સંકટ ચતુર્થી ની વાર્તા / કથા
સંકષ્ટી ચતુર્થી, જેને સંકટહારા ચતુર્થી કે સંકષ્ટી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે હિન્દુ પંચાંગના દરેક ચંદ્ર મહિનાના કૃષ્ણ પક્ષની ચોથના દિવસે ઉજવાતો પવિત્ર દિવસ છે, જે ભગવાન ગણેશને સમર્પિત છે. જો આ ચતુર્થીનો દિવસ મંગળવાર સાથે આવે, તો તેને ખાસ કરીને અંગારકી સંકષ્ટી ચતુર્થી, અંગારકી ચતુર્થી કે અંગારિકા કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે અંગારકી સંકષ્ટી ચતુર્થી ખૂબ જ પવિત્ર અને ફળદાયી ગણાય છે.
અભિષેક મહર્ષિએ શાસ્ત્રોમાંથી આધાર લઈને તેમની શિષ્યા ઐશ્વર્યાને સમજાવ્યું હતું કે આ ઉપાસના પ્રાચીન સમયમાં, આશરે 700 BC દરમિયાન, આત્મવિશ્વાસ સાથે જોડાયેલી આંતરિક વિસંગતતાઓ અને અવરોધો દૂર કરવા માટે શરૂ કરવામાં આવી હતી.
દેવી ગિરિજાએ સાક્ષાત્ પરબ્રહ્મ પરમેશ્વરને પુત્ર પ્રાપ્તિ માટે કામના કરી હતી અને બાર વર્ષો સુધી કઠોર તપસ્યા, વ્રત તથા સાધનાની સાથે ‘ઓમ ગં ગણપતયે નમ:’ મહામંત્રના સતત જાપના ફળસ્વરૂપ ચોથના દિવસે મઘ્યાહને સ્વર્ણ કાંતિયુકત ગણેશજીનો પ્રાદુર્ભાવ થયો હતો. આ કારણે બ્રહ્માએ પણ ચોથને અતિશ્રેષ્ઠ વ્રત બતાવ્યું છે.
જુદાં જુદાં પુરાણોમાં કહેવામાં આવેલી કથાઓના આધારે વરદમૂર્તિ ભગવાન શ્રીગણેશની આરાધનાથી જ જગતના સર્જક બ્રહ્માજીના શરીરથી ચતુર્ભુજ તથા ચતુર્પાદ યુકત સુંદર અને તેજસ્વી ચતુર્થીનો જન્મ થયો. જેનો ડાબો ભાગ કષ્ણ અને દક્ષિણ ભાગ શુકલ હોવાથી બંને પક્ષોની રચના થઈ.
ચતુર્થી માતાના શરીરના વિભિન્ન ભાગોથી એકમથી પૂર્ણિમા અને અમાસ વગેરે તિથિઓની ઉત્પત્તિ થઈ. તેથી જ ચતુર્થીને તિથિઓની માતા કહેવામાં આવે છે. ચતુર્થી સહિત સમસ્ત તિથિઓએ ભગવાન ગણપતિની આરાધના કરી. આ કારણે ચતુર્થીને વરદમૂર્તિને ઘરમાં સ્થાપિત કરી વરદાને મઘ્યાહ્ને તથા સંકષ્ટ ચોથની રાત્રે ગણપતિની ઉપાસના કરવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિની સાથે વરદમૂર્તિની ભક્તિપ્રાપ્તિનું વરદાન આપ્યું.
વ્રત કરનારાઓ માટે વરદા ચોથમાં મઘ્યાહ્ન પહેલાં તથા સંકષ્ટ ચોથમાં સાંજના સમયે સ્નાન વગેરે પૂરું કર્યા પછી પવિત્ર થઇને શ્રીગણેશની પૂજા કરવાનું સૂચવ્યું છે. પછી વૈદિક અને પૌરાણિક મંત્રોથી પૂજા કરવી જોઈએ. એમાં પુષ્પ, ચોખાથી આહવાન તથા આસન, જળથી પગ ધોવા, જળથી અઘ્ર્ય, આચમન, શુદ્ધ જળ, પંચામૃત, ગંગાજળ તથા પુન: શુદ્ધ જળ તથા ગંગાજળથી સ્નાન કરાવવું જોઈએ. યજ્ઞોપવીત તથા વસ્ત્ર, ચંદનથી તિલક, ચોખા, પુષ્પ તથા પુષ્પમાળા, દુર્વા, સિંદૂર, અબીર-ગુલાલ, હળદર, કંકુ, સુગંધિત દ્રવ્ય, ધૂપ, દીપ તથા મોદકનો નૈવૈધ, આચમન, ઋતુફળ, પાન તથા દક્ષિણા અર્પણ કરીને આરતી તથા પુષ્પાંજલિ, પ્રદક્ષિણા તથા પ્રાર્થનાના વિધાનથી પૂજા કરવી જોઈએ.
ચોથના રોજ ચંદ્રોદય થાય ત્યારે ભગવાન ચંદ્રને પણ જળ અઘ્ર્ય તથા ધૂપ, દીપ, નૈવેધ વગેરેથી પૂજા કરી ચંદ્રદર્શન કરવા જોઈએ. ‘ઓમ્ ગં ગણપતયે નમ:’ ના મહામંત્રનો જાપ કરવો જોઈએ. આ ચોથના રોજ નિરાહાર વ્રત રાખીને બીજા દિવસે અથવા ચંદ્રોદય પછી પારણા કરવાનું સૂચવ્યું છે. ચોથનું વ્રત તથા ભગવાન શ્રીકૃષ્ણની આરાધનાથી ભકિત, ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સાથે ધન, સંપત્તિ, વૈભવ, સંતાન, સ્વાસ્થ્ય તથા દીઘાર્યુ પ્રાપ્તિ સાથે બંધનો અને સંકટોમાંથી પણ મુક્તિ મળે છે.







