ચિતળમાં ન દેવી દીકરી, શેડુભારમાં ન દેવો ઢાંઢો;
અમરેલીમાં વરાવવો ન છોકરો, ભલે રિયે વાંઢો..!!
ઉપરનો દુહો વાંચીને હસતા નહિ કે એને સામાન્ય જોડકણું ધારી લઇને આડી નજર ફેરવી જતા નહિ. સામાન્ય લાગતા આ દુહામા જનસમાજે તે તે સ્થાનની વિશિષ્ટ પરિસ્થિતિ મૂકિ દિધિ છે. ઉચ્ચવર્ગની પેઠે એને પોતાની વાત કહેવામાટે આલંકારિક ભાષા મા વાત નથી કહેવી પડતી.
દુહાનો મર્માર્થ આમ છે;
૧) ચિતળમા ન દેવી દીકરી-
=> ચિતળ ગામની વાડી ઓ ગામથી લગભગ ત્રણ ચાર માઇલ દુર છે. આથી ત્યાંની વહુવારુએ એટ્લે દુર ભાત દેવા જાવુ પડે; વાડીઓથી ચારો અને રજકાના ભારા લાવવા પડે. વજન ઉચકીને ઘર ભેગુ થતા રાત પડી જાય અને ઘરકામ પણ બાકી રહિ જાય. માટે વડીલો એ દીકરી ના ભવિષ્ય માટેની ચિંતા અને ચોકસાઇ માટેનુ કહ્યુ છે.
૨) શેડુભારમાં ન દેવો ઢાંઢો-
=> શેડુભારમાં બારેય માસ વાડીઓ ચાલતી હોય્ છે ઉપરાંત ગામનુ પાણીતળ ખોટું હોઇ વાડીઓનાં તાણ(પૈયાં) ઘણા લાંબા છે. બારેય માસ કોસ ખેંચવાના બોજ થી બળદ બે-ત્રણ વરસમાં તો ઉતરી જાય, એટલે શેડુભારમાં ઢાંઢો ન દેવાનુ લોકો કહે છે.
૩) અમરેલીમાં વરાવવો ન છોકરો, ભલે રિયે વાંઢો..!!
=> અમરેલી વડોદરા રાજ્યનુ ગામ ગણાતું, વડોદરામાં ફરજિયાત શિક્ષણ હોઇ છોકરી પણ ભણેલી હોય; જ્યારે આજુબાજુ ના પ્રદેશ્મા તો એવો કોઇ પ્રબંધ ન હોવાથી સૌ અભણ હોય.
અમરેલી મા છોકરો પરણાવે તો ઘરમાં ભણેલ વહુ આવે, સાસુ-સસરાના હિસાબ લે, કાંઇ થતાં પિયર કાગળ લખવાની ધમકી આપે અને અભણ પતિને અબૂધ જેવો ગણીને મનમાં યે ન લે. પરિણામે ઘરમાં અનેક બખેડા થાય.
આ દુહામાં ગાયકવાડ સરકારની ફરજિયાત કેળવણીનો ઉલ્લેખ છે.