ષટતિલા એકાદશી | કાઠિયાવાડી ખમીર
તેહવારો

ષટતિલા એકાદશી

વિક્રમ સંવત અનુસાર, ગુજરાતી પંચાંગના તૃતીય માસ પોષની વદ અગિયારસે ઉજવાતી એકાદશીનું નામ ષટતિલા એકાદશી છે. આ એકાદશીનો મહિમા ગભસ્તી ઋષિએ દાલભ્ય ઋષિને સમજાવ્યો હતો, જેમાં એક પવિત્ર બ્રાહ્મણ સ્ત્રીની કથા વર્ણવાઈ છે. આ કથા પુરાણોમાં પણ ઉલ્લેખિત છે. ષટતિલા એકાદશીના દિવસે તલને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આ દિવસે તલનું દાન કરવું, તથા સ્નાન અને ભોજનમાં તલનો ઉપયોગ કરવો અનિવાર્ય માનવામાં આવ્યો છે.

ષટતિલા એકાદશીનો મહિમા

પુલસ્ત્ય ઋષિને દાલભ્ય ઋષિ પ્રશ્ન પૂછે છે, ‘હૈ મુનિવર્ય, મૃત્યુલોકમાં જન્મ્યા પછી મનુષ્ય જાણે-અજાણે અનેક પાપ કર્યાં કરે છે. મનુષ્યે બ્રહ્મહત્યા કરી હોય, કોઈનું દ્રવ્ય ચોરી લીધું હોય, પરસ્ત્રીગમન કર્યું હોય તોપણ શું તે સ્વર્ગ પ્રાપ્ત કરી શકે છે? આવાં ઘોર કર્મ કરનારનાં પાપનું નિવારણ ખરું?‘

પુલસ્ત્ય મુનિ કહે છે, ‘હે મુનિ, આજ સુધી બ્રહ્મા, વિષ્ણુ વગેરે દેવોએ પણ આ રહસ્ય ગોપનીય રાખ્યું છે. ષટ્તિલા એકાદશીનું વ્રત કરવાથી સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે.‘
એક વખત ભગવાન શ્રીકૃષ્ણે દેવર્ષિ નારદ મુનિને આ ષટ્તિલા એકાદશી વ્રતની કથા કહી હતી.

‘હે મુનિવર્ય નારદ, મૃત્યુલોકમાં એક વિપ્રની સ્ત્રીએ ષટ્તિલા વ્રત, ઉપવાસ, દેવપૂજન કરીને તેમજ ગરીબ લોકો અને કુમારિકાઓને દાનમાં તલ આપીને પોતાની મનોકામના પૂર્ણ કરવા પ્રાર્થના કરી હતી. દાન એ ત્યાગનું સોપાન છે. દાનનો મહિમા મોટો છે. દાન માટેનો સદ્વિચાર એક સુંદર સ્કુરણા છે. દાનમાં પણ વિવેક જરૂરી છે.‘શક્તિ’ એવી‘ભક્તિ’ કરવી જોઈએ. દયા એ અંતરનો ઉમળકો છે. આ બ્રાહ્મણ સ્ત્રીએ સુપાત્ર દાન કર્યું હતું, તે કીર્તિના બદલાવાળું દાન ન હતું.‘


‘હે નારદ, દાનની પાર્શ્વ ભૂમિકામાં ત્યાગની પરમ મંગળ ભાવના રહેલી છે. જો દાનની પાછળ કેવળ ભૌતિક સુખનો હેતુ હોય તો તે દાન સુપાત્ર દાન કહેવાતું નથી. કોઈ વ્યભિચારી, જુગારી, શરાબી, દુરાચારી કે હિંસકને દાન આપવાથી સંસ્કાર ન પોષાતા કેવળ અનીતિ જ પોષાય છે. દાન એ અપરિગ્રહની મંગળ અને ભવ્ય ભાવનાનું પણ પોષક છે.‘

શાસ્ત્રોમાં કહ્યું છે કે, ‘જો સૂર્યાસ્ત સુધીમાં યાચકોને દ્રવ્યનું દાન કરવામાં ન આવે તો સવારમાં તે દ્રવ્ય કોનું થશે તે કહેવું મુશ્કેલ છે. આ દાનને લીધે સદાચારને પોષણ મળવું જોઈએ.‘

‘હે નારદ, સર્વ શાસ્ત્રોમાંથી એક જ સાર નીકળે છે કે દાન, ઉદારતા અને પરોપકાર જેવો અન્ય કોઈ ધર્મ નથી. મનુષ્ય જો જીવનમાં ઉદારતા દાખવે તો પવિત્રતા અને સિદ્ધિ આપમેળે આવી વસે છે. પવિત્ર અંતરમાં ક્યારેય સ્વાર્થ ટકી શકતો નથી. સુખ કે દુઃખ દરેક સ્થિતિમાં સમતાની ભાવના રાખવી અને સંતોષી બનવું, જેથી જીવનમાં સુખ કે દુઃખનો ભેદ જ નહીં રહે.‘

‘ઉદારતા એ પ્રેમનું સાચું રૂપ છે. પ્રેમમાં પણ ક્યારેક સ્વાર્થ ભાવના છુપાઈ રહેલ હોય છે. ઉદાર વ્રતધારી અન્યનું દુઃખ જોઈ પોતે દુઃખી થાય છે. પ્રકૃતિનો એ ન ભૂંસાય એવો નિયમ છે કે કોઈ પણ ત્યાગ વ્યર્થ જતો નથી, સુપાત્રને કરેલું દાન વ્યર્થ જતું નથી. આપણાથી વધારે ગરીબ લોકોને દાન આપવાથી આપણી પોતાની ગરીબીનો ભાવ નષ્ટ થઈ જાય છે. એનામાં આત્મવિશ્વાસ દૃઢ બની જાય છે, પરિણામે તેની માનસિક શક્તિ પણ દૃઢ બને છે. જે વ્રતી નિત્ય ઉદાર વિચાર રાખે છે, તેના સંકલ્પો પણ સિદ્ધ થાય છે. અખંડ સુખ ઉદારતા વડે જ પ્રાપ્ત થાય છે. ધન દ્વારા ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે, પરંતુ આત્મસુખ તો ઉદારતા વગર અશક્ય છે.‘

‘તમારે જેની જરૂર નથી એ વસ્તુ મને આપી દો એમાં ઉદારતા નથી, પણ તમારે જેની જરૂર મારા કરતાં વધારે છે, એ વસ્તુ તમે મને આપી દો, એમાં જ સાચી ઉદારતા છે.‘

‘હે નારદ, ષટ્તિલા એકાદશીનું વ્રત તો માત્ર ઉદાહરણ તરીકે છે. ઉદાર વ્રતધારી પોતાની આસપાસ ઉત્તમ પ્રકારની ઉદારતાનું વાતાવરણ સર્જી શકે છે. વિદ્યા જેટલી વધારે અપાય તેટલી તે વધે છે. દાન દેવાથી કોઈ વસ્તુનું વધવું તે કાંઈ ફક્ત વિદ્યાદાનના વિષયમાં સાચું છે તેવું નથી, પરંતુ ઔદાર્યની બાબતમાં પણ સાચું છે.
સ્વાર્થ ભાવના મનમાં ક્ષોભ ઉત્પન્ન કરે છે અને ઉદાર ભાવના શીલ ઉત્પન્ન કરે છે. ઉદાર વિચાર મનુષ્યની એવી મહાન સંપત્તિ છે કે જે તેને વિપત્તિ સમયે સહાયતા કરે છે. ઉદાર મનુષ્ય હંમેશાં ઉત્સાહી અને આશાવાદી હોય છે. ઉદારતા કે પરોપકાર એ માનવમાત્રનું કર્તવ્ય છે. જે મનુષ્ય જનકલ્યાણ માટે મથતો નથી તેનું જગતમાં જન્મવું અને જીવવું ભારરૂપ છે.‘

‘એકાદશીનું અનુપમ વ્રત કરનારે પોતાની જીવન સરિતા કલ્યાણ માર્ગે વહાવવી જોઈએ. તેના હૃદયમાં હંમેશાં લોકકલ્યાણની ભવ્ય ભાવના વસેલી હોવી જોઈએ. આપણું જીવન આપણા એકલા માટે જ છે એવું ન માનતા સર્વના માટે છે એમ માનવું. સહૃદયતા એ અમૂલ્ય ધન છે. આપનાર મેળવે છે, લેનાર ગુમાવે છે. ઉદારતા એ માનવજીવનનો અતિ સુંદર અંશ છે.‘

‘રાજા અને રંકની પરિભાષા એ છે કે સંતોષી તે રાજા અને અસંતોષી તે રંક.
પ્રસિદ્ધિ અને રિદ્ધિ એ બેમાંથી એકેય સિદ્ધિનું સાચું માપ નથી. સિદ્ધિનું સાચું માપ છે માત્ર ઉદારતા. જે ઉદારતામાં અભિમાન ભળે છે એ ઉદારતા પોતાની સાત્ત્વિકતા ગુમાવી બેસે છે.‘

‘આ બ્રાહ્મણ સ્ત્રીએ પોતાની શક્તિ અનુસાર ઉદારતાથી અન્ન-વસ્ત્રનું દાન કર્યું હતું તેથી અને ષટ્તિલા એકાદશી વ્રતના પુણ્ય પ્રભાવથી તેને સૌંદર્ય, તેજ, રિદ્ધિ-સિદ્ધિ, સંપત્તિ અને સંતતિ પ્રાપ્ત થયાં હતાં. આ પરમ પવિત્ર દિવસે જે લોકો લોભવૃત્તિ અને તૃષ્ણા ત્યજીને,‘તેન ત્યક્તેન ભુંજિથા’ એ સૂત્રાનુસાર ત્યાગ ભાવના, ઉદારતા દાખવીને, ગરીબ વર્ગને યથાશક્તિ અન્નદાન, વસ્ત્રદાન વગેરે આપે છે તે વ્યક્તિ જન્મજન્માંતર સુધી આરોગ્યને પામે છે. તેને દુઃખ, દરિદ્રતા અને દુર્ભાગ્યનો સામનો કરવો પડતો નથી.‘

આ પ્રમાણે ભવિષ્યોત્તર પુરાણમાં ષટ્તિલા એકાદશી વ્રતના માહાત્મ્યનું વર્ણન કરવામાં આવ્યું છે તે માહાત્મ્ય નારદજીને ભગવાન શ્રીકૃષ્ણે સવિસ્તાર કહી સંભળાવ્યું. આ વ્રતકથાનું જે શ્રવણ અને વાચન કરે છે તેનાં પણ સર્વ પાપો નષ્ટ થાય છે અને વૈકુંઠને પામે છે.

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    [instagram-feed]

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators