ઝવેરચંદ મેઘાણી
૨૮ ઓગસ્ટ ૧૮૯૬ – ૯ માર્ચ ૧૯૪૭
આજે આપણા રાષ્ટ્રીય શાયર ની પુણ્ય તિથી નિમિતે પ્રસ્તુત છે તેમનીજ એક ભાવભીની રચના
કોઈ દી સાંભરે નઇ
મા મને કોઈ દી સાંભરે નઇ
કેવી હશે ને કેવી નઇ
મા મને કોઈ દી સાંભરે નઇ
કોક કોક વાર વળી રમ્મત વચાળે મારા
કાનમાં ગણગણ થાય
હુતુતુતુની હડિયાપટીમા
માનો શબદ સંભળાય-
મા જાણે હીંચકોરતી વઈ ગઈ
હાલાના સૂર થોડા વેરતી ગઈ…
શ્રાવણની કોક કોક વે’લી સવારમાં
સાંભરી આવે બા
પારિજાતકની મીઠી સુગંધ લઈ
વાડીએથી આવતો વા
દેવને પૂજતી ફૂલ લઈ લઈ
મા એની મ્હેક મ્હેક મેલતી ગઈ
સૂવાના ખંડને ખૂણે બેસીને કદી
આભમાં મીટ માંડું
માની આંખો જ જાણે જોઈ રહી છે મને
એમ મન થાય ગાંડું
તગતગ તાકતી ખોળલે લઈ
ગગનમાં એ જ દ્ય્ગ ચોડતી ગઇ
કેવી હશે ને કેવી નઇ
મા મને કોઈ દી સાંભરી નઇ.
-ઝવેરચંદ મેઘાણી