રાજપુતોમાં પ્રથમ આઈ.ઍ.એસ. રાજકુમાર શ્રી બનેસિંહજી ઝાલા
એટલે સોરઠ ના પ્રથમ કલેક્ટર
શું તમે એવું ક્યાંય વાંચ્યું છે ? જાણ્યું છે? કે કોઈ રજવાડાના રાજાના રાજકુમાર ક્લેક્ટર થાય હોય? હા, આવું બન્યું છે. અને એ પણ ઘણા રાજ પરિવારમાં બન્યું છે. પણ આજે આપણે વાત કરવી છે એમાંથી એક રાજકુમારની જે બન્યા હતા રાજપૂતો માં પ્રથમ આઈ એ એસ,
તમે જો ઇતિહાસ માં રસ ધરાવતા હો તો જરૂર થી જાણતા હશો કે જૂનાગઢ જિલ્લો એક સમયે સોરઠ જિલ્લા તરીકે ઓળખાતો હતો પણ આ જ સોરઠ જિલ્લાના પ્રથમ કલેક્ટર કોણ હતા??
સોરઠના સદ્ભાગ્યે એ જૂનાગઢના પ્રથમ કલેકટર તરીકે મળ્યા તે વઢવાણ રજવાડાના રાજકુમાર હતા, નામ હતું એમનું બનેસિંહજી ઝાલા. તેમના પિતાશ્રી જશવંતસિંહજી વઢવાણના રાજવી હતા. તેઓનો જન્મ તારીખ ૧૯/૮/૧૯૦૮ ના રોજ થયો હતો. તેઓએ રાજકોટની રાજકુમાર કોલેજમાં અને પછીથી ઇંગ્લેન્ડમાં લંડન ખાતે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી એમ.એ. ની પદવી પ્રાપ્ત કરી હતી.
તેઓ કાઠિયાવાડના રાજવી કુટુંબોમાં અને રાજપૂતોમાં પહેલા આઇ.એ.એસ. બન્યા હતા. આપણા ઘણા લોકો જેને ઇતિહાસ કે રાજ્ય પરંપરા કે રાજમહેલોની વ્યવસ્થાની કઈ પણ ખબર નથી હોતી તે એમ જ માને છે કે રાજાના રાજકુમારો તો જલસા કરતા હોય, પરંતુ એવું નથી તેઓ પણ જવાબદારી સંભાળતા અને સંપૂર્ણ નિષ્ઠાથી કાર્ય કરતા હતા.
બનેસિંહજી ઝાલા લંડનથી અભ્યાસ કરીને આવ્યા પછી વઢવાણના થાણદારની કોર્ટમાં વહીવટી અનુભવ માટે રહ્યા અને પરીક્ષા પાસ કરી હતી. એ પછી ઇ.સ. ૧૯૩૩ માં સાદરા અને પાલનપુર ખાતે ડેપ્યુટી પોલિટિકલ એજન્ટનો હોદો બનેસિંહજી ઝાલાએ સંભાળ્યો હતો. આ પછી રેવા એજન્સીમાં હજુર ડેપ્યુટી પોલિટિક્લ એજન્ટ બન્યા હતા, જ્યારે ઇ.સ. ૧૯૩૪ માં તેમના વડીલબંધુ વઢવાણના ઠાકોર સાહેબ જોરાવરસિંહજીનું અવસાન થયું ત્યારે વઢવાણ આવ્યા અને રાજ્યના એડમિનિસ્ટ્રેટર કાઉન્સિલના કાઉન્સિલર તરીકે પણ તેમને બખૂબી જવાબદારી સંભાળી હતી.
ત્યારબાદ રાજકોટના ડેપ્યુટી પોલિટિક્સ એજન્ટ પણ બન્યા હતા અને રાજકોટ રાજ્યમાં ઉચ્ચ હોદ્દો ભોગવ્યો હતો. આ રાજકુમાર રાજાશાહીમાં તો ઉચ્ચ હોદા ભોગવ્યા પણ આઝાદી મળતાં તેમણે ઇ.સ. ૧૯૪૭ માં હિન્દી સંઘના ઓફિસર તરીકે સ્પેશિયલ ડ્યુટી સંભાળી, હિન્દી સંઘના કાઠિયાવાડના પ્રથમ અધિકારી બન્યા હતા. હિન્દી સંઘની રાજકોટમાં સ્થાપના કરનાર બનેસિંહજી હતા. જે સરદાર પટેલની પસંદગીથી ત્યાં મુકાયા હતા કે આ રાજકુમાર જ અહીં આ હોદા માટે યોગ્ય છે. આજે પણ આવું આજના મંત્રીઓ કરતા હોય તો કેવું સારું. આથી બનેસિંહજીએ કાઠિયાવાડના સેક્રેટરી અને કલેક્ટર તરીકે નામ કમાયા.
આ સમય એવો હતો કે રાજાશાહી હજુ ખતમ જ થઈ હતી. કાઠિયાવાડમાં અનેક પ્રશ્નો હતા તે તેમણે ઉકેલવામાં અમૂલ્ય કાર્ય કર્યું હતું જ્યારે સૌરાષ્ટ્ર રાજ્યનું મુંબઈ રાજ્ય સાથે જોડાણ થયું ત્યારબાદ તે પૂના ખાતે સેટલમેન્ટ કમિશનર તરીકે અને અંતમાં ગુજરાત રાજ્યના કેળવણી સચિવ તરીકે ફરજ નિભાવી સેવાને વિરામ આપી મુંબઈમાં સ્થાયી થયા હતા, જેઓનું ઇ.સ. ૧૯૭૪ માં અવસાન થયું પણ હજુ જૂની પેઢીના લોકો કલેક્ટરશ્રી બનેસિંહજીના કાર્ય અને નામને આદરથી યાદ કરે છે. ઉમદાકાર્ય કરનાર આઈ.એ.એસ. પોતાનું નામ ઇતિહાસમાં અમર કરી જતા હોય છે.
લેખ: પ્રધુમ્ન ખાચર
ફોટો: સંસ્થાન વઢવાણ