– ને રાજા ચંદ્રસેને મણિમય શિવમંદિર બંધાવ્યું
ક્ષિપ્રા નદીના ઉગમણા કિનારે ઘેધૂર વનરાજીની ઓથ લઈને પથરાઈને પડેલો નેસ ઉગતા અરૂણના કિરણો ઝીલી રહ્યો છે. હાથણીઓ જેવી ભગરીઓ નદીનો લીલો કાંઠો ચરી રહી છે. હાડેતી વહુઆરુના હાથે ફરતા વલોણાના રમતા ઘોર વચ્ચે નણંદ-ભોજાયોના મીઠા ડહૂકા ઝીલી રહ્યા છે.
ભગવાન મહાકાલના મંદિરે મંગળા આરતીની ઝળહળ જ્યોત્યુ પ્રગટી રહી છે. દિવ્ય દેવળની ઝાલર રણઝણી ઉઠી કે, નેસડામાંથી આધેડ ઉંમરની દુઃખાયેલી બાઈનો અવાજ આવ્યો,
‘દીકરા, દરશન કરવાનું વેળું થઈ ગયું છે.’
સાતેક વરસની ઉગતી ઉંમરના ગોપાલ બાળકે જનેતાનાં વેણ કાને ઝીલીને વળતો ઉત્તર દીધો,
‘મા, આ આવ્યો.’
માલધારી મા-દીકરાએ પગ ઉપાડ્યા મહાકાલના મંદિર ભણી.
સંસારના સરોવરમાં હજી તો શેલારો દીધો ન દીધો ત્યાં તો ગોવાળે મોટું ગામતરું કર્યો, ઉદરમાં આકાર લઈ રહેલા પીંડનું જતન કરવા માથે આવી પડેલા ભરમાન્ડના ભાર જેવા દુઃખને ગરવી ગોવાલણે ઝીરવી જાણ્યું. જ્યારે આત્માએ પ્રવેશ કરી પુત્રરૂપી પીંડે જન્મ લીધો ત્યારે જનેતાએ પીંડમાંથી છૂટેલી ભક્તિની ભભક પારખી. ધણીના સંભારણારૂપ પુત્ર ઉપર વહાલનો વીંઝણો ઢોળતા ઢોળતા આયખું ઉજાળી નાખવાના નિરધાર સાથે બાઈએ ગોઠડી બાંધી, આ તે દિવસથી મહાકાલના દર્શને જવાનું એને માટે કાયમનું કામ થઈ પડ્યું હતું.
નદીનો જળપ્રવાહ વળોટીને શિવમંદિરે મા-દીકરાએ ડગ દીધા ને, બાઈનો પગ થંભ્યો, એની આંખે અચરજ દીઠું. મંદિરના દરવાજે રાજના સિપાયુ ભાળ્યા. મંદિરના પ્રાંગણમાં રાજાનો રથ છૂટેલો જોયો.
બાઈને ઉભેલી જોઈને સિપાઈઓ બોલ્યા:
‘મા, કેમ અટક્યા ?’
‘તમને ભાળીને, રાજાના રથ જોઈને.’
‘અરે, મા, આ તો દેવનો દરબાર. અહીં ભેદની ભીંત્યું નો હોય.’
હળવા ફૂલ થઈને મા-દીકરો ભગવાન શિવની સન્મુખ થયા.
દીકરો દેવાધિદેવને પગે લાગ્યો. માએ માંગ્યું કે, ‘હે ભોળિયા, ભવેભવ ભેરે રે’જે.’
ગોપાલ શિશુની મીટ ગર્ભદ્વારમાં મંડાણી. ધારા, ઉજ્જૈન અને અવંતિના નામે ઇતિહાસમાં અંકિત થયેલી નગરીના રાજા ચંદ્રસેનને આરાધનામાં એકાકાર થયેલો જોયો. પીળા પિતામ્બરધારી, પુનિતપ્રભાએ લીંપાયેલા કપાળ પર ત્રિપુંડ તાણેલા ભૂદેવોને ભાળ્યા, ઉઠતા મંત્રોચ્ચારથી દિવ્યતા પ્રસરતી જોઈ, ગોપાલ શિશુનું ચિત્ત થતી પૂજામાં આપોઆપ પરોવાઈ ગયું. પુત્રને પૂજાવિધિ નીરખતો જોઈ માતા પણ પુત્રને અમી નજરે નિહાળી રહી. થતી પૂજા વિધિના એક એક વેણને ગોપાલ શિશુ અંતરમાં ઉતારવા લાગ્યો, જાણે બઘું જ એને હૈયે જડાવા લાગ્યું.
પોતાની પાસે રહેલા ચિંતામણી નામના પંડ્યપ્રકાશિત મણિ પડાવી લેવા અનેક રાજાઓથી ઘેરાઈ ગયેલા મહારાજા ચંદ્રસેને ભગવાન મહાકાલનું શરણું શોઘ્યું છે. દુશ્મનોથી બચવા શિવ આરાધનાનો અખંડ સેતુ સાઘ્યો છે. મહારાજ ચંદ્રસેન માને છે કે મહાદેવ મહાકાલની મહેર ઉભરે તો જગતમાં અજોડ એવા ચંિતામણિને મગદૂર નથી કોઈની કે પોતાની પાસેથી છિનવી શકે.
માતા પોતાના પુત્રને લઈને નેસમાં પાછી ફરી પરંતુ પુત્રનું ઘ્યાન શિવમાં લાગી ગયું. બીજા દિવસનું પ્રભાત પ્રગટ્યું, ગોપાલક શિશુની આંખ ઉઘડી ગઈ. ક્ષિપ્રાના જળપ્રવાહમાં સ્નાન કરીને એણે એક પથ્થર ઉપાડ્યો, નેસમાં આવીને તેણે તેને શિવ સ્વરૂપે સ્થાપ્યો.
વગડો ફરીને બીલીપત્ર અને લાલ પીળી કરણના ફુલ એકઠા કર્યા. શિવની પૂજા આદરી. શબ્દોને એ સમજતો નહોતો. જ્ઞાનઘ્યાનનું એને ભાન નહોતું છતાંય એણે માટીના કોડિયામાં દીવો પ્રગટાવી, માળાના મણકામાં ધાગો પરોવે એમ શિવમાં ચિત્તને પરોવ્યું.
પ્રભાત પ્રગટ્યું. ઉષાનું આગમન થયું તેના થાળમાંથી ઝેકોળા કરતા ખરતા કેસરિયા કિરણોને ક્ષિપ્રાના જળ પ્રવાહે ઝીલ્યા, મહાકાલના મંદિરમાંથી નગારાનો નાદ ઉઠ્યો, નેસમાંથી ગૂઢા મલિર ઓઢીને ગોવાલણ માતાએ મંદિરમાં દર્શને જવા પુત્રને સાદ કર્યો, ઉત્તર ન મળ્યો. ઓસરીની કોર ઉતરી આંગણામાંથી આવીને જોયું તો પુત્ર શિવમંદિર રચીને બેઠો છે. બપોર થયા છતાં માતાનો જીવ ઝાલ્યો રહ્યો નહિ, તેણે પુત્રને જમવા બોલાવ્યો.
પણ અલખમાં એકાકાર બનેલા શિશુને સંસારનો કોઈ સાદ સંભળાયો નહિ. ઘણા સાદ કર્યા, ઘણા કાલાવાલા કર્યા પણ પુત્ર જાણે ખોડાયેલું પૂતળું બેઠું હોય એમ બેસી રહ્યો, માતાનો ધ્રાસ્કો પડ્યો. દીકરો હાથથી જશે કે શું ? અલૌકિક જ્ઞાનથી અજ્ઞાન એવી માતાને આવેશ આકાશે આંબવા લાગ્યો. તેણે શિવલિંગ રૂપે સ્થપાયેલા પથ્થરને ઉખેડી નાખ્યો, પુત્રને બાવડેથી ઝાલી ઝંઝેડ્યો.
વ્હાલા વ્હાલાના પોકારો પાડતો પુત્ર માતા સાથે જવાને બદલે ધરણી પર ઢળી પડ્યો એમજ એની સૂરતા સંધાઈ ગઈ. તેમાં તેણે શું જોયું ?
ભગવાન શિવનું મંદિર ભાળ્યું. અંદર રત્નજડાવ ઝગારા મારતું લીંગ જોયું.
રાજા ચંદ્રસેનને સપનું લાઘ્યું. તારા રાજ્યમાં નેસમાં વસતા ગોપાલક શિશુના આંગણામાં મણિમય મંદિર ખડું કરીને સોનાના દ્વારે સુશોભિત કર. સોણાના સંકેતને અવંતિપતિએ ઝીલ્યો. રાજ આજ્ઞા છૂટી. બાણું લાખ માળવાના ધણીનો બોલ ઝીલાયો.
જોતજોતામાં બઘું ખડું થઈ ગયું.
બે પ્રહરની સમાધિ છૂટી, ગોપાલ શિશુએ જે રૂપ ભગવાન શિવના ઘ્યાનમાં જોયું હતું તે બઘું નજર સમક્ષ ખડું દેખાયું.
તણખો
લોકસાહિત્ય કાલ્પનિક સૃષ્ટિના અંધ ઉડ્ડયનો નથી પણ અનુભવને આધારે ઉરની ઊર્મિઓમાંથી ઉદ્ભવેલું સાહિત્ય છે – એટલે જ એ સદીઓથી સચવાતું રહ્યું છે.
ધરતીનો ધબકાર – દોલત ભટ્ટ
સૌજન્ય: ગુજરાત સમાચાર.કોમ