જેમ કચ્છનું રણ બીજા રણોથી નિરાળું છે તેમ ઘેડ પ્રદેશ સૌરાષ્ટ્રના બાકીના પ્રદેશથી નિરાળો છે. ઘેડ પ્રદેશનો ઉલ્લેખ ઇતિહાસમાં ૧૩મી સદીમાં થયો હોવાનું શંભુપ્રસાદ દેસાઈ નોંધે છે. ફળદ્રુપ ધરતીના કારણે ઘેડ પ્રદેશ સમૃદ્ધ ગણાય છે. કુતિયાણાથી પોરબંદર જતાં દક્ષિણે ઘેડ પંથકનો પ્રારંભ થાય છે. માધવપુરમાં વહેતી છેલ નદી મહિયારીથી આગળ વધી બાંટવાના સિમાડે થઈ બગસરા પહોંચે છે. ત્યાં બીજી નદીઓ મળે છે. એ વિસ્તાર મોટા ઘેડના નામે ઓળખાય છે. છેલ નદી આગળ જતાં ખમીદાણા, સુજ, ખીરસરા પાસે કાંપ ઠાલવે છે તેથી ત્યાંની ધરતી મબલખ પાક પકવે છે. આ વિસ્તાર નવલખા ઘેડ તરીકે પણ જાણીતો છે. ઘેડમાં ભાદર, છેલ, ઓઝત, મધુવંતી, મેધલ, ઉબેણ, કાલુન્દ્રી અને ઝાંજેસરી જેવી નદીઓ આવેલી છે. ચોમાસાની ઋતુમાં આ પ્રદેશમાં શ્રાવણ માસ અર્ધો ઉતરે ન ઉતરે ત્યાં સુધી પાણી ભરાયેલાં રહે છે. નવા બંદર પાસે ભાદર નદી સમુદ્રને મળે છે. ત્યાંનું બારું જો ન ખૂલે તો જન્માષ્ટમી સુધી ઘેડના ખેડૂતો ઘેર જ રહે છે. પાણી ઉતરે ને વરાપ થાય પછી વણ (કપાસ) પગુંધળી, જુવાર કે ચણા વાવે છે. તે પાકે ત્યાં સુધી માત્ર ધ્યાન જ રાખવાનું. ખડ કે નીંદણ કંઈ કરવાનું નહીં એટલે લોકકવિ કહે છે:
નાખો એટલું નીપજે, ને કરીએ એટલી ખેડ,
નહીં નીંદવું નહીં ખોદવું, ઘમ કે ગોરંભ ઘેડ.
ચોમાસાની મોસમમાં ખેડૂતો ઢીંચણસમો ગારો ખુંદીને ખેતરે ભલે જવું પડે પણ રસાળ ધરતીમાંથી અઢળક ઉપજ આવે એટલે એનું વળતર મળી જાય છે
છેલ (નદી) ફરે ને છેતરે, કાદવ ભાંગે કેડય,
વણ (કપાસ) ચણા ને ગુંધળી ઘર ભરી દયે ઘેડ.
ઘેડ પંથકમાં ૧૦૭ જેટલાં ગામડાં આવેલાં છે. એ બધાં ઊંચા ખડકાળ ટીંબા ઉપર વસ્યા હોવાથી નદીઓમાં પુર આવે ત્યારે એ બેટ બની જાવે છે. આમ છતાં ઉનાળામાં ગરમ પવન વાય ને ધૂળની ડમરીઓ ઉડે. પીવાનું પાણી ભરવા માટે દૂર દૂર સુધી બાઈઓને રખડવું પડે છે એટલે તો એના માટે ઉક્તિ કહેવાય છે.
બરડો, બારાડી ને ઘેડ
ઈ ત્રણેય ને મોસમનો નહીં મેળ.
સૌરાષ્ટ્રમાં પથરાયેલાં પ્રાચીન પરગણાં અને પંથકો ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ, લોકજીવન અને લોકસંસ્કૃતિનો સુપેરે પરિચય કરાવે છે.
સૌજન્ય: લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ