સિહોરના ઇતિહાસની ઝાંખી કરાવી રહેલો દીપડીયો ડુંગર
ઐતિહાસિક વારસા માટે વિખ્યાત સિહોર છે. શહેર જિલ્લાના અન્ય નગરો કરતાં ઐતિહાસિક અને ધાર્મિક રીતે કંઇક અનેરું અને સવિશેષ મહત્વ ધરાવે છે. સિહોરની ચોતરફ વિસ્તરેલી ગિરિમાળાઓ સિહોરની શોભામાં વધારો કરે છે.સિહોરમાં પ્રવેશ કરો એટલે દૂરથી જ સિહોરી માતાના દર્શન થાય. સિહોરનું આવું વધુ એક દર્શનીય સ્થળ દીપડીયો ડુંગર છે.
સિહોરની દેદીપ્યમાન ગિરિમાળાઓ સિહોરની આન,બાન અને શાનમાં વધારો કરે છે. સિહોરના ગૌતમેશ્વર મહાદેવ નજીક આવેલી ગિરિમાળા દીપડીયા ડુંગર તરીકે આજે પણ ઓળખાય છે. કદાચ બહુ ઓછા લોકો આ સ્થળ વિશે જાણે છે. સિહોરનું પ્રાચીન નામ સિંહપુર હતું. કહેવાય છે કે એક સમયે અહીં સિંહોનો વસવાટ હતો. જેને કારણે આ શહેરનું નામ એક સમયે સિંહપુર હતું.
ગૌતમેશ્વર મહાદેવ નજીક આવેલ દીપડીયા ડુંગર વિશે પણ કંઇક એવું જ કહેવાય છે કે એક સમયે આ દીપડીયા ડુંગરમાં દીપડાઓનો વાસ હતો. જેને કારણે કાળક્રમે આ ડુંગરનું નામ દીપડીયો ડુંગર પડી ગયું. ગૌતમેશ્વર મહાદેવના દર્શન કરવા જતાં રસ્તાની ડાબી તરફ એક ટેકરી પણ આ સ્થળ આવેલું છે. આ પરથી અનુમાન કરી શકાય કે એક સમયે સિહોરમાં સિંહ અને દીપડાઓ પણ વસતા હતા. પ્રાચીન સમયમાં સિહોરમાં ગાઢ જંગલ હતું.તેની રમણીય ગિરિમાળાઓ અને વિવિધ વૃક્ષોથી ભરપૂર જંગલ સિહોરની શોભામાં ઓર વધારો કરતા હતા.