ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં લોકગીત શૌર્ય ગીત

કોઈનો લાડકવાયો

Mother and Child

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે:

ઘાયલ મરતાં મરતાં રે
માતની આઝાદી ગાવે.

કો’ની વનિતા, કો’ની માતા, ભગિની ટોળે વળતી,
શોણિતભીના પતિ-સુત-વીરની રણશય્યા પર લળતી;

મુખથી ખમ્મા ખમ્મા કરતી
માથે કર મીઠો ધરતી.


થોકે થોકે લોક ઊમટતા રણજોદ્ધા જોવાને,
શાહબાશીના શબદ બોલતા પ્રત્યેકની પિછાને;

નિજ ગૌરવ કેરે ગાને
જખ્મી જન જાગે અભિમાને.

સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો,
છેવાડો ને એક્લવાયો અબોલ એક સૂતેલો;

અણપૂછયો અણપ્રીછેલો
કોઇનો અજાણ લાડીલો.

એનું શિર ખોળામાં લેવા કોઇ જનેતા ના’વી;
એને સીંચણ તેલ-કચોળાં નવ કોઇ બહેની લાવી;

કોઇના લાડકવાયાની
ન કોઇએ ખબરે પુછાવી.

ભાલે એને બચીઓ ભરતી લટો સુંવાળી સૂતી,
સન્મુખ ઝીલ્યા ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતી:

કોઇનો લાડકવાયાની
આંખડી અમૃત નીતરતી.

કોઇના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં,
આખરની સ્મૃતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં:

આતમ-દીપક ઓલાયા,
ઓષ્ટનાં ગુલાબ કરમાયાં.

કોઇનાં એ લાડકડા પાસે હળવે પગ સંચરજો,
હળવે એનાં હૈયા ઉપર કર-જોડામણ કરજો:

પાસે ધૂપસળી ધરજો,
કાનમાં પ્રભુપદ ઉચ્ચરજો!

વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે,
એને ઓષ્ટ-કપોલે-ભાલે ધરજો ક હુંબન ધીરે:

સહુ માતા ને ભગિની રે!
ગોદ લેજો ધીરે ધીરે!

વાંકડિયા એ ઝુલ્ફાંની મગરૂબ હશે કો માતા,
એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા;

રે! તમ ચુંબન ચોડાતાં
પામશે લાડકડો શાતા.

એ લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી,
એની રક્ષા કાજ અહર્નિશ પ્રભુને પાયે પડતી;

ઉરની એકાન્તે રડતી
વિજોગણ હશે દિનો ગણતી.

કંકાવટીએ આંસુ ધોળી છેલ્લું તિલક કરતાં,
એને કંઠ વીંટાયા હોશે કર બે કંકણવંતા:

વસમાં વળામણાં દેતા,
બાથ ભીડી બે પળ લેતા.

એની કૂચકદમ જોતી અભિમાનભરી મલકાતી,
જોતી એની રૂધિર-છલક્તી ગજગજ પહોળી છાતી;

અધબીડ્યાં બારણિયાંથી
રડી કો હશે આંખ રાતી.

એવી કોઇ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે,
એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢે:

કોઇના લાડકવાયાને
ચૂમે પાવકજ્વાલા મોઢે.

એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી,
એ પથ્થર પર કોતરશો નવ કોઇ કવિતા લાંબી;

લખજો: ‘ખાક પડી આંહી
કોઇના લાડકવાયાની’
[૧૯૩૦]

ઝવેરચંદ મેઘાણી
-સિંધુડો

૧૮૯૭ માં ગુજરાતનાં ચોટીલા ગામમાં જન્મેલ ઝવેરચંદ મેઘાણી પચાસ વર્ષની વયે અવસાન પામ્યા. સૌરાષ્ટ્રની રસધાર કૃતિથી અત્યંત લોકપ્રિય બનેલ રાષ્ટ્રીય શાયર મેઘાણીની અમર કૃતિઓમાંની આ કૃતિથી બ્લોગ પર સાહિત્યયાત્રાની શરૂઆત કરું છું. Marie Ravenal de La Coste કૃત Somebody’s Darling નામના ગીતનું મેઘાણીએ કરેલું ગુજરાતી રૂપાંતર એટલે આ ગીત. આ ગીતના શબ્દો એટલા તો વીંધી નાખે એવા છે કે વાત નહીં. યુદ્ધભૂમિમાંથી લાશનો ખડકલો આવે છે તેમાં એક લાશ હજુ કોઈએ ઓળખી નથી એટલે એમનેમ પડી છે. એ પણ કોઈ માતાનો લાડકવાયો છે એ વ્યથા આ કાવ્યનું સંવેદનકેન્દ્ર બને છે.

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators