પોષ સુદ આઠમ ના દિવસે ગુપ્ત નવરાત્રિ ગણાતી એવી શાકંભરી નવરાત્રિ નો પ્રારંભ થાય છે.
ગુપ્ત નવરાત્રી ની વાર્તા અને કથા
માઁ આદ્યશક્તિના અનેક સ્વરૂપો છે. દરેક સ્વરૂપના પ્રાગટ્ય સાથે એક કથા જોડાયેલી છે. શાકંભરી દેવી આદ્યશક્તિના સ્વરૂપોમાંનું એક સ્વરૂપ છે. આ સ્વરૂપની પૂજા-અર્ચનાનો પર્વ શાકંભરી નવરાત્રી તરીકે ઓળખાય છે.
ભારતમાં વર્ષમાં ચાર નવરાત્રી ઉજવવામાં આવે છે. 1) ચૈત્ર નવરાત્રી 2) અષાઢ નવરાત્રી 3) આસો નવરાત્રી 4) પોષ નવરાત્રી. જેમાંથી ચૈત્ર, અષાઢ અને આસો નવરાત્રીઓ સુદ એકમથી શરૂ થાય છે. જ્યારે શાકંભરી નવરાત્રી પોષ સુદ આઠમથી શરૂ થાય છે અને પોષી પૂનમ સુધી ચાલે છે.
ચંડી પાઠના અગિયારમાં અધ્યાયના મુજબ કથા :
દેવોના તેજ પુંજમાંથી પ્રગટેલ દેવીએ અનેક રાક્ષસોનો સંહાર કર્યો. સર્વે દેવોએ તેમની સ્તુતિ કરી ત્યારે દેવીએ આશીર્વાદ આપીને એક ભવિષ્યવાણી કરી. તેમણે કહ્યું કે લગભગ સો વર્ષ સુધી વરસાદ પડશે નહીં અને દુષ્કાળની દારૂણ સ્થિતિ સર્જાશે. આ ભવિષ્યવાણી યથાર્થ થઈ. દુષ્કાળના કારણે લોકો અને પ્રાણીઓને ભૂખથી મૃત્યુ પામવું પડ્યું. દેવીએ તેમની પર દયા કરી અને વિવિધ પ્રકારના શાકભાજીનું વિતરણ કર્યું. આ શાકભાજીઓ ખૂબ જ પૌષ્ટિક હતી અને તેનાથી લોકો અને પ્રાણીઓનું જીવન બચ્યું.
દેવીએ આપેલ વચન પૂર્ણ કર્યું અને તેમને શાકંભરી દેવી તરીકે ઓળખવામાં આવ્યા.
દેવીભાગવતના સાતમા સ્કંધમાં કથા :
દેવીભાગવતના સાતમા સ્કંધમાં શાકંભરી નવરાત્રીની કથા થોડીક જુદી છે. હિરણ્યકશિપુના કુળના દુર્ગમ નામના રાક્ષસે તપ કરી વરદાન મેળવતા મન્દોમન્ત થયો અને તેણે પૃથ્વી પરથી બધા વેદો ચોરી લીધા. પરિણામે દેવો વેદજ્ઞાનથી વંચિત થઈ ગયા અને સર્વત્ર હાહાકાર મચી ગયો. ઉપરાંત તેણે સ્વર્ગ પર આક્રમણ કર્યું. દેવોએ સુમેરુ પર્વતના શિખરે આશ્રય લીધો. અનાવૃષ્ટિથી દુષ્કાળ પડ્યો અને જળાશયો સુકાઈ ગયા. લોકો ભૂખે મરવા લાગ્યા. છેવટે બધાની વિનંતીથી દેવીએ અનેક દેવીઓ રૂપે અનંત સ્વરૂપ ધારણ કર્યું, અને શતાક્ષી કહેવાયા.
તેમણે દુર્ગમનો નાશ કરી વેદોને મુક્ત કર્યા. ઉપરાંત દેવીએ શાકંભરીનું સ્વરૂપ પ્રગટાવીને સૃષ્ટિ પર ચારે બાજુ લીલા શાકભાજી, કંદમૂળ, ફળ ફૂલ વરસાવ્યા અને લોકોને દુષ્કાળમાં જીવાડ્યા.







