રાજ્યકવિના રૂપમાં ભક્તકવિનો આત્મા
શંકરદાનજી દેથા શાસ્ત્રીય ઢબે, કાવ્યશાસ્ત્ર – છંદશાસ્ત્રની મર્યાદામાં રહીને ઉત્તમ રચનાઓની સમાજને ભેટ આપનાર મોટા ગજાના કવિ હતા. શાસ્ત્રોની બાબતો, સમૃધ્ધ સમાજ જીવનની વિગતો તથા ભક્તિના અખંડ સુરની કવિતાઓની રચનામાં કવિરાજનું મૂઠી ઊંચેરું સ્થાન છે. ભક્તકવિ ઇસરદાસજી તથા સાયાજી ઝૂલાની પંગતમાં બસી શકે તેવી બળુકી કાવ્યશક્તિ ધરાવનાર આપણાં આ મહાકવિ હતા. છેલ્લા પાંચ-સાત દાયકાના ગાળામાં ચારણી સાહિત્યની અખંડ આરાધના કરીને સમાજમાં પોતાનું વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કરનાર ઉપાસકોમાં કવિ કાગ (ભગતબાપુ), શંકરદાનજી તથા મેરૂભાનું નામ ચોકકસ આપી શકાય. તેમની વાણીના, તેમની છટાદાર રચનાઓના પડઘા હજુ આજે પણ અનેક પ્રસંગોએ, અનેક કલાકારોના માધ્યમથી સંભળાયા કરે છે. મોટો જનસમૂદાય આ ધન્યનામ કવિઓ – વાણીના ઉપાસકોનો આદર કરવાનું કદી ચૂકતો નથી.
લીંબડીના રાજ્યકવિ થવાનું સન્માન શંકરદાનજીને યુવાન વયે જ મળ્યું હતું. તેમના કેટલાક પ્રકૃતિગત ગુણોને કારણે તેમના વ્યક્તિત્વની એક અનોખી છાંટ હતી, તેનો અલગ પ્રભાવ હતો. મધ્યયુગના કેટલાક પ્રેરણારૂપ જીવન જીવી જનાર ચારણ કવિઓના ગુણો જેવા કે નિર્ભયતા, ઉદારતા તથા કોઇપણ સ્થિતિમાં સત્યવક્તા રહેવાના સદગુણો કવિરાજના વ્યક્તિત્વના સહજ પાસા હતા. એક પ્રાચીન દુહો તેમને યથાર્થ રીતે લાગુ પડે છે :
સત્યવક્તા, રંજન સભા, કુશળ દીન હીત કાજ
બેપરવા દિલકા બડા, વો સચ્ચા કવિરાજ
આઠ દાયકાનું અર્થપૂર્ણ જીવન જીવી જનાર આ કવિએ જીવનના અનેક ઉતાર-ચઢાવ જોયા, અનુભવ્યા. જયારે પણ સંઘર્ષ કરવાનો ધર્મ બજાવવાનો આવ્યો ત્યારે તેમ કર્યું પરંતુ સંઘર્ષમાં પણ સમતા અને સ્વસ્થતાની અખંડ જાળવણી કરી. માત્ર ૧૨ વર્ષની કિશોરવયે ભૂજની વૃજભાષા પાઠશાળામાં સાહિત્યની સાધના – ઉપાસના કરવા ગયા. વિધિની ગતિ ન્યારી છે. અભ્યાસ પૂર્ણ થાય તે પહેલા પાછા આવવું પડ્યું. છતાં પણ પાઠશાળાનો આ અભ્યાસ તથા ત્યારબાદ તેમણે કરેલી સાહિત્યની આજીવન ઉપાસનાને કારણે તેમની રચનાઓમાં એક અલગ ભાવ, કક્ષા અને કવિત્વના ચમકારા સહેજે જોઇ શકાય તેવા છે. જીવનમાં ખૂબ કીર્તિ મેળવી પરંતુ ધરતી સાથે, પોતાના સંસ્કાર સાથેનું જોડાણ કયારે પણ ઢીલુ થવા દીધું નહિ. કેટલાયે દીન-દુખીયાઓ માટે ‘‘કબીરા ભગત’’ બનીને વિવેકપૂર્વક અન્નદાતા બનીને જીવ્યા. તેમણે નીચેના શબ્દો માત્ર લખ્યા ન હતા, તે મુજબ જીવન જીવી બતાવ્યું હતું.
નિત રટવું હરનામ, દેવા અન્ન ધન દીનને
કરવા જેવા કામ, સાચા ઇ બે શંકરા.એવો વખત આવે કદી અન્ન હોય એકજ ટંકનું
તો આપે કરો ઉપવાસ પણ રાજી કરો મન રંકનુંએવી અજાયબ મજા લેવા વીર દ્રઢ રાખી વૃતિ
ક્ષણ ક્ષણ પ્રતિ સંભારવા ગિરિજાપતિ કાં શ્રીપતિ
ચારણી સાહિત્યના સંપાદન – સંશોધનનું કામ એ કવિરાજના જીવનની સૌથી મોટી તથા અનન્ય સિધ્ધિ હતી. આજે ઘણાં ઘરોમાં જેનો નિત્ય કે નિયમિત પાઠ થાય છે તે હરિરસ તથા દેવીયાણ તેમજ મહાભારતની સમગ્ર કથાને ચારણી શૈલિના છંદોમાં ઉતારનાર મહાકવિ સ્વરૂપદાસજી દેથાનું અલભ્ય પુસ્તક ‘‘પાંડવ યશેન્દુ ચંદ્રિકા’’ નું તેમણે સંશોધન કરીને પુન: સંપાદન કર્યું. કચ્છ–ભૂજની મહારાઓ શ્રી લખપતજી વ્રજભાષા કાવ્યશાળામાં વિદ્યાર્થીઓના અભ્યાસ માટે જેનો ઉપયોગ થતો હતો તે પુસ્તક ‘‘લઘુસંગ્રહ’’ નું પણ તેમણે સંપાદન – સંશોધન કર્યું. આ સમયે પુસ્તકો છાપવાના કામમાં ટેકનોલોજીનો ઓછો વિકાસ થયો હતો અને તે માટેના સાધનો – વ્યવસ્થા ઊભી કરવાનું કામ પણ પડકારરૂપ હતું. તેવા સમયે કવિરાજે થાક્યા-હાર્યા સિવાય આવી ઉત્તમ – અજોડ સાહિત્ય સેવા કરી તે બાબત આજે પણ અહોભાવ જન્માવે છે. તેમના આ યક્ષકાર્યમાં મોઢેરાના ખેતદાનજી મીસણ તથા જવલ્લેજ જોવા મળે તેવા રામાયણના વિદ્વાન શ્રી મોજદાનજી ટાપરીયાનો અનન્ય સહયોગ હતો. સાહિત્યપ્રેમી સજ્જનોનો આર્થિક સહયોગ પણ કવિરાજને હમેશા મળતો રહયો.
તેમના સમગ્ર જીવન તરફ આછો દ્રષ્ટિપાત કરીઓ તો અનેક શારીરિક મર્યાદાઓ છતાં તેઓ સતત કર્મશીલ, ગતિશીલ અને વિચારશીલ જીવન જીવ્યા. સામાજિક કાર્યોમાં પણ એટલાજ પ્રવૃત્ત રહયા. વિદ્યાર્થીઓમાં શિક્ષણ સંસ્કારનું યથાયોગ્ય સિંચન થાય તે તેમની અગ્રતાનો વિષય હતો. લીંબડીમાં તેમને ત્યાં થતો નવરાત્રી ઉત્સવ તથા તેમાં હાજર રહેતા તે કાળના સુવિખ્યાત વ્યક્તિત્વ ધરાવતા લોકોની સ્મૃતિ સાચવી રાખવા યોગ્ય છે. વટવૃક્ષ સમાન વ્યક્તિત્વ ધરાવતા શ્રી ઠારણભાઇ મહેડુ (પાટણા), શ્રી પથાભાઇ તથા શિવદાનભાઇ બોક્ષા (મૂળી) સાથે અતુટ સ્નેહ – સંબંધ તથા સંપર્કના તાંતણે તેઓ આજીવન બંધાયેલા રહયા. ભગવતી સ્વરૂપ પૂજ્ય આઇ સોનબાઇમાના જ્ઞાતિહિતના પ્રયત્નો – પ્રયાસોના પણ પ્રશંસક રહયા.
વ્યતિત ભયે એસી બરસ છોડ્યે ગિરિ કૈલાસ
અબ પદાબ્જમે રાવરે નિશ્ચલ ચહત નિવાસ