પ્રેમ કથા
લુંઘીયા ગામના બહારવટિયા બાવાવાળાનું પાળ સાગમટે સરધારપુર ગામ પર ત્રાટક્યું હતું. તેમની સામેના આ ધીંગાણામાં સરધારપુર ગામનો લાખા નામનો જ્ઞાતિએ મેઘવાળ એવો જણ લડવામાં મોખરે હતો. પોતાના ગામને બહારવટિયાનાં હાથે ભાંગવા ન દેવું તેવી ખેવના અને તમન્ના સાથે તે પૂરી તાકાત અને ઝનૂનથી લડતો હતો પણ ત્યાં કોઈ બહારવટિયાની બરછીનો જીવલેણ ઘા વાગ્યો અને લાખો ત્યાને ત્યાં ઢળી પડ્યો….
લાખાનું લગ્ન બીલખા પાસેના બંધાળુપીપરીયા ગામે થયું હતું. તે વખતે લાખાની ઘરવાળી, નામે વાલી તેનાં માવતરે ગઈ હતી અને પાછળથી આ બનાવ બન્યો હતો.લાખો ધીંગાણામાં આમ કામ આવી ગયો હતો, ગામનું રક્ષણ કરતાં વીરગતિને પામ્યો હતો.
વાલી પોતાના માવતરને ત્યાં બે-ચાર દિવસ રોકાઇને, પાછી સાસરે આવતી હતી. સાથે તેને ભાઈ હતો. સરધારપુર આવતા રસ્તામાં, ભેંસાણ અને તડકા પીપળીયા ગામની સીમમાં ઉબેણ નદી નીકળે છે. ત્યાં ઉબેણીયા નાગની જગ્યા છે. અહીં વાલીને તડકાપીપળીયા ગામનો રૂપા મેઘવાળ નામનો માણસ સામે મળે છે. બન્ને વચ્ચે ઓળખણ થાય છે. વાતોએ વળગે છે.
રૂપો થોડી સોખમણ અનુભવતો વાલીને પૂછે છે: ‘કયાં ગયાં હતાં, વાલીબેન!?’
‘માવતરે મળવા ગઈ’તી..’ વાલી જવાબ આપે છે.
રૂપો કશું બોલ્યો નહિ એટલે વાલીના મનમાં શંકા જાગી. બન્ને એકબીજાના મોં સામે વકાસી રહ્યાં. પણ વાલીથી વધુ સહેવાયું નહિ એટલે બોલી: ‘રૂપાભાઈ, જે હોયતે હાચેહાચું કૈ દ્યો!’
રૂપો કળપતા સ્વરે બોલ્યો: ‘પાલણપીરની ખફામરજી થઇ તે ન થવાનું થઈને ઉભું ર્યું છે!’
‘પણ વાત તો કરો રૂપાભાઈ..!’ વાલી ફણાભેર થઇ ગઈ.
રૂપાએ હૈયું હાથ રાખીને કહ્યું: ‘ વાલીબેન, લાખોતો ધિંગાણું ખેલતાં….’
‘ધિંગાણું ખેલતાં….’ વાલી એકદમ અધીરીને બેબાકળી થઇ ગઈ.
‘ઈ..પાલણપીરના ધામમાં પુગી ગ્યો…’ આમ કહી રૂપો ઢગલા થઇ નીચે બેસી ગયો.
વાલીને ઘડીભર સમજાયું નહી, સમજાયુ તો ગળે ઉતર્યું નહિ.તે ઝાડની જેમ અવઢવમાં ઉભી રહી. રૂપો અને તેનો નાનોભાઈ વાલીનાં વરવા અને વસમાં રૂપ સામે આંખો ફાડીને જોતાં રહ્યા.
વાલી અને લાખાનાં લગ્ન થયાને હજુ એકાદ દિવાળી ગઈ હશે. પણ બન્ને વચ્ચે હેતની રીતસરની સરવાણીઓ ફૂટે. ઘડીકેય આંખોથી અળગાં ન થાય. માવતરે મળવા જાય તોય બે-ચાર દિવસમાં વાલી પાછી આવે. નોખા રહેવું પળભર પાલવે નહિ તેનાં બદલે ભવનાં છેટા પડી ગયાં.
વાલી ચિતરામણનાં જેમ ચિતરાઈ, આળેખાઈ ગઈ. માથેથી ચુંદડી પડી ગઈ, અંબોડો છૂટી ગયો, પીઠ સુધીના લાંબાવાળ પવનમાં ઉડવા લાગ્યાં…વાલીને ચિતભ્રમ થઇ ગયું. તેનાં મોંમાંથી વેણ વછૂટવા લાગ્યાં: હે..લાખા, તું તો માયાળુ મનેખ છતાંય માયા છોડીને હાલતો થયો? તુંને યાદ તો છે ને કે તારા પાછળ કોઈ રોનારું છે, રંડાપો વેંઢારનારું છે. તું એકલો નો’તો આ જગતમાં, હું પણ હતી..ઇ એ ભૂલી ગ્યો મારા વા’લા…તું તો ભારે ભૂલકણો..!
રૂપાએ જોયું તો વાલીને બકવાસ ઉપડી ગયો હતો. તેને હવે કોઈ જાતની સાધ કે ભાન રહ્યું નહોતું. સ્થળ-કાળ, જગત અને જાત ભૂલી લાખાને વાગોળવા અને વલખવા લાગી હતી. હવે તેનાં માટે સઘળું નકામું બની ગયું હતું. પોતાની પણ પરવા રહી નહોતી. રૂપો પાસે જઇ વાલીને સાંભળવાનો પ્રયાસ કરવા લાગ્યો પણ વાલીનું રૂપ જ બદલાઈ ગયું હતું. સામે જોઈ કે શરીરે હાથ દઇ શકાય એમ નહોતું. લાખાના વીરગતિની જાણ કરવા બદલ રૂપને ભારોભાર અફસોસ થવા લાગ્યો. પણ હવે તો તીર કમાનેથી છૂટી ગયું હતું, પાછું વાળી શકાય એમ નહોતું.
વાલીને સનેપાત થઈ ઉપાડી ગયો. તે લાખો જાણે સન્મુખ ઉભો હોય તેમ લાખા સાથેની એક-એક વાતને સંભારી સંભારીને કહેવા લાગી: લાખા, લાખા…તું તો મારો જીવ, મારા હૈયાનું હાડકું…ને તોય તારા મોતના હમાચાર હંભળતા મારું હૈયું ફાટી કેમ નો પડ્યું!!?
પછી વાલી પોતાના હૈયાને ઠપકો દેવા લાગી : ફટ રે ભૂંડા હૈયા, તું તો મારી છાતીમાં પથ્થર થઇ પડ્યો છો…!
-અરેરે… ઉબેણીયા, મારે હવે તારા જળમાં જીવ દીધા વગર્યનો કોઈ આરો ઓવારો નથી. વાલીએ પાણીના ઘૂના સામે જોઈને કહ્યું.
રૂપો વાલીની વાતને, ઈરાદાને પામી ગયો પણ વાલીનું રણચંડી જેવી રૂપ જોતાં તે ઠરીને ઠીકરું થઇ ગયો.કાંઇ કરી શક્યો નહિ.
‘મારાં લાખા તારા વગર્ય તો એક ઘડીકેય નો રે’વાય, જીવવું નકામું છો. જીવ હાલ્યો જાય પછી આ ખોળિયાને રખાવાનો કોઈ અરથ નથી….’ આમ કહેતી વાલીએ ઉબેણીયાનાં ઊંડા પાણીમાં ઝંપલાવી દીધું અને પોતાના પિયુ પાછળ કાયમના માટે ચાલી….