાતીએ વળગ્યા! બાર વરસનો લાડકો અંગારા રૂપે બાપની છાતીએ જાણે વળગ્યો. ‘મારા કાંધિયા!’નો એક પડછંદ પોકાર મરણપોક થઇને નદીની ભેખ્યોમાં પડઘાયો. નદીના આરા ઓવારા ડૂસકે ચડ્યા. બંધ હોઠે, આંતર નિચોવીને બાપ રોયો. નદીના વહેણમાં ‘સનાન’ કર્યું. લૂગડાં નિચોવીને, ચેહને વંદીને બાપ આવતો રહ્યો, છાનોમાનો ગઢમાં. સૂરજ ઊગ્યે વરરાજા તોરણ આવ્યા.

પોખણાં થયાં. ગઢની વડારણ દીકરીબાને તેડીને લગ્નમંડપે આવી. ગીતો, ફટાણાંની સામ સામેથી ઝડી વરસી. હીપા ખુમાણનો ભત્રીજો જવતલ હોમવા બેઠો. લાજ મલાજાના ત્રણથરા ઢબૂરણમાં વીંટળાયેલી લગ્નોહયતા બહેન પોતાના ભાઇને બદલે પિતરાઇ ભાઇને જ્વતલ હોમતો જોઇ રહે છે. મલાજાના ભીડમાં કમાડમાંથી વારે વારે પ્રશ્ન ઊઠે છે ‘મારો ભાઇ ક્યાં ગયો!’

પરણેતર પૂરા થયા. જાનને વિદાય આપવાનું ચોઘડિયું બેઠું. આંસુના તોરણ બાંધતી કન્યા વિદાયની ઘડી આવી પૂગી. સાસરવાસની ગાડીએ બેસનારી દીકરી જનેતાની વિદાય લેવા આવી! ‘બા!’ જનેતાના બાંધેલા બંધ ઉપર દીકરીનો ‘બા’ શબ્દ તોપનો ગોળો થઇ પડયો. બંધ તૂટ્યો.

દીકરાવિહોણી માતાએ પોક મૂકી ‘મારા દીકરા!’ ગઢની તોતિંગ દીવાલો અને કાંગરા ભાંગ્યાં. ‘દીકરા!’ નામનો પોકાર બંધબેસતો બન્યો. લાડમાં દીકરીને દીકરો પણ કહેવાય. દીકરાના સંબોધનનો છેડો પકડીને પૂનબાઇએ આર્તનાદ કર્યો. ‘દીકરા!’ હૃદય વિદારક રોણાંથી મનખો સ્તબ્ધ બન્યો!

કુળની પરંપરા મુજબ મા દીકરી જુદાં પડ્યાં. હળવી ડગલીએ દીકરી ગાડામાં બેઠી પૈડું સિંચાયું, ડમણી સાસરવાટને રસ્તે દોડી ગઇ.

હીપા ખુમાણની સારપે ગામેડું ઊમટ્યું હતું. પોતાની દીકરીને વળાવતો હોય એવા ભાવે લોકસમૂહ આંસુ લૂંછતો હતો.

હીપા ખુમાણના કુટુંબી, ભાઇ, ભત્રીજા અને કાકા, દાદા દીકરીને મળવા ગાડીએ આવતા ગયા. પાનેતરના ઘાટા પટ્ટથી ઢંકાયેલો દીકરીનો ચહેરો પોતના ભાઇની વાટ જોતો હતો.

‘હવે ભાઇ આવશે.’ કાકાની પછવાડે હશે. મોટા બાપુની પાછળ હશે. મામાની પડખો પડખ હશે. આવશે. આવશે. જવતલ હોમવા ટાણે ક્યાંક રમવા જતો રહ્યો હતો. પણ મને વળાવવાનું કાંઇ ભૂલે!’

બધા મળી ગયા પછી હીપો ખુમાણ છાતી આડા બંધ બાંધીને વેલડે આવ્યા. ‘બેટા!’ અને અવથાડ કિલ્લાનો પાયો વિખાયો. ખડેડીને ખાંગી થયેલી શિલાઓને હીપાએ હાથ દઇને રોકી દીધી. ‘આવજે બહેન. આવજે દીકરી!’

‘બાપુ!’ ઘૂંઘટની આરૂશમાંથી દીકરીએ બાપને ઝીણા અવાજે પૂછ્યું, ‘બાપુ! ભાઇ ક્યાં?’

‘ભાઇનાં કાંઇ ઠેકાણાં હોય બાપા! અટાણે પણ રમવા જતો રહ્યો. ભલે. બે દિવસ પછી હું એને મોકલીશ. બે દી’ રોકાશે હાઉ?’

જાન વિદાય થઇ ગઇ. હીપો ખુમાણ ડેલીએ આવ્યા. દીકરાનું સ્નાન કાઢવાની તૈયારી કરી. સીમાડો વટાવ્યા પછી જાનૈયાઓને કોઇએ ખબર આપી કે હીપાભાઇને આંગણે આગલી રાતે ગજબ થઇ ગયો છે. તમને ખબર નથી?’

સાવ અજાણ્યા જાનૈયા સીમાડેથી પાછા વળીને સ્નાનમાં જોડાયા. બધા નહાવા ગયા. એ વખતે ‘મારો ભાઇ ઠેઠ લગણ આવ્યો નહીં.’ એવું છાનું છાનું લવતી હીપાની દીકરી, સાસર વાસના આંગણાના લીલા તોરણ નીચે પોંખાતી હતી!

(કથાવસ્તુ : દરબાર પૂંજાવાળા સાણથલી)
સૌજન્ય: દિવ્યભાસ્કર.કોમ

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators