શૌર્ય કથા
ગુજરાતમાં એવાં ઘણા સ્થાનો છે જેનો પોતાનો રોમાંચક ઈતિહાસ છે, એ જમીન પર જેમણે સંઘર્ષની લકીર દોરી તેવાં પાત્રોની કહાણી છે… ‘ગુજરાતનાં ક્રાંતિતીર્થો’ માં એવાં 100થી વધુ સ્થાનોની લેખક દંપતીએ કરેલી રઝળપાટ અને લોક કબાનથી માંડીને દસ્તાવેજોમાંથી મેળવેલી ગૌરવ-કથાઓ આપી છે. અહીં તેમાંથી સુધારા-વધારા સાથે કેટલુંક, લેખકો છે વિષ્ણુ પંડ્યા અને ડો. આરતી પંડ્યા
ગામનું નામ: વછોડા.
પાદરે એક પાટિયું પણ લાગ્યું છે. તેનું બીજું નામ વનચરડા.
પોરબંદરના કીર્તિમંદિરથી નિકળીને આ સાવ અજાણ્યાં, એકાંતિક, ખોબા જેવડા ગામે પહોંચીએ તો ત્યાંના દલિતવાસમાં, આડી-ઊભી પાંચ ખાંભીઓ ‘તેજસ્વી છતાં કરુણ’ અધ્યાય કહેવાની શરૂઆત કરી દેશે!
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે અઢારમી સદીના ઉતરાર્ધ ‘આનંદમઠ’ નવલકથા લખી તેની પહેલી પ્રસ્તાવનામાં કહેલું : This is the sweet sad story of unfortunate country, where love to freedom is committed martyrdom.
‘હતભાગી દેશની આ કરુણ છતાં મધૂર કહાણી છે. જ્યાં સ્વાધીનતાને ચાહવાનો એક જ અર્થ થાય છે. તે શહીદી વહોરી લેવાનો.’
અહિં કોઈ વિગતથી અંકિત થયાં વિનાના પાળિયા સુધી કોઈ ખાસ જનારું હોતું નથી. ન અહીં સ્મૃતિ મેળાવડા થાયા છે, ન ભવ્ય સ્મારક બન્યું છે. બસ, દલિતવાસના રહેવાસીઓ ઝાખી પાંખી વાત કરે છે. મૂળુ માણેક અને તેના સાથીદારો અહીં મોતને ભેટ્યા હતાં, લડતાં લડતાં!
ઝવેરચંદ મેઘાણીએ કહ્યાં તેવા ‘પાંચ પાંડવો’ એટલે- -મૂળુ માણેક -હાદો કરાણી -નાગસી ચારણ -વેરસી -અને જગતિયો પહેરેદાર લડાઈ તો 1857થી બરાબર શરૂ થઈ હતી. દ્વારિકા-ઓખામાં બ્રિટિશરોને હરાવ્યાં હતાં. માછરડાની ધારે ધીંગાણું ખેલ્યું હતું. વડોદરાની જેલ તોડીને છૂમંતર થયો હતો. કોડીનાર અને પીપરડી પર હલ્લો કરીને રજવાડાંઓને પડકાર્યા હતાં. કોઈ પણ ભોગે “ટોપી વારા”(અંગ્રેજો)ની હકુમત ના જોઈએ એવા કસમ ખાધા હતા.
અને છેલ્લું યુદ્ધ અહિં,,, વનચરડાની સીમમાં નાનકડી વાડીની ઘટા જોઈને, ચારેતરફ નાસતા-ફરતા માણેકોએ અહીં વિસામો લીધો. વૈશાખી લૂમાં પહેરેગીરને વૃક્ષ પાસે રોકીને ધ્યાન રાખવા જણાવ્યું અને બાકીના ચારે ઝૂપડામાં આડા પડ્યાં. ભૂખના દુ:ખ ભૂલાયાં અને આંખોમાં નિદ્રા ઘેરાઈ…
મેઘાણીકથા પ્રમાણે તો,,, ફાંસીએ ચઢતાં ભગતસિંહ-રાજગુરૂ-સુકદેવે ‘રંગ દે બસંતી ચોલા’ ગાયું હતું. તેવી જ રીતે આ ચારેએ નિદ્રાને બદલે ગીત આરભ્યું : ના છડિયાં હથિયાર! મુરૂભા વંકડા, ના છડીયા હથિયાર!’ તેની છેલ્લી કડીમાં ‘ડાબે તે પડખે ભૈરવ બોલે! ધીંગાણે મે લોહેજી ઘમસાણ…’ ગાયું. જાણે કે ભવિષ્યની જાણ થઈ ગઈ હતી! “લાંઘણ, ઉજાગરા, રઝળપાટ થકી લોથપોથ થયેલાં શરીરો ઘસઘસાટ લંબાઈ ગયાં”
ત્યાં સીમમાં ચોકીદારને ખબર પડી. પોરબંદર રજવાડાંની ફોજ થોડે દૂર દિવસોથી ખડી હતી તેને ખબર આપ્યાં… સૈનિકોએ ઘેરો ઘાલ્યો. મૂળુ બંદૂક સાથે સામે પડ્યો. પોકાર્યું: ‘જે રણછોડ રાય!’ ઝૂંપડામાંથી બહાર નીકળી જવા સૈનિકોએ અવાજ કર્યો. ‘સામી છાતીએ લડવા આવોને? ’ મૂળુએ પડકાર્યા. સામસામા ગાળીબારની રમઝટ બોલી. પણ માણેકો ડગ્યા નહીં એટલે ઝુપડું સળગાવ્યું. મૂળુએ સાથીદાર નાગસી ચારણને કહ્યું : ‘મારું માથું તું જ ઉતારી લે. આ સૈનિકોના હાથે પડવું નથી…’ ઝુપડાંનું બારણું ખોલી પાંચે હથિયાર સાથે કૂદી પડ્યાં અને મરાયા. ઓખામંડળમાં એક દોહરો પ્રચલિત છે;
‘નારી નિત રંડાય, નર કે દી રંડાય નહીં,
ઓખો રંડાણો આજ, માણેક જાતાં મૂળવા!’
અહિં ઓખાપ્રદેશને પુરુષવાચક ‘ઓખો’ ગણાવીને બારોટ મૂળુની ગુણપ્રશસ્તિ કરી છે. એક બીજ અંજલિ તેથીય અધિક અસરકારક છે-
‘ગોમતીએ ઘૂંઘટ તાણિયા રોયા રણછોડરાય !
મોતી હતું, રોળાઈ ગયું માણેક ડૂંગરામાંય!’
ના, આ નાનકડાં ગામના દલિતવાસમાં જે પાંચ પાળિયા છે, તેનું આપણા પાઠ્યપુસ્તકમાં કોઈ સ્મરણ નથી. હાં, એક કઠોર વિગત એવી મળે છે કે મૂળુ માણેકને પકડવા માટે આવેલી અને મારી નાખીને ‘વિજયી’ બનેલી પોરબંદરની સૈનકી ‘ગશ્ત’ના વડા કબા ગાંધી હતા! જો કે એક રસપ્રદ વાત એ છે કે કિન્કેઈડ નામના એ સમયના અંગ્રેજી અફસરે માણેક-કથાને પોતાની રીતે અંગ્રેજી નોંધી છે, ખાસ કરીને લોકગીતોને.
-ક્રાન્તિકથા, વિષ્ણુ પડ્યાં