પદ ૧ લું.
દેસિ સંતતણી લાવીરે, ભેળાં ફરે બાવો ને બાવી. – ટેક.
મોટાં કપાળે ટિલાં કરે ને, વળી ટોપી પટકાવી;
કંથો ને ખલતો માળા ગળામાં, કાને મુદ્રા લટકાવીરે. દેસિ.
સંત સેવામાં સુખ ઘણુંને, કરે સેવા મન ભાવી;
તન મન ધન સોંપો એ સંતને, પ્રીતિયો લગાવીરે. દેસિ.
એવું ને એવું જ્ઞાન દિયે, બહુ હેતે બોલાવી;
ભોજો ભગત કહે રાખ્યા ચાહુમાં, ભેખે ભરમાવીરે. દેસિ.
પદ ૨ જું.
ભેખ તો ભાવર થકી ભુંડારે, મેલા અંતરમાં ઉંડા. – ટેક.
ટકો પૈસો ટેલ ગામ ગામ નાંખે, વળી ખેતર ખેતર ડુંડાં;
જેની વાંસે ધાય તેનો કેડો ન મેલે, જેમ કટકનાં લુંડારે. ભેખ.
ત્રાંબિયા સારુ ત્રાગું કરે ને વળી, કામ ક્રોધના ઉંડા;
ધન ધુતવા દેશ દેશમાં ફરે, જેમ મલકમાં મુંડારે. ભેખ.
ગામ બધાની ચાકરી કરેને, ઘેર રાખે અગન કુંડા;
ભોજો ભગત કહે કર્મની કોટી, પાપતણાં જુંડારે. ભેખ.
પદ ૩ જું.
જોઇ લો જગતમાં બાવારે, ધર્યા ભેખ ધુતિને ખાવા. – ટેક.
જ્યાં પ્રેમદા ઘણી પાણી ભરે, જ્યાં જાય નિત નિત નાવા;
રાંડી છાંડી નારનો નર ઘર ન હોય ત્યારે, બાવોજી બેસે ગાવા રે. જોઇ લો.
લોકનાં છોકરાંને તેડી રમાડે, વળી પરાણે પ્રીત થાવા;
ગૃહસ્થની સ્ત્રી રીસાવી જાય ત્યારે, બાવોજી જાય મનાવારે. જોઇ લો.
રૂપ કરે ને બાવો ધ્યાન ધરે, ભોળા લોકને ભરમાવા;
ભોજો ભગત કહે ભાવેસું સેવે એને, જમપુરીએ જાવારે. જોઇ લો.
પદ ૪ થું.
ભરમાવી દુનિયાં ભોળીરે, બાવો ચાલ્યો ભભુતી ચોળી. – ટેક.
દોરા ધાગા ને વળી ચીઠ્ઠી કરીને, આપે ગણકારુ ગોળી;
જીવને હણતાં દયા ન આણે, જેમ ભીલ કાફર કોળીરે. ભરમાવી.
નિત નિત દર્શન નીમ ધરાવે, ઘેર આવે ત્રિયા ટોળી;
માઇ માઇ કરીને બાવો બોલાવે, હૈયે કામનાની હોળીરે. ભરમાવી.
સઘળા શિષ્યને ભેળાં કરી ખાય, ખીર ખાંડ ને પોળી;
ભોજો ભગત કહે ભવસાગરમાં, બાવે માર્યા બોળીરે. ભરમાવી.
પદ ૫ મું.
મૂરખો રળી રળી કમાણો રે, માથે મેલસે મોટો પાણો. – ટેક.
ધાઇ ધુતીને ધન ભેળું કીધું, કોટિધ્વજ કહેવાણો;
પુણ્યને નામે પા જૈ ન વાવર્યો, અધવચેથી લૂટાણોરે. મૂરખો.
ભર્યા કોઠાર તારા ધર્યા રહેશે, નહિ આવે સાથે એક દાણો;
મસાણની રાખમાં રોળઇ ગયા કઇક, કોણ રંકને કોણ રાણોરે. મૂરખો.
મંદિર માળિયાં મેલી કરીને, નીચે જઈ ઠેરાણો;
ભોજો ભગત કહે મુવા પુઠે જીવ, ઘણો ઘણો પસ્તાણોરે. મૂરખો.
પદ ૬ ઠું.
મૂરખો માની રહ્યો મારું રે, તેમાં કાંઇયે નથી તારું. – ટેક.
સાત સાયર જેની ચોકી કરતા, ફરતું નીર ખારું;
ચૌદ ચોકડીનું રાજ્ય ચાલ્યું ગયું, રાવણાદિક વાળું રે. મૂરખો.
દુઃખને તો કોઇ દેખે નહીં, ને સુખ લાગે સારું;
વેળા વેળાની છાંયડી તારી, વળિ જાશે વારું રે. મૂરખો.
હરિ ભજનમાં હેત જ રાખો, સ્મરણ કરો સારું;
ભોજો ભગત કહે રાખો હૃદયમાં, પ્રભુનું ભજન પ્યારું રે. મૂરખો.
પદ ૭ મું.
ભક્તિ શિશતણું સાટુંરે, આગળ વસમી છે વાટુ. – ટેક.
એક દિવસ તો આવી બની, રાજા મૂરધ્વજને માથે;
કાશિએ જઇને કરવત મુકાવ્યું, હરિજનને હાથે રે. ભક્તિ.
સત્યને કાજે ત્રણે વેચાયાં, રોહિદાસ ને રાણી;
ઋષિને વાસ્તે રાજા વેચાણો, ભરવાને પાણી રે. ભક્તિ.
પેરો પટોળાં પ્રેમનાં રે તમે, શૂરવિર થઇ ચાલો;
ભોજો ભગત કહે ગુરુ પરતાપે, આમરાપર માલોરે. ભક્તિ.
પદ ૮ મું.
દુનિયાં દીવાની કહેવાશેરે, ભુંડી ભિતોમાં ભટકાશે. – ટેક.
પાપ જ્યારે એનું પ્રગટ થશે ત્યારે, ભૂવા જતિ ઘેર જાશે;
ધુણી ધુણી એની ડોક જ દુઃખસે, ને લેનારો લેઈ ખાશેરે. દૂનિયાં.
સ્વર્ગમાં નથી સૂપડું ને, નથી ખાંડણિયો ને ઘંટી;
દુધ ચોખાના જમનારા તમે, કેમ કરી જમશો બંટીરે. દૂનિયાં.
ઢોંગ કરીને ધુતવાને આવે ત્યારે, હાથ બતાવા સૌ જાશે;
ક્યારે આના કર્મનું પાનુંરે ફરશે, અને ક્યારે પુત્ર જ થાશેરે. દૂનિયાં.
કીમિયાગર કોઇ આવી મળે ત્યારે, ધનને વાસ્તે ધાશે;
ભોજો ભગત કહે ભ્રમણામાં ભમતાં, ગાંઠની મૂડિ ગમાશેરે. દૂનિયાં.