સૌરાષ્ટ્રના સોરઠ અને ઝાલાવાડ પ્રદેશોના નામો સોલંકીકાળથી એટલે કે ૯૦૦ વર્ષથી પ્રસિદ્ધ છે. એ નામો અસંખ્ય મુસ્લિમ તવારીખો અને અંગ્રેજી ઇતિહાસોમાંથી મળી આવે છે. શ્રી એમ. આર. મખવાન નોંધે છે કે, ગોહિલવાડ નામ ૧૪મી સદીમાં અને હાલાર નામ ૧૬મી સદીમાં જાણીતા થયા છે.
સૌરાષ્ટ્રના એક વિભાગ તરીકે સોરઠ પ્રદેશ ઓળખાતો હોવાનું અનુમાન ઇતિહાસકારો કરે છે. કાઠિયાવાડ સર્વસંગ્રહમાં કવિ નર્મદશંકરે નોંધ્યું છે કે સોરઠ દક્ષિણમાં છે. એનું ક્ષેત્રફળ ૫૨૨૦ ચોરસ માઈલ હતું. તેમાં જૂનાગઢનું મુસલમાની રાજ્ય, બટવાનું સંસ્થાન ગાયકવાડી કોડીનાર પ્રાંત, ફિરંગી દીવનો ટાપુ જેવા ભૂતપૂર્વ રાજ્યોનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત ભાદર નદી ઉપર આવેલો ભાદરકાંઠો, દરિયાકિનારા પર નવી બંદર અને માધવપુર એ બે ની વચ્ચે આવેલો ઘેડ નામનો નીચાણનો મુલક, એની દક્ષિણે આવેલ નોળી નદીના કથા પરનો નોળીકાંઠો, કિનારા પર ચોરવાડ અને જાફરાબાદની વચ્ચે નાઘેર (લીલી નાઘેર) નામનો ચિચરવટો અને ગીરનો રાની અને પહાડી મુલક સોરઠમાં ગણાતો. જૂનાગઢ અને બાંટવા ઉપરાંત પોરબંદર, માણાવદર, જેતપુર દેવળી, જેતપુર વડિયા જેવા નાના મોટા રાજ્યો અને મહાલોનો સમાવેશ સોરઠમાં થતો. સોરઠ શબ્દ ક્યાંથી આવ્યો તે અંગે ઇતિહાસવિદ ડો. હરિપ્રસાદ શાસ્ત્રી નોંધે છે કે, અનુમૈત્રક કાળમાં સૌરાષ્ટ્ર રૂપ વ્યાપક થતું જતું હતું. સુરાષ્ટ્ર જેમ સુરાષ્ટ્રા શબ્દ સૌરાષ્ટ્રના સમગ્ર દ્વીપકલ્પ માટે વપરાતું હોય અને તેમાંથી સોરઠ શબ્દ આવ્યો હોય તેવી સંભાવના ખરી. આ સોરઠ પંથકના સંખ્યાબંધ દુહા સાંપડે છે:
સોરઠ દેશ સોહામણો, ચંગા નર ને નાર;
જાને સ્વર્ગથી ઉતાર્યા, દેવદેવી અણસારસોરઠ દેશ સોહામણો, મુજ જોયાના કોડ;
રત્નાકર સાગર ઘૂઘવે, ત્યાં રાજ કરે રણછોડ.
સોરઠ દેશ ન સંચર્યો , ન ચડયો ગઢ ગિરનાર;
ન નાહ્યો દામો-રેવતી, અફળ ગીયો અવતાર.
સૌરાષ્ટ્રમાં પથરાયેલાં પ્રાચીન પરગણાં અને પંથકો ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ, લોકજીવન અને લોકસંસ્કૃતિનો સુપેરે પરિચય કરાવે છે.
સૌજન્ય: લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ