પદમાવતીના જયદેવ સ્વામી
તેનો પરિપૂર્ણ કહું ઈતિહાસ રે,
એકાગ્ર ચિત્તે તમે સાંભળજો પાનબાઈ,
એ તો થયાં હરિનાં દાસજી … પદ્માવતીના.
ગીત ગોવિંદનું જયદેવે કીધું,
જેનું નામ અષ્ટપદી કહેવાયજી,
પદ પદ પ્રતે ભક્તિરસ પ્રગટ્યો,
જેથી પદમાવતી સજીવ થાયજી … પદ્માવતીના.
ગોપીયું ને કૃષ્ણની લીલા લખતાં,
જયદેવ રહ્યા જોને સમાય જી,
સ્વહસ્તે આવીને ગોવિંદ લખી ગયા,
પ્રત્યક્ષ હસ્તપ્રત માંહ્યજી … પદ્માવતીના.
ભક્તિ એવી પરમ પદદાયિની
તમને કહું છું, સમજાયજી,
ગંગા સતી એમ બોલિયાં રે પાનબાઈ,
તો જીવ મટીને શિવ થાયજી …. પદ્માવતીના.
– ગંગા સતી