અલુજી ચૌહાણ – ભાલ પંથક | કાઠિયાવાડી ખમીર
ઈતિહાસ પાળીયા શુરવીરો શૌર્ય કથાઓ

અલુજી ચૌહાણ – ભાલ પંથક

વાણિયણનો દિકરો રૂડી જાન લઇને આવ્યો
અને રાજપુતાણી નો દિકરો જાન દઇને આવ્યો…

પરહિત કાજે ત્યાગ અને સમર્પણની ભાવના સૌરાષ્ટ્રની ધરતીમાં ભરપુર જોવાં મળે છે જેમાં અનેક જ્ઞાતિઓએ યા હોમ કરી નિસ્વાર્થ ભાવે પોતાનાં પ્રાણની બલી હોમી છે જેમાં અઢારેય વરણે પોતાનાં પ્રાણ આપી તેમનાં કુળની કિર્તિ વધારી છે તેમાં કોઈ શંકા નથી. અને એની સાક્ષી પુરતાં અનેક શુરવીરોના પાળીયા સિંધુરયા રંગે રંગાઈ ગયાં છે. ને આવાં પરહિત કાજે કાયાના કટકા કરી નાખનારની યાદમા પાળીયા કે ખાંભીઓ ખોડાઇ છે. એવીજ એક ખાંભી રંગપુર ગામમાં અલુજી ચૌહાણનો અમર ઇતિહાસ ગાતી ઊભી છે જેનાં માથે વર્ષો વહી ગયા.

વિધવા રાજપુતાણીનો એકનો એક દિકરો ઘડપણની લાકડી લાડેકોડે પાળીપોશીને મોટો કર્યો ઘડપણમા માનું ધડપણ પાળશે ને આ દિકરા પર મારૂ જીવન પુરૂં કરી નાખીશ એમ વિચારતી રાજપુતાણી દિકરાને શુરવીરતાના પાઠ ભણાવી રહી છે.. પણ આપડુ ધારેલું બધું સાચું ક્યાં પડે છે ઇશ્વર ને કંઈક નવુ જ કરવું તુ.

વાત એમ હતી કે ભાલ પંથકની ધરતી પર રંગપુર ગામના નગરશેઠના દિકરાના લગ્ન લીધાં છે રૂડા મંડપ રોપાણા છે ઢોલ અને શરણાઈ વાગી રહી છે આસોપાલવના તોરણ ઝુલી રહ્યાં છે લગ્નગીતો સંભળાય છે ખારેક ટોપરા વહેંચાઇ છે ચારેય બાજુ આનંદ આનંદ થઇ રહ્યો છે દિકરો પરણાવાના કોડ કોને ન હોય દિકરાની માં તો આનંદમા હર્ષધેલી ધેલી ફરે છે.


પણ દિકરાનો બાપ એટલે નગરશેઠ શેઠના મુખ પર ચીંતાની રેખાઓ ત્રીપુંડ તાણી રહી હતી કારણ કે દિકરાની જાન રંગપુરથી નીકળી ધોલેરા જવાની છે ને અવવારો માર્ગ છે ભેંકાર ભાસતો ખારોપાટ દુર દુર સુધી ઉડતી ડમરીઓ સિવાય બીજું કાઇ નજરે ન ચડે ચારેકોર લુંટારૂનો ભો છે જોરતલાબી નો જમાનો વોળાવિયા વિનાં જાન લઇને કેમ જાવું ને વોળાવિયા તરીકે કોને લેવો ?

એવો વિચાર કરતાં શેઠને એમનાં જ ગામનાં વિરનર અલુજીની યાદ આવી પણ શેઠ જરા અચકાય ગયાં નાનાં વિધવા રાજપુતાણી નો એકનો એક દિકરો છે ઘડપણની લાકડી છીનવાઈ જાયતો બાઇ નિરાધાર થાય એ પાપ મને લાગે એનો ધણીતો લાંબા ગામતરે ગયો ને હવે દિકરો ના ના…

આમ શેઠ મુઝાણા છે પણ હવે તો મંડપ રોપાઈ ગયો છે ને જાનતો લઇને જવુતો પડછે એમાં કોઈ છુટકો જ નથી ઘણાં વિચારબાદ શેઠના સામે અલુજી સિવાય બીજો કોઈ નજરમાં ન આવ્યો શેઠે મનમાં નક્કી કરી લીધું કે હવે તો જે થાય તે દિકરો પરણાવ્યે જ છુટકો ને આમ વિચારી છેલ્લો નિર્ણય એકજ હતો અલુજી ચૌહાણ બસ બીજું કોઈ નહીં શેઠે તો મોટી આશા લઇને અલુજીના ઘર ભણી હાલ્યા મૂંઝાતા મૂંઝાતા અલુના ઘરે પહોંચ્યા મનમાં થોડી બીક હતી કે
અલુજીના મા નાતો નહીં પાડને પણ જે થાય તે કહીં.

શેઠેતો હિમ્મત કરીને અલુજીના મા પાસે જઇ અલુજીને વોળાવિયા તરીકે મોકલવાની વિનંતી કરી દિધી કે જો બા તમે અલુજીને વોળાવિયા તરીકે મોકલો તો મારા દિકરાની જાન પરણવા જાય.અલુજીના મા કહે ભલે. શેઠ કહે પણ બા મને એક ચિંતા થાય છે શેની ચિંતા શેઠ બા અલુજી તમારે એકનો એક દિકરો છે એટલે કહેતા જરા સંકોચ થાય છે કે ન કરે નારાયણ ને હહહ. અરે શેઠ એક દિકરો હોયકે એકવીસ પરહિત કાજે પ્રાણ દેવા માટે ઇશ્વરે અમ ક્ષત્રિયોનુ સર્જન કર્યું છે. અને શેઠ તમે મારા અલુજીની ચિંતા તમે ના કરશો તમે તમારાં દિકરાની જાન ની તૈયારી કરો જાવ.. શેઠતો આ જગદંબા સામું જોઈ રહ્યો ને

બોલી ઊઠ્યા રંગ તણે રાજપુતાણી રંગ તને.
જાવ શેઠ છાતીએ હાથ રાખીને જાવ ને તૈયારી કરવા માંડો.
તમ તમારે જાડી જાન જોડો જાવ મારો અલુજી તમારી જાનનો વોળાવિયો થઇને આવશે આ મારૂં વચન છે.

શેઠ તો હરખતા હયૈ ઘર ભણી હાલ્યા ભુખ્યા ને ભોજન અને તરસ્યા ને પાણી મળે એટલો સંતોષ શેઠને થયો ને ઘરે જઇને કાલે જાન લઇ જવાની તૈયારી કરવા માંડી બીજે દિવસે સવારનો સૂરજ ઉગ્યો ને, શેઠેતો હર્ષભેર જાનની તૈયારી કરવા માંડી, બળદને શણગાર સજાવી ગાડાની હાર ખડકી દીધી છે અલુજી ઘોડેસ્વાર થઇ ઢાલ બખ્તર ભાલો સજીને ધોડી ઘુમાવી રહ્યો છે, ને શેઠને હરખનો પાર નથી કારણ અલુજી જેવો વિરમર્દ પોતાની જાનનો વોળાવિયો થઇને આવ્યો છે. આમ સર્વ કામ પતાવીને સારા શુકન લઇ જાને ધોલેરા જવા પ્રસ્થાન કર્યુ જાન ધોલેરા પહોચી જાનની આગતા સ્વાગતા કરવામાં આવી, ત્યારબાદ લગ્નવિધિ શરું થઇ ગોરે હાકલ કરી કન્યા પધારાવો સાવધાન,

આમ વિધિવત રીતે શેઠના દિકરાનો હસ્તમેળાપ થયો ને વરઘોડીયા પરણી ઉઠયા ને વિદાઇ ની તૈયારી થવાં માંડી, પછી તો બન્ને વેવાઇ ભેટ્યા ને હર્ષભેર રમી જમી જાને વિદાય લીધી. જાનની વિદાય પછી જાન આજનું ભડીયાદ અને રોજકા વચ્ચે અલીયાસર તળાવ આવે છે, આ બન્ને ગામ વચ્ચે બુકાનીબંધ આઠ દસ લુંટારૂએ જાનને આંતરી આડા ઊભાં રહ્યાં, ને જાન ને ઘેરી લીધી જાનના માણસોને રોક્યા જાનૈયાઓના જીવ તાળવે ચોંટી ગયાં,

ને લુંટારૂ એ હાક મારી, ખબરદાર જે હોયતે ઘરેણા દાગીના આપીદો નકર આ તમારી સગી નહીં થાય, ત્યાં તો જાનડીયુએ કાળો કેર થયો લુટાઇ ગયાં, ધોડજો લુંટારા આંબી ગયા દોડજો, અલુજી બાપ દોડજો, અલુજી, અલુજી આમ રીડ્યા પડયા, ને અલુના કાને અથડાતાં

અલુજીએ ઘોડીને ઢીલી મુકી, લુંટારૂની સામે દોડવી,
ગાડા વચ્ચે લાવી, હાકલ કરી અરે ચોરટાઓ આ વાણિયાની જાનછે, પણ વળોવીયો હું રાજપુત બચ્ચો છું,

ને મારાં જીવતાં આ જાન લુંટાઇ તો તો રજપુતાણી નું ધાવણ લાજે.

ને શેઠે મુકેલ મારાં પર ભરસો ભાંગે માટે જીવ વહાલો હોય તો છાનામાના હાલતીના થાવ પણ લુંટારૂનો સરદાર બોલ્યો અમને અમારૂં કામ કરવાદે ને તું તારૂં કામ કર, નકામો નાની ઉંમરે નંદવાઇ જઇશ, માટે ઘર ભણીજા મા તારી વાટ જોતી હશે, મોટો માટી મારનો દિકરો થયો છે તે.

આટલું સાંભળતાં અલુજી ના રૂંવાડા ઊભા થઈ ગયા.

અરે ખુટલો હવે થાજો માટી, કોણ છે માટી મારનો દિકરો ખબર પડી જાય, કહીં,

અલુજીએ તલવાર તાણી ને લુંટારૂ માથે ત્રાટકીને બાકાઝીકી બોલાવી,
લુંટારૂ ના માથાં વાઢવા માંડયો, આમ વાઢતા વાઢતા પાંચને જણના ત્યાને ત્યાં રામ રમાડી દીધા.
તયે બીજા બચેલા લુંટારૂ અને અલુજી વચ્ચે પાછી તલવારની તાળીઓ પડવા લાગી, આમ પાંચ જણની વચ્ચે ઘુમી રહેલાં અલુજી પર એક લુંટારૂ એ તલવારનો લબરકો લીધો ને વીર નર અલુજીનુ માથું ધડપરથી ઊડી ગયું,

ને અલુજી ધરતી પર ઢળી પડ્યો, ને લોહીનાં ખાડા ભરાણા. ચારેબાજુ જાનૈયા અને જાનડીયુનો કાળો દેકારોને રોકકળ જોઈ, બચેલા ચાર જણ અલુજીને પડતો જોઈ ભાગ્યા ને રોળુ શાંત થઈ ગયું,

પણ પોતાનાં પ્રાણના ભોગે વિધવા માતાના એક લાડકવાયા સપુતે વાણિયાની જાનનુ રખોપું કર્યું, ખરૂં હો ને વોળાવિયાનો ધર્મ બજાવતાં રોજકા અને ભડીયાદ વચ્ચે વીરગતી પામ્યા અને ઉજ્વળ કિર્તિ કરી સ્વર્ગ સિધાવ્ય.

બીજી બાજુ વણિયાણે પોતાનાં દિકરાની હેમખેમ આવેલી જાનના પોખણા કર્યા.

આમ,

વાણિયણનો દિકરો રૂડી જાન લઇને આવ્યો
ને રાજપુતાણીનો દિકરો જાન દઇને આવ્યો

આનું નામ જ પ્રજાનું રક્ષણ

વાહ રંગ છે આવાં પરોપકારી અલુજી ચૌહાણને, રંગ છે રાજપુતાણીને

નોંધ: આજેય એમની યાદમા ભડીયાદ અને રોજકા વચ્ચે અલીયાસર તળાવ અને અલીયાસર મહાદેવની ફરકતી ધજા આ વાતની હોંશે હોંશે સાક્ષી પૂરે છે. અને એમનો પાળીયો રંગપુર ગામનાં શિવાલયના આંગણામાં ઊભો છે આ સિવાય બીજાંઘણા પાળીયા ઉભા છે.

卐 વિરમદેવસિહ પઢેરીયા 卐
卐…………ॐ…………..卐

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    [instagram-feed]

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators