ઈતિહાસ શુરવીરો શૌર્ય કથાઓ શૌર્ય ગીત

હાલાજી મેરામણજી અજાણી

Halaji Meramanji Ajani

યદુકુળ ભૂષણ – જાડેજા વંશ શિરોમણી – મહાન શુરવીર યોદ્ધા

હાલાજી ! તારા હાથ વખાણું કે‚ પટી તારા પગલાં વખાણું ?
બ્રદ રાવળ બિરદાવીયો હો‚ રંગ ક્ષત્રિ મહેરાણ‚
પાણી રખિયો આપરો હો‚ પરસીધ મેર પ્રમાણ..

ચારણી બોલીનું આખું યુદ્ધગીત માણો:
https://kathiyawadikhamir.com/halaji-tara-hath-vakhanu/

મીઠોઇના પાદર માં સવંત પંદરસો છનવે, શ્રાવણ માસ સુધાર નગર રચ્યા રાવળ નૃપતિ, સુદ સાતમ બુધવાર સં.૧૫૯૬માં શ્રાવણ સુદ-૭ને બુધવારે સ્વાતી નક્ષત્રમાં રાવળ જામે નવાનગર(જામનગર)નો પાયો નાખ્યો.દસવર્ષના ગાળામાં દેદા તમાચી, હરધોળ ચાવડા અને નાગ જેઠવા ને હરાવ્યા.


હવે જામને રોકવા વીસા વાઢેર, ભાયાવાળા અને ભાણ જેઠવા ભેગા થયા અને ત્યારબાદ જેઠવા, કાઠી, ચૌહાણ, ગોહીલ, વાઘેલા, ઝાલા, પરમાર અને જુનાગઢનો ગોરી નો એક પક્ષ રચાયો. ફોજુ મીઠોઇ ના પાદર માં ભેળી થઇ છે અને આ બાજુ જામ પણ ઘણા રાજપુતો ને ભેગા કરી સૈન્ય ની સાથ સજ્જ થયા છે. એમા જામની મદદે કચ્છ ભદ્રેસર થી હઠ લઇ પીતાને બદલે પોતે આવ્યા છે, મેરામણજી હજી પે’લી પચ્ચીસી નો જુવાન. આથી જામે થોડુ હસી મહર કર્યો કે તમારા બાપુ ના આવ્યા, અહી ખાંડાના ખેલ ખેલવાના છે માશી ના દિકરાને ત્યા લાડવા દાબડવાના નથી.

સાંભળતા મેરામણજીની રોમરાઇ ઠરડાઇ ગઇ, સામો જવાબ આપવાને બદલે મનમાં સંકલ્પ કર્યો કે આનો જવાબ ટાણે આપશે. શૂરવિરોએ આયુધ સજી બખ્તર પહેરી દેવાંશી ઘોડાઓ પર સજ્જ થઇ “જય જગદંબા”, “જય આશાપુરા”, “જામો જયતી” ના નાદ સાથે યુધ્ધ ના મેદાનને ગુંજવી દિધુ.

સામા પક્ષે તોપ નુ પ્રમાણ વધારે હતુ. આથી નોંધણ વજીરે જામ ને અરજ કરી. “બાપુ !” શત્રુ સૈન્ય માં તોપનુ પ્રમાણ વધારે છે. તોપુ આગળ આપડા શૂરવિરો ટકી શકશે નહી માટે આપણે સૈન્ય ને ત્રણ ભાગમાં વહેચી એક ભાગને તોપ ની સામે ચલાવીયે અને બાકી બે બાજુએ ચાલે. તોપુ ચાલે એટલે સામે ચાલનારી ટુકડી પીછેહટ કરે અને તેથી શત્રુ ગફલતમાં રહે અને તોપુ ભરવા ઉતાવળ કરે નહી અને બાજુએ થી આપણે શત્રુ ને ભીડવી દઇશુ. પણ રાવળ જામ બીજુ વિચારતા હતા તેમણે કહ્યુ.
હુ રાવળ જો હટુ, ગિરિ ચળે મહિસર
હુ રાવળ જો હટુ, દિવસ ન ભળહળ દિનકર
હોવત કહ રાવળ હટું, માને કીમ સંસાર મન
જીવન મરણ ઇશ ઉપરા, દેવાક્રમ અશ મેઘ દન

પાછા હટવાને બદલે સામા ચાલીને તોપુના કાન માં ખીલા ધરબી તેને નકામી બનાવી દેવા માંગતા હતા.
હિંમત જો કીમા હુવે, પોરસ રાજપુત!
ખીલા તોપા ખીલવે, દોનુ દળ જોતા

જો કોઇ ભડવીરો જઇ તોપોના કાન માં ખીલા ધરબી નકામી બનાવી દે.
આ માટે સમીયાણામાં ભેગા થઇ બિડુ ફેરવવામાં આવ્યુ. અને પરબતજી ના પુત્ર તોગાજી સોઢાએ બીડાને ગ્રહણ કર્યુ.

બિડુ ફિર ફિર આવિઓ, નર કો ઝાલ્યો નાઇ
તે બડ ગ્રહિયો તોગડે, સોઢા વંશ સવાઇ

તેમની સાથે રણસી વિકમસી તેમજ રવાજી પણ તૈયાર થયા. આ ચારેય જુવાનો દુશ્મનના કટક મા પ્રવેશી જઇ હથોડી અને નાગફણી લઇ તોપો ના કાન બુરી નકામી બનાવા લાગ્યા.આમ ઘણીક તોપુ નકાવી બનાવી દઇ યુધ્ધ કરી અનેક ઘા થી વેતરાઇ વિરગતી પ્રાપ્ત કરી. તોગાજી અને સાથીઓનુ અદભુત પરાક્રમ જોઇ ભાણ જેઠવાએ તેમની પ્રશષા કરી અને હવે કોઇ જામને ભાલો પોરવી શકે એ માટે હાકલ કરી. કરશન જાંબવેચાએ ધણીનુ લૂણ હક કરવા આ પડકાર જીલ્યો.
આદેશ મળતા તે કાગળનો બીડો લઇ હાથે ભમરીયો ભાલા પર સફેદ કાપડ વિંટી જેથી વિષ્ટીના બહાનુ કરી જામ ની છાવણી મા દાખલ થયા. રોંઢા ટાણુ થયુ હતુ અને સુર્યના આકરા તેજ ધરતીને વેરાતા હતા. જામ પોઢ્યા હશે અને જામના નાનાભાઇ હરધોળજી જેમના પરથી ધૂસલપુર ગામનુ નામ ધ્રોળ પડ્યુ તેઓ ન્હાવાની તૈયારીમા હતા. ત્યા પહોચી કરશન જાંબવેચાએ જામને હથોહથ કાગળ આપવા ના ઇરાદો કહ્યો. હરધોળજીએ હુ જ જામ છુ કહી ઓળખ આપી કાગળ માંગ્યો અને જાંબવેચાએ નજર નોંધી રુપા ના બાજોઠે નાવા બેઠેલા પ્રચંડ શરીરવાળા અને પહેરેદારો અને સેવકો વચ્ચે રહેલા હરધોળજી ને જામ માની કાગળ વાંચવા આપ્યો. કાગળ ઉઘાડી ઠાકોર હરધ્રોળજીએ નજર ફેરવવા માંડી. પહેરેગીરોની નજર પણ કાગળ માથે મંડાણી ને જાંબવેચાનો ભાલો ઊપાડ્યો, આંખના પલકારામાં ઠાકોર હરધ્રોળજીની પહોળી છાતી વીંધીને પાછો વળી ગયો. દગો, દગો. રીડિયારમણ બોલી. જાંબવેચો ઘોડે છલાંગ મારી હાલી નીકળ્યો. રાવળ જામે તંબૂમાંથી હડી કાઢી. પકડો, દુશ્મન જીવતો જાય નહીં.

ઢળે ભોમ હરધોળ, પ્રાણ મુગત પસતાયો
તે સુણી રાવળજામ, અંગ આપે પછડાયો
હુઇશ કટકા હાક, છૂટે સિંધવ છંછાયા
મરદા જોર કરે મરદ, ઓપે અણભંગ અટાયા
બરદાય રાવળ જામ એમ બિરદ, આજ કાજ મમ ઓળરો
જીવત ન જાય આગે જરુ, હવે માર હળધોરરો.

કોલાહલ સાંભળી પડખેના તળાવમાં નહાવા પડેલા મહેરામણજી સાંગ લઇ પોતિયાભર પોતાની પટી નામની ઘોડી ઉપર સવાર થયો. પટી હજી ચાર વરસની વછેરી છે. આગળ જાંબવેચો, પાછળ મહેરામણજી, એની પાછલ ખુદ રાવળ જામ. ઘડી સાંપડીમાં તો જાંબવેચાની લગોલગ પટી ઘોડી આવી પૂગી છે, પણ અઢાર કદમનું અંતર કાપે છે, ત્યાં વળી દુશ્મનનો ઘોડો પટીને પછવાડે રાખી દે છે.
દુશ્મનન ને કેમય કરી આબંવાનો નો ઇશારો મળતા ઘોડી વધુ સચેત થઇ ગઇ પોતાના સ્વામીના ભાવ જાણી લીધા અને તારોડીયો ખરે એમ છુટી.
પટીએ પળવાર મા બેવ અસવાર ને ભેટ કરી દિધા. મેરામણજીએ સાંગ તોળી અને તે અસવાર, ઘોડી ને વિંધી જમીન મા જડાઇ ગઇ. આવુ અનોધુ બળ કરવાથી મેરામણજીની આખોના ડોળા બહાર આવી ગયા હતા અને પટી ઘોડીના આગલા પગની ખાલ ગૂડા સુધી ઉપર ચડી ગઇ છે.
પાછળ જામ રાવળ સાથે પાળ આવી પહોચ્યુ. જામે તેમની પાસે જઇ બિરદાવ્યા અને કહ્યુ કે “હાલાજી ! તારા હાથ વખાણુ કે પટી તારા પગ વખાણુ.”
(દોહો)
બ્રદરાવલ બિરદાવિયો રંગ ક્ષત્રી મહેરામણ
પાંણી રખીઓ આપરો સરસધ મેર પરમાણ.
(રાવળ જામ બિરદાવીને બોલ્યા, હે શુદ્ધ ક્ષત્રિય મહેરામણ, તેં ક્ષત્રીવટનું ખરું પાણી રાખ્યું અને તું તો મેરૂ પર્વત જેવો પ્રસિદ્ધ થયો.)
મહેરામણ જેસા મરદ, હો મમ આગે હોય;
અમર કળ્ય રાખે ઇલા, સાધી કારજ સોય.
(મારી આગળ મહેરામણ જેવા શૂરવીર છે, તો હરધ્રોળજીના મારનારને મારી આબરૂ અણનમ રાખી તે વાતને ધરતીના પડ માથે અમર રાખી)
રણ જાંબેં ચો રાખિયો હો‚ મોભી ભડ મેરાણ‚
તેણ સમે કટકાં તણી હો‚ બાજી જડ બઝડાણ.
(હે માઝીભડ મેહેરામણ ! હરધોળના મારતલ ને મારી તે આપણા કુળનુ પાણી અવિચળ રાખ્યુ.)
હાલાજી ! તારા હાથ વખાણું કે‚ પટી તારા પગલાં વખાણું ?
જાતો ખુની જાણ્ય‚ આગે મહેરાણ અજાણી‚
પટી ઘોડીએ પૂંઠ‚ તતખણ મેલી તાણી‚
આગે ભાગો જાય‚ ભોમ અંતર નહી ભાંગે‚
આણે મન ઉચાટ લાખ‚ લખ દાવ ન લાગે…
(શુ મારા થી નહી અંબાય? અને દુશ્મન જીવતો જાશે? અરે એમ થાયતો હુ જીવન હારુ માથા પછાડી મરુ.)
હાલાજી ! તારા હાથ વખાણું કે‚ પટી તારા પગલાં વખાણું ?
મું અગે શત્રુ સાજો‚ મું તો જીવતર હાર હું‚
ધણ કરાં અખે અપઘાત‚ ઘટ જો મેં શત્રુ ન માર હું‚
અસી બાજ ઉડણી‚ પવન વેગ હુ પડકારી
ત્રુટી તારા જેમ‚ ધીર પંખણ ધજધારી..
હાલાજી ! તારા હાથ વખાણું કે‚ પટી તારા પગલાં વખાણું ?
બરાછક હોઈ બારાડ‚ ભીમ ભારથ બછુટો‚
કરે ક્રોધ કૃતોત‚ તંત કર લેવા ત્રુટો‚
ક્રમ અઢાર માથે ક્રમણ‚ વાહે અતંગા વાઢિયો‚
સત્રંગ જરદ અસ સોંસરો‚ કૃંત અંગ સર કાઢિયો..
હાલાજી ! તારા હાથ વખાણું કે‚ પટી તારા પગલાં વખાણું ?
(બાજની જેમ, પવનવગી બનીને તારાની જેમ ખરી પડી. અઢાર કદમ નુ અંતર કાપી મેરામણજી ક્રોધમાં આવી સાંગ અસવાર, ઘોડા અને જમીન સાથે પોરવી લીધી.)\
આ પછી થયેલા યુધ્ધમાં જામ નો વિજય થયો. અને થોડા દિવસોમાં મેરામણજી અને પટી ઘોડી પણ સાજા થઇ ગયા. જામે મેરામણજી અને હરધોળજી ના કુંવર ને દુઃશ્મનો પર હલ્લો કરવા આદેશ કર્યો અને તેઓએ ભાણવડ અને નંદાણા ઉપર વિજય મેળવ્યો.
પણ જામને હવે વિજય માં રસ નથી. હરધોળજીના મરણ પછી તેઓ સાવ ઉદાસ થઇ ગયા છે,જામ નુ કાળજુ વલોવાતુ જોઇ કવિ સમજાવે છે,
કવિ સોડ કવિચંદ, સબ જોખમ પ્રથીસર
અલ શુરાતન ઉબર, અંત જશ રહે સું અંબર
રાવણ ભડીઆ રામ, કામ લખમણ અત દીધા
કાપે રણ દશ કંધ, તખત વિભીષણ દિધા
પ્રમ ધામ પુગ હરધોળ પ્રભ, શમ હર ખાટી સહે
રાજપુત મરણ ખગ ધાર રણ, યહ તો ધણ ઉછરંગ હે.
(કવિ સમજાવતા કહે છે, બાપુ આ તો અનાદિકાળનો ક્રમ છે, યુધ્ધ માં વિરગતી રાજપુતો ની કિર્તી વધારે છે.)

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators