કોઇ અગમ શિખરથી ગિરનાર સાદ પાડે
પ્રત્યેક ટૂંક પરથી ગિરનાર સાદ પાડે
આંખો અગર મીચું તો દેખાય દત્ત સામે
કેવી અમીનજરથી ગિરનાર સાદ પાડે
પળભર ઊભી પગથિયે પુલકિત થઇ જવાતું
સ્પર્શી અદીઠ કરથી ગિરનાર સાદ પાડે
જો કાળમીંઢ પથ્થરનું મૌન સાંભળી લે
લાગે બીડ્યા અધરથી ગિરનાર સાદ પાડે
આ તાલ મંજીરાનો, કરતાલ, ચાખડીઓ
મીઠા પ્રભાતી સ્વરથી ગિરનાર સાદ પાડે
આખા નગરને થાતો એવો અકળ અનુભવ
જાણે સતત ભીતરથી ગિરનાર સાદ પાડે.
– ઉર્વીશ વસાવડા