ગીરની સુંદરતાના માઈલસ્ટોન, ડુંગરો અને નદીઓ
ગીરના ડુંગરોના નામની પાછળ કંઈક ને કંઈક કથાઓ જોડાયેલી છે. ચરકિયો,વાસજાળિયો, બાબરોટ,ઘંટલો-ઘંટલી, વાસાઢોળ, નંદિવેલો, કાબરો, દોઢીનો માળ, ભીમસિયો, શામજી કાતરો, ઠોઠ, દોડો-દોડી જેવાં રોમાંચક નામ ધરાવતા આ ડુંગરો એ ગીરની ધરોહર છે અને સૌરાષ્ટ્રની શાન છે. આ ડુંગરો પણ ગીરકુટુંબના વ્હાલા અને વડીલ સભ્યો બની ગયા છે. ગીરમાં વસતા માલધારીઓ આ ડુંગરોને દેવ ગણીને પૂજે છે. આ પર્વતો અને તેની શ્રદ્ધાને લગતી દંતકથાઓ પણ માણવા જેવી છે.
– કેતન પી. જોષી
હિરણ હલકાળી, જોબનવાળી
નદી રૂપાળી, નખરાળી
આ પંક્તિ સાંભળતાં અહીં વર્ણન કોઈ નદીનું છે કે કોઈ રૂપયૌવનાનું, તે નક્કી કરવું અઘરું થઈ પડે છે. આટલું સરસ વર્ણન એ ગીરની બોલકી, ઝૂમતી, નાચતી અને ગાતી સરિતાનું જ છે. લોકસાહિત્યમાં ગીરનાં આવા તો અનેક વર્ણનો વાંચવા મળે છે. ગીરના કેટલાય પ્રદેશો એવા છે કે જેને આપણે જોયા હશે પણ જાણ્યા નહીં હોય. ગીરમાં એટલા બધા ડુંગરાઓ-ટેકરાઓ આવેલા છે કે જેને મળવાથી આપણું જીવન ભર્યુંભર્યું લાગવા માંડે.
ગીરની ભૂમિ આમ તો અગ્નિકૃત ખડકોની બનેલી છે એટલે કે ડુંગરાળ છે. અહીં તમે ગીરમાં કોઈ પણ માર્ગેથી પ્રવેશો, ડુંગરાઓ હેતાળ સ્મિત સાથે તમને સત્કારવા તૈયાર હોય છે. અહીં નાના-મોટા અનેક ડુંગરા આવેલા છે અને વિસ્મય સાથે આનંદની વાત તો એ છે કે દરેક ડુંગરાના નામકરણ થયેલા છે, તેની કોતરોમાં ઇતિહાસ અને દંતકથાઓ સચવાયેલી છે. આ બધું જાણ્યા પછી કોઈ ડુંગરને મળવું એ કોઈ ઇતિહાસને જાણવા બરાબર છે. ચોમાસામાં હરિયાળીથી છવાયેલા ડુંગરો અને તેમાંથી વહેતાં નાનાં-મોટાં ઝરણાંઓ જોવાં એક લહાવો છે. આ ડુંગરોના નામની પાછળ કંઈકને કંઈક કથાઓ જોડાયેલી છે. આમ આ ડુંગરો પણ ગીરકુટુંબના વ્હાલા અને વડીલ સભ્યો બની ગયા છે. ચરકિયો, વાસજાળિયો, બાબરોટ, ઘંટલો-ઘંટલી, વાસાઢોળ,નંદિવેલો, કાબરો, દોઢીનો માળ, ભીમસિયો, શામજી કાતરો, ઠોઠ, દોડો-દોડી જેવાં રોમાંચક નામ ધરાવતા આ ડુંગરો એ ગીરની ધરોહર છે અને સૌરાષ્ટ્રની શાન છે. ગીરમાં વસતા માલધારીઓ આ ડુંગરોને દેવ ગણીને પૂજે છે. આ પર્વતો અને તેની શ્રદ્ધાને લગતી દંતકથાઓ પણ માણવા જેવી છે. ગીર પશ્ચિમમાં આવેલા કાઠીતળ નામના નેસમાં એક માલધારી કે જેમને સંતાન ન હતું તેમણે ગીરના બે ડુંગરોના લગ્ન કર્યાં અને ગીરમાં વસતા તમામ માલધારીઓને આમંત્ર્યા. છે ને બ્રેકિંગ ન્યૂઝ લીમ્કા વર્લ્ડબુકમાં નોંધાય તેવા? ન ભૂતો ન ભવિષ્ય એવો આ બનાવ આજે પણ આ પંથકના લોકો સજળ નયને વાગોળે છે. લગ્નગીતો પણ ગવાયાં અને તે માલધારીએ જાણે કે તેમનાં સંતાનો પરણાવ્યાં હોય તેવો આનંદ લીધો. પ્રકૃતિ શીખવે છે કે જીવનમાં નથી તેનો વસવસો નહીં, પરંતુ પારકાને પોતાના બનાવીને આનંદ વહેંચો. અને આ ઘટના પછીની કહેવત છે કે ‘ઘંટલો-ઘંટલી પરણે અને અણવર વાસાઢોળ’. કદાચ આ બધું પ્રકૃતિના સાંનિધ્યમાં જ શક્ય બની શકે, સિમેન્ટ-કોંક્રિટનાં જંગલોમાં તો નહીં જ.
પર્યાવરણની દૃષ્ટિએ પણ આ પર્વતો હંમેશાં આપણી પડખે ઊભા રહ્યા છે. પર્વતોના ઢોળાવમાં ઊગેલા ઘાસ અને નાના છોડને કારણે માટીનું ધોવાણ અટકે છે અને પાણી પણ અટકીને ચાલે છે, જેથી પાણી તળમાં ઊતરે છે, તેનો સંગ્રહ થાય છે. આ જોતાં તો એમ લાગે કે આપણે પ્રકૃતિ પાસેથી પણ નવી એગ્રીકલ્ચર અને વોટર સ્ટોરેજ સિસ્ટમ શીખવી જોઈએ. આ પર્વતો પરથી નીકળતાં નાનાં-મોટાં ઝરણાંઓ મળીને નદીઓ બને છે. એ નદીઓ બને છે વનસૃષ્ટિની તારણહાર! જો આ જંગલોમાં પર્વતોને બદલે સપાટ મેદાન હોય તો હિરણ, મચ્છુંદરી, શીંગવડો,રાવલ, જમરી, શેત્રુંજી, આંબાજળ જેવી મોટી નદીઓ ન હોત.
સૌરાષ્ટ્રનું ભુપૃષ્ઠ ઊંધી મૂકેલી રકાબીના આકારનું છે. તેથી વરસાદનું પાણી સંગ્રહી શકાતું નથી. આવા સમયે આ નદીઓ જ સૌરાષ્ટ્રવાસીઓની લાઈફલાઈન બની રહે છે. જો ગીરમાંથી નીકળતી નદીઓ આજે ન હોત તો સૌરાષ્ટ્રની આજે જે જળસમસ્યાની વિકટ પરિસ્થિતિ છે, તે તેનાથી પણ બદતર હોત તેમાં બે મત નથી. સૌરાષ્ટ્રવાસીઓને કુદરતે ઘણું આપ્યું છે, પરંતુ પ્રશ્ન એ છે કે તેઓ આમાંથી કેટલું સાચવી શક્યા અને કેટલું સાચવી શકશે? આ નદીઓ પર બંધાયેલા જાણીતા ડેમો જેવા કે ખોડીયાર ડેમ, શેત્રુંજી ડેમ, રાવળ ડેમ, શીંગવડો લેન્ડસ્કેપ તો છે જ, જે સૌરાષ્ટ્રની તરસ પણ બુઝાવે છે. ગીરનાં અબોલ પશુપક્ષીઓ માટે તો માનું ધાવણ પણ આ જ છે અને મૃત્યુશય્યા પર ગંગાનું જળ પણ આ જ છે. આ છે આ નદીઓની મહત્તા. થેન્ક્યુ કહેવાની જરૂરિયાત આ નદીઓને નથી, ફક્ત જરૂર છે તેની સંભાળની. સૌરાષ્ટ્ર અને તેની આસપાસના વિસ્તારોમાં આર્થિક સધ્ધરતા માટે પણ આ નદીઓ ઉપયોગી છે. નાળિયેરી,આંબાવાડી, શેરડી, ચીકુવાડી વગેરે લહેરાતા પાક માટે આ નદીઓ શુકનવંતી સાબિત થાય છે. માલધારી મીઠો ઠપકો આપતાં ક્યારેક એમ પણ કહે છે કે,
જામરી તું જોરાવરી અને કાબરો તારો જેઠ
પહેલાં પછાડે આટલે, પછી વધારે પેટ
જળોદર નામનો રોગ આ નદીના કિનારે રહેતા લોકોને પહેલાં થતો અને તે માટે જ આ દોહરો રચાયો હશે. પણ આ નદીઓએ બધાને કંઈક ને કંઈક આપ્યું છે. કવિઓને ભરપૂર કવિતાતત્ત્વ આ નદીઓએ પૂરું પાડયું છે. કવિ દાદ કહે છેઃ
મારે શું કરવી એની વાત
એવી રૂપાળી હિરણની રાત
કવિઓની પાસે પણ જ્યારે આ નદીઓના સૌંદર્યને વર્ણવવા શબ્દો ઓછા પડે છે ત્યારે આપણે તો નિષ્પલક તેને નિહાળવી જ રહી. ગુજરાતીના શ્રેષ્ઠતમ કવિ ઉમાશંકર જોશી બોલે ત્યારે કંઈક આવું ભાસે છે-
જ્યાં જ્યાં નેસ વસ્યા આહિર તણા
ત્યાં ગાજે જંગલ ગીર તણા
કાળા ભમ્મર પાણી એના
ધસમસતા ધોકાર વહે…