નવાનગરની સ્થાપના જામ રાવળએ સંવત ૧૫૯૬ માં શ્રાવણ સુદ સાતમને બુધવારના દિવસે કરી હોવાની નોંધ યદુવંશ પ્રકાશ નામના ગ્રંથમાં કરવામાં આવી છે. નવાનગરની સ્થાપનાની તિથિ અંગે થોડો મતભેદ પ્રવર્તે છે, પણ તેમાં લાંબો ફરક કે તફાવત નથી. ઇતિહાસ લેખકોએ જામનગરની સ્થાપના બાબતમાં એક-બીજાનો આધાર લીધો છે. વાણીનાથ કે વેલીનાથ નામનાં કવિએ ઇ.સ. ૧૫૭૭માં રચેલા કાવ્યમાં શહેરનો ઉલ્લેખ નવીન નગર તરીકે કર્યો છે. સ્વાભાવિક રીતે જ નવા વસેલા નગરને નવીન નગર કહેવાયું હશે જેને કારણે પાછળથી નવાનગર તરીકેની કાયમી ઓળખ મળી હશે. બીજી એક માન્યતા મુજબ નવાનગરની બાજુમાં તે વખતે જૂનું નાગનેસ ગામ હતું, તેથી આ ગામથી અલગ ઓળખવા નવાનગર નામ પડ્યું હોય તે શક્ય છે. સંવત ૧૬૬૪ ( ઇ.સ. ૧૬૦૭ )માં રચાયેલા પડધરી પ્રાસાદબિંબ પ્રવેશાધિકાર સ્તવન નામના જૈન કાવ્યમાં પણ શહેરને નવાનગર કહ્યું છે. આમ નામ પડ્યું નહિ હોવાથી નવાનગર નામ મળી ગયું તે પણ શક્ય છે.
સૌરાષ્ટ્રના પશ્ચિમ કાંઠે આવેલો જામનગર જિલ્લો ગુજરાત રાજ્યનો ૩૫૫ કિ.મી. લાંબો દરિયા કિનારો ધરાવતો હોઈ, બંદરીય ઉદ્યોગો અને સંરક્ષણની બાબતમાં દેશભરમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આ ઉપરાંત મરિન નેશનલ પાર્ક અને પેટ્રોલીયમ ઉદ્યોગને કારણે વિશ્વભરમાં મહત્વનું સ્થાન ધરાવે છે. જિલ્લાનાં લઘુ અને હસ્તકળા ઉદ્યોગોએ માત્ર દેશ જ નહિ, સમગ્ર વિશ્વમાં નામના મેળવી છે. જેમાં બાંધણી અને બ્રાસપાર્ટના ઉદ્યોગોનો સમાવેશ થાય છે.