આઈ શ્રી મોગલ માં નું મોગલધામ તરીકે ઓળખાતું મંદિર સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભગુડા ગામે આવેલું છે. આ મંદિરનો ઇતિહાસ આશરે ૪૫૦ વર્ષ જેટલો પ્રાચિન છે. આમ તો મોગલ માંનું જન્મસ્થળ ભીમરાણા છે પરંતુ મોગલમાંના સાધકો એટલે કે મોગલ છોરુઓ ના મનમાં આ સ્થાનક મોગલધામનું અનેરૂ મહત્વ છે. ભગુડા એટલે મહુવા તાલુકામાં પ્રકૃતિના ખોળે ચકલીના માળાજેવડું નાનું ગામ છે. ખુલ્લા લોલા છમ હરિયાળા ખેતરો અને અમી નજરોથી છલકાતા ભગુડા ગામમાં “આઈ મોગલ” બિરાજમાન છે. ભગુડા ગામ કે જ્યાં ‘આઈ શ્રી મોગલ’ હાજરા હજૂર છે. આ સ્થાન સાથે ઘણી પવિત્ર અને પાવનકારી ઘટનાઓ તથા કથાઓ જોડાયેલી છે. દેશ વિદેશથી આવતા હજારો લાખો શ્રદ્ધાળુઓની પરમ આસ્થાનું ધામ એટલે ભગુડા માં બિરાજતી માં મોગલનું ધામ ‘શ્રી મોગલ ધામ – ભગુડા’.
આઇશ્રી મોગલ માતાજી ભગુડા ગમે બિરાજમાન થવાની લોક કથા કૈક આવા પ્રકારની જાણવા મળે છે, એ દુષ્કાળનો સમય હતો ત્યારે કામળીયા આહીર પરિવાર અને સાથે બીજા માલધારી પરિવારો પશુ ના લાલન પાલન અને નિભાવ માટે જૂનાગઢમાં એક ચારણ ના નેસડા માં ગયા હતા. જે નેસ માં ચરણો ના કુળદેવી આઈ શ્રી મોગલ માતાજીનું સ્થાપન હતું. આ સમય દરમિયાન કામળીયા આહીર પરિવારના એક માજી એ માતાજીની હૃદય પૂર્વક સેવા કરેલી. આવતું વર્ષ સારું થતા જ માલધારી પરિવાર વતન પરત ભણી જઈ રહ્યો હતો ત્યારે માજીના બેન સરીખા ચારણ બહેને આ મોગલ માતાજી તમારા રખોપા કરશે એમ કહી આઈ શ્રી માં મોગલ કાપડામાં આપ્યા.
કામળીયા આહીર પરિવારના એ માજીએ પોતાના વતન ભગુડા પહોંચી માતાજીનું સ્થાપન કર્યું. કહેવાય છે કે ત્યારથી આઇશ્રી મોગલ માં ભગુડા ગામમાં બિરાજમાન છે. અને કહેવાય છે કે ત્યારથી ચારણ સમાજના કુળદેવી આઇ શ્રી માં મોગલ માં કામળીયા આહીર સમાજના ભગુડાના લગભગ 60 જેટલા પરિવારો પૂજે છે અને બંને સમાજ ને બાદ કરતા લગભગ તમામ જ્ઞાતિ ના અનેક શ્રદ્ધાળુઓ આસ્થા પૂર્વક માતાજીની સેવા-અર્ચના કરી બાધા આખડી રાખે છે.
ભગુડા ગામ માં કામળીયા આહીર પરિવારના એ 60 પરિવારોનો કુટુંબ કબીલો આટલા વર્ષો થઈ પેઢી દર પેઢી દર ત્રીજા વર્ષે માતાજીનો ભેળીયો અને લાપસી અચૂક અને ફરજીયાત પણે આજની તારીખે પણ કરે છે. ઉપરાંત દર મંગળવારે ભગુડા ગામના તમામ લોકો માતાજીના દર્શને આવે છે. ભગુડા ગામમાં માં મોગલના આંગણે મંગળવારે બે થી ત્રણ હજાર શ્રદ્ધાળુઓ અને રવિવારે પાંચેક હજાર જેટલા દર્શનાર્થીઓ અને ચૈત્રી અને આસો નવરાત્રી જેવા પવન દિવસો દરમિયાન દરરોજ દસ થી પંદર હજાર જેટલા શ્રદ્ધાળુઓ મોગલ માતાજીના દર્શને આવે છે.
માં મોગલનું રૂપ એટલે એક હાથમાં ખડગ (તલવારનો એક પ્રકાર) અને બીજા હાથમાં નાગ, તથા વિખરાયેલા કેશ, ત્રિલોકને શાતાહ આપે એવું ચંદ્ર અને સૂર્ય સમાન પ્રકાશવાન તેજસ્વી ભાલ, આઈ શ્રી મોગલના ના નયનો ભક્તો માટે સ્નેહ વરસાવે અને દુષ્ટો માટે અગનજ્વાળા વરસાવે. આઈ મોગલનું આ મહાકાળી સ્વરૂપ જોઈને તો સુર નર મુનિ સૌ કોઈ આ મહાદેવીની સ્તુતિ કરે છે. “માં મોગલ ની” પારંપરિક પૂજા-અર્ચના કરવામાં આવે છે. કહેવાય છે કે, માં મોગલ ને લાપસી અતિપ્રિય છે, અહીં માં મોગલના ધામમાં ભક્તો દૂર દૂર થી આવી ને ‘લાપસી’ નો પ્રસાદ ચઢાવે છે. મોગલ ધામમાં લાપસી નો પ્રસાદ ધરાવવાનો વિશેષ મહિમા છે.
કહેવાય છે કે, લાપસીનો પ્રસાદ લેવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. મોગલધામમાં આવી શ્રદ્ધાળુઓ લાપસીનો પ્રસાદ ધરાવી અનન્ય ધન્યતા અનુભવે છે. સૌરાષ્ટ્રના અન્ય ધામો ની જેમ જ ભગુડા ધામમાં પણ અન્નક્ષેત્રની સેવા ઉપલબ્ધ છે. માતાજીના દર્શને આવતા શ્રદ્ધાળુઓ માનો પ્રસાદ અચૂક લે છે. તરવેડાનો (માતાજીને ચઢાવવામાં આવતી ભેટ) એક ભાગ તરીકે ભક્તો અહીં આવી ને માતાજીને સોળ શણગાર અર્પણ કરે છે. લોક વાયકા મુજબ આ ભગુડા ગામમાં માતાજીના પ્રતાપે ક્યારેય કોઈના પણ ઘરે ચોરી થતી નથી મહિના ના ચારેય મંગળવારે અને રવિવારે અહીં ભક્તો ની અતિશય ભીડ ઉમટી પડે છે.
ભગુડા ધામમાં આવતા શ્રદ્ધાળુઓ પોતાના અધૂરા કામ કે તકલીફો, દૂર કરવા માટે માં મોગલ ને “તરવેડા” ની માનતા ચડાવતા હોય છે. ‘તરવેડો’ એટલે એક પ્રકારની એવી માનતા છે, જયારે પોતાની માનતા પૂર્ણ થાય, ત્યારે શ્રદ્ધાળુઓ તરવેડો કરે છે જેમાં માતાજીને લાપસી ધરાવી શણગાર અર્પણ કરવામાં આવે છે. ભગુડા ગામે સને ૧૯૯૭માં માતાજીનું શિખરબંધ નૂતન મંદિરનું નિર્માણ કાર્ય થયુ હતું જેની પ્રાણ પ્રતિષ્ઠા વૈશાખ સુદ ૧૨નાં દિવસે યોજાઈ હતી જેનો પાટોત્સવ દર વર્ષે ધામધૂમ પૂર્વક છેલ્લા ૨૦ વર્ષથી ધર્મમય માહોલમાં યોજાય છે. જેમા લાખો શ્રદ્ધાળુઓ શ્રધ્ધાભેર ઉપસ્થિત થાય છે દર વર્ષ ચૈત્ર મહિનામાં રોજની સેંકડોની સંખ્યામાં યાત્રાળુ પરિવારજનો દ્વારા માતાજીને લાપસી ધરાવે છે. આખો ચૈત્ર માસ આ પરંપરા અવિરત ચાલુ રહે છે. અહીં આવતા શ્રદ્ધાળુઓ ને લાપસી પ્રસાદ માટે જરૂરી પાણી બળતણ અને તમામ વાસણોની સુવિધા શ્રી મોગલધામ ટ્રસ્ટ તરફથી વિનામુલ્યે પુરી પાડવામાં આવે છે. મોગલધામમાં યાત્રાળુઓ માટે અન્નક્ષેત્ર ની સેવા દરરોજ ૨૪ કલાક ચાલુ રહે છે.
મોગલધામ માં આવતા શરશષાણુઓ ને આવાસ માટે પણ વિસ જેટલા ઓરડાઓ અને બે મોટા હોલની વ્યવસ્થા મોગલધામ ત્રસ્ત દ્વારા કરવામાં આવેલી છે, આ ઉપરાંત અહીંયા પધારતા સૌ યાત્રાળુઓ માટે અવિરત પણે ચા-પાણીની વ્યવસ્થાઓ પણ શ્રી મોગલધામ ચેરીટેબલ ટ્રસ્ટ – ભગુડા દ્વારા પુરી પાડવામાં આવે છે. આ મંદિરની ખાસિયત એ છે કે અહીં સંસ્થા દ્વારા કોઈ પણ પ્રકારનો ફાળો લેવામાં આવતો ણથી અને મંદિર ૨૪ કલાક ખુલ્લુ રહે છે. અહી કોઈ ભુવા નથી કે કોઈને દોરા-ધાગા પણ આપવામાં આવતા નથી.