ચેલૈયાના માતા-પિતા શેઠ સગાળશા અને તેમના પત્ની ચંગાવતીની એવી ટેક હતી કે રોજ સાધુને ઈચ્છિત ભોજન કરાવ્યા પછી જ જમવું. અને આ ટેક પાળવા એક દિવસ સાધુએ ચેલૈયાનું માથું ખાંડવાનો આદેશ આપ્યો તે પણ તેમણે પાળ્યો હતો.
ચેલૈયાનું જન્મસ્થાન પિપાવાવ પાસેનો શિયાળબેટ હોવાની માન્યતા છે અને એ વિશેના પુરાવાઓ પણ છે. અને પેલો ખાંડણીયો પણ અહીં બિસ્માર હાલતમાં હોવાનું કહેવાય છે (ફોટોગ્રાફ માં બતાવ્યા પ્રમાણે). આ ઉપરાંત પ્રચલિત ચેલૈયાનું હાલરડું પણ એક કરુણાસભર અને સબળ લોકસાહિત્યની રચના છે. ચેલૈયાને ફરી જીવતો કર્યો હોવાની વાત આ ગીતમાં નથી.
સંગાળશા શેઠ ને ચંગાવતી રાણી,
ઈ બેઈને રે બાયું એવી એવી ટેકું,
કે સાધુ સંતોને જમાડીને જમવું
પણ એક દિને સમે સાધુ નો મળ્યાં રે.
તેથી નોં મળિયા સાધુ’ને રિયાં અપવાસી,
હૈડે હામું રે હરિનાં નામની રે…
પછી તો
સાત સાત દિ’નાં રે અપવાસ બેઈને થિયાં
આઠમે દિ’એ રે મેઘ મંડાઈ ગિયાં રે..
માથે સૂંડલો ને બેઈ હાલી રે નિસરીયાં
ભારથ ભોમકામાં આંતો મારીયો રે..
એવામાં જમનાને તીરે તપસી કરે બેઠો તપશા
ઝટ જઈ તપસીને પાયે પડ્યાં રે..
અને હોંશેહોંશે માગો રે મા’રાજ ! તમીં માગો રે સાધુડ્યો !
તમુંને જમાડી અમીં જમશું રે..
પણ સાધુ તો :
અમારે જોશે રે સવાશેર પરમાટી
આવડો તખેવાડો તમીં નઈં જાળવો રે..
આવી રે તરખડ્ય તમથી શે થાશે રે ?
તરત જ
સુણતાંકને સગાળશા તો કસાઈવાડે આવ્યાં
સવાશેર પરમાટી તોળાવી લાવીયાં રે
પછી અરજ કરે છે
જમો રે મા’રાજ ! તમીં આરોગો બ્રહ્મચારી
તમને જમાડ્યાં કેડ્યે જમ..શું રે
ત્યાં તો સાધુ
પર તણી માટી અમીં નંઈ રે જમીઈં
માટી જોઈં મારે ચેલૈયા તણી રે..
તેથી
ભણતલ ચેલૈયાને ભાઈબંધે ચિન્તવ્યો
ભાગ્ય રે ચેલૈયા માવતર મારશે રે.
તો ચેલૈયો
હું રે ભાગું તો લાગે બ્રહ્મહત્યા મુજને
પ્રથ્મિ નઈં ખમે મારાં ભારને રે..
તો અણીકોર્યથી
સીધા રે સગાળશા જઈ નિશાળે રે પૂગ્યા
ચેલૈયો તેડીને પાછાં વળ્યાં રે..
ત્યાં તો સાધું
માથું રે મોળો ને મેલો રે શીંકે
પણ શરત કે
નેણલે નીર ઊભરાવા નોં દેવા રે..
અરરર પછી તો
બેઈએ થઈને ચેલૈયો ખાંડણીએ ખાંડ્યો
ને નેણલિયે નીર વે’વા નોં દીધાં રે..
– લોકગીત