સરદાર બીમાર હતા. તેથી તેઓની ખબર પૂછવા ત્યાગી આવ્યા. મણિબહેન સરદારને દવા પીવડાવી રહ્યાં હતાં. કોઈ તપસ્વીની ઓજસપૂર્ણ સાદગીમાં પિતાની શુશ્રૂષા કરી રહ્યાં હોય તેવું વિરલ દ્રશ્ય ત્યાગીના અંતરપટ પર અંકાઈ ગયું. પણ એક બાબત ત્યાગીની આંખોમાં કણાની માફક ખૂંચી. મણિબહેનના સાડલામાં થીંગડું મારેલું હતું. રહેવાયું નહિ એટલે ત્યાગીએ કહ્યું: ”મણિબહેન! તમે જાણો છો કે, તમે એક એવા બાપનાં દીકરી છો કે જેમણે ભારતને અખંડિતતા બક્ષી છે. નાના નાના ટુકડામાં વહેંચાયેલ દેશને એક સામ્રાજ્યમાં ફેરવી દીધો છે!”
મણિબહેન કશું બોલ્યા વગર ત્યાગી સામે જોઈ રહ્યાં.
“આવા અખંડ ભારતના શિલ્પીની દીકરી થઇ થીંગડું મારો છો તે…” ત્યાગી હળવા મિજાજ સાથે આગળ બોલ્યા : “અમારા દેહરા શહેરમાં નીકળો તો ભિખારણ સમજી હાથમાં બે પૈસા મૂકી દેશે!”
સરદાર ત્યાગીનું આમ હળવાશથી બોલવું પામી ગયા તેથી ખુલ્લું હસીને કહે, તો તો સાંજ સુધીમાં ઘણા રૂપિયા ભેગા થઈ જાય!“ સૌ હસવા લાગ્યા.
ત્યાં સુશીલા નાયર પણ હાજર હતાં. તેમને ગમ્યું નહિ એટલે તરત જ કહ્યું, “ત્યાગીજી, તમે જાણો છો કે કોના સાથે, શું બોલી રહ્યાં છો?” આમ કહેવું સાંભળી ત્યાગી સ્તબ્ધ થઇ ગયા.
“મણિબહેન આખો દિવસ સરદારની સેવા કરે છે. નિયમિત રેંટિયો કાંતે છે. જે સૂતર બને છે તેમાંથી સરદારની કફની અને ધોતિયાં બને છે.” પછી તીખા સ્વરે આગળ બોલ્યાં: “આપની જેમ સરદાર ભંડારમાંથી કપડાં નથી લેતાં.”
“અને હજુ સાંભળો, સરદારના ફાટી ગયેલાં કપડાંમાંથી કાપી-સીવીને મણિબહેન પોતાની સાડી કે ચોળી બનાવીને પહેરે છે!”
સુશીલા નાયરનું આમ કહેવું સાંભળી ત્યાગી તો સાવ ઢીલાઢસ થઇ ગયા. તેમનું હાસ્ય ઓગળીને અદ્રશ્ય થઇ ગયું. મનોમન પસ્તાવો થવા લાગ્યો. એક વિદુષી નારી કે જેમનાં ચરણસ્પર્શથી ધન્યતા અનુભવાય, દર્શન કરતાં આંખો ઠરે, તેમને હું શું બોલ્યો!?
ઓરડામાં ભારેખમ વાતાવરણ પ્રસરી ગયું. ત્યાં સરદાર બોલી ઊઠ્યા: ”ગરીબ માણસની દીકરી છે. સારાં કપડાં ક્યાંથી લાવે? તેનો બાપ કમાવા થોડો જાય છે!?”
સરદાર હળવાશથી બોલ્યા પણ તેનું વજન ભારે હતું. સરદારે એમના ચશ્માંનું ખોખું હાથમાં લીધું. પછી સૌને બતાવીને કહ્યું: ”લગભગ વીસ વરસ જૂનું હશે!”
સરદારે કહ્યું: ”હું જયારે ગાંધીજી સાથે સ્વરાજની લડતમાં જોડાયો ત્યારે લાકડાંની જેમ મારું કુટુંબ, મારી વકીલાત, મારી પ્રતિષ્ઠા સઘળું જ આગમાં હોમી દીધું હતું. મારું જીવન દેશસેવાના કાર્યમાં જોડી દીધું હતું. આ બધાંમાંથી રાખ સિવાય કશુંક બચશે કે કેમ તેની મને ખબર નહોતી.”
સરદાર ઘડીભર અતીતમાં ખોવાઈ ગયા. – તે વખતે મૌલાના આઝાદે કહ્યું હતું કે, પોતે માત્ર અંગત સુખ માટે જીવશે કે દેશના ખાતર જીવશે તેવા દરેક માણસની સામે ઊભા થતાં બે વિકલ્પમાંથી સરદાર પટેલે દેશસેવામાં સમર્પિત થવાનો માર્ગ પસંદ કર્યો હતો.
મહાવીર ત્યાગી, સુશીલા નાયર અને મણીબહેને જોયું કે, સરદારના હાથમાં હતું તે ચશ્માંનું ઘર કેટલું જૂનું હતું અને તેમાં ચશ્માંની દાંડલી તો….
કશું જ ન બન્યું હોય તેમ મણિબહેન કામે લાગી ગયાં અને આ વેળા સરદાર ધ્યાનસ્થ હતા.
કાકાસાહેબ કાલેલકરનું કહેવું હતું, ”સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રપુરુષ છે. હિન્દુસ્તાન જો ખેડૂતોનું રાષ્ટ્ર હોય તો સરદાર પટેલ ખેડૂતોના રાજા છે. એમણે રાગ- દ્વેષ ત્યજ્યાં નથી પણ તેના પર કાબૂ મેળવ્યો છે. એમનો યોગ સાધુ-સંતોનો નથી પણ ક્ષત્રિય-વીરપુરુષનો છે. એમણે બ્રહ્મચર્યનું પાલન કર્યું છે, પણ તે પરલોકમાં કામ આવનાર મોક્ષ માટે નહીં પરંતુ પોતાના ત્રીસ કરોડ ભાઈ-બહેનોને પરતંત્રના નરકમાંથી ઐહિક મોક્ષ મેળવી આપવા સારુ. આજે વલ્લભભાઈ પાસે રહેવા માટેનું ઘર નથી, એશ-આરામનાં ગાડી ઘોડા, રાચ-રચીલાં કે કપડાં પણ નથી. જેને પોતાનો કહી શકાય તેવો ખાનગી સમય પણ નથી.
“જોયું!?”
“શું?” આમ સાંભળી સૌ ચમક્યા.
“ભારતના નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાનનાં ચશ્માંની દાંડલી તૂટી ગઈ છે ત્યાં દોરો બાંધ્યો છે!” સુશીલા નાયર બોલ્યાં.
ત્યાં ગંભીર અવાજે સરદાર વલ્લભભાઈ બોલ્યા: “ભાઈ, સાડી ફાટે તો થીંગડું મરાય, ચશ્માં તૂટે તો દોરો બંધાય, ચાલે…પણ આ દેશ તૂટવો જોઈએ નહિ. કારણ કે તેને થીંગડું મારી શકાતું નથી!”
સૌ સરદારના મોં સામે જોઈ રહ્યાં.
સૌજન્ય : ગ્લોબલ ગુજરાત ન્યુઝ દ્વારા રાઘવજી માધડ ના લેખ.