શ્રી દ્વારકાધીશજીની ધ્વજાનું સ્વરૂપ અલૌકિક છે. તે પોતાની આગવી વિશિષ્ટતા ધરાવે છે. (૧) આધિભૌતિક (૨) આધ્યાત્મિક (૩) આધિદૈવિક
(૧) આધિભૌતિક:
આધિ એટલે આવાસ (સ્થાન) અને ભૌતિક એટલે પંચત્તત્વ (કાપડ) માંથી, આ ધ્વજા બનેલી છે, તેમાં ૫૨ (બાવન) ગજ કાપડ વાપરવામાં આવે છે, જેમાં પ્રત્યેક ગજનું સ્વતંત્ર અસ્તિત્વ બતાવવા ધ્વજાની ફરતી કિનારી પર બાવન નાના પતાકાઓ જોડવામાં આવે છે. જે શ્રી દ્વારકાધીશના મહેલમાં પ્રવેશવાનાં સ્વર્ગદ્વાર અને મોક્ષદ્વારના પ્રતિકરૂપ પણ છે, હાલ છપ્પનસીડી તરફનું દ્વાર, સ્વર્ગદ્વાર અને ભગવાન દ્વારકાધીશની નગરીમાં પ્રવેશવાનું દ્વાર, મોક્ષદ્વાર તરીકે જાણીતું છે. આ રીતે શ્રી દ્વારકાધીશજીની ધ્વજા, દ્વારકાના પ્રવેશદ્વાર અને યાદવોના આવાસ બન્નેનું એકત્રિત આધિભૌતિક સ્વરૂપ છે.
(૨) આધ્યાત્મિક:
આ શબ્દ અતિશય માનવાચક અને પવિત્ર છે. ધ્વજાનું નામ સાંભળતાં જ પ્રત્યેક માનવના મનમાં પૂજ્યભાવ અને આદરભાવ ઉત્પન્ન થાય છે. ધ્વજાનું બીજું નામ ઝંડો છે. જેવી રીતે ભારતનો રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રીય પ્રતિક છે અને ભારતનો નાનામાં નાનો માનવી તેનો માન-મોભો જાળવે છે, તેને પોતાની ફરજ અને કર્તવ્ય માને છે, તેનું અપમાન દેશનું અપમાન ગણે છે અને રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર શિક્ષાને પાત્ર થાય છે, આ જ પ્રમાણે ધ્વજાની બાબતમાં પણ માન-સન્માનનું મહત્વ છે. તેથી ધ્વજાના આધ્યાત્મિક સ્વરૂપને માનથી અને પુજ્યભાવથી જોઈ, લોકો તેનો આદર સત્કાર કરી તેને માનપૂર્વક મસ્તક પર ધારણ કરે છે અને નમસ્કાર કરે છે.
(૩) આધિદૈવિક સ્વરૂપ:
જે રીતે ભારતનો કેસરી, સફેદ અને લીલો અશોકચક્ર યુક્ત ધ્વજ દૈવિક સ્વરૂપને સમજાવે છે તે રીતે બાવન ગજની શ્રી દ્વારકાધીશજીની ધ્વજા દૈવિક સ્વરૂપ સમજાવે છે. જ્યાં સુધી ધ્વજાનું કાપડ દુકાનદારને ત્યાં હોય છે ત્યાં સુધી તે કાપડ છે. પરંતુ તે કાપડ જ્યારે યથાયોગ્ય સ્વરૂપે સિવાઈ જાય છે ત્યારે તે શ્રી દ્વારકાધીશની ધ્વજા દૈવિક સ્વરૂપ ધારણ કરે છે. આ ધ્વજામાં શ્રી દ્વારકાધીશના સ્વરૂપનો વાસ થઈ જાય છે. શ્રી દ્વારકાધીશજીની દૈવિક સ્વરૂપવાળી ધ્વજા ભક્તના આવાસે જ્યાં સુધી હોય ત્યાં સુધી દૈવી સ્વરુપે તેમના ઘરે શ્રીદ્વારકાધીશ વાસ કરે છે અને તેમના આવાસ અને પરિવારને પવિત્ર બનાવે છે.