સુર્ય પૂજા એ પાંચાળ નો પ્રાચીન સંસ્કાર છે. ભારત માં સુર્ય પૂજા ગુર્જરો ના આગમન પછી વિકસી હોવાનું જાણવા મળે છે. સુર્ય પૂજકો ‘સૌર’ ગણાતા અને સૌર-રાષ્ટ્ ઉપર થી “સૌરાષ્ટ” બન્યું હોવાનો એક મત છે.
સુર્ય ના મંદિરો હંમેશા પૂર્વાભિમુખ હોય છે. ઉગતા સુર્ય ના કિરણો બરાબર મૂર્તિ પર પડે તેવો આની પાછળ નો ઉદેશ છે. મંદિર ના ગર્ભગૃહ ને પ્રદક્ષિણા માર્ગ હોય છે. ગર્ભગૃહ ના દ્વાર પર નવ ગ્રહ ની પટીકા તથા તેની આસપાસ ઘણાં સ્થળે આદિત્ય સ્વરૂપો બેસાડેલા હોય છે. દશમી સદી પછી ના સુર્ય મંદિરો માં નવગ્રહ ને સ્થાને ગણપતિ જોવા મળે છે.દરેક સુર્ય મંદિર પાસે સુર્ય કુંડ પણ જોવા મળે છે.
હિન્દુઓના ઘણા કુળ સુર્યવંશી છે. ચિતોડ ના રાણા સૂર્યવંશી હતા. વલ્લીભીપુર ના મૈત્રકો,મેર,જેઠવા,અને કાઠી કોમ સુરજ ના પોતરા મનાય છે. કોઈને ના નમનાર આ કોમ ના લોકો થાનગઢ ના સુરજદેવળે જઈ શીશ નમાવે છે.
થાનગઢ થી ૧૨ કિલોમીટર અને મુખ્ય રસ્તા થી અંદર ૫ કિલોમીટર દુર નવા સુરજદેવળ નું ભવ્ય મંદિર આવેલું છે. લાલધુળ,પથ્થર ની ખાણો તથા બીજી તરફ કાળા ખડકો ના પ્રદેશ માં દેવસર ગામ છે. દેવસર ગામ ના ટીંબે ચોટીલા ના દરબાર ‘રાણીંગ ખાચરે’ ૧૧૦૦ વીઘા જમીન દુધરેજ થી આવેલા પ્રતાપી સંત ‘ભગવાન દાસજી’ ને તુલસી ના પાને અર્પણ કરી દીધી હતી.
ભગવાન દાસજી નો જન્મ કોઠારીયા ખાતે થયો હતો. દુધરેજ ની જગ્યા માંથી દીક્ષા ગ્રહણ કરી તેઓં ધર્મોપ્રદેશ માટે વિચારતા હતા. આજથી ૯૦ વર્ષ પહેલા સવંત ૧૯૦૭ ના પોષ માસ માં રાણીગ ખાચરે આપેલી જમીન પર કોઈ ભવ્ય દેવાલય બાંધવાના મંગલ કાર્ય નો પ્રારંભ થયો હશે ત્યારે કોઈને કલ્પના પણ નહિ હોય કે આગળ ના દિવસો માં આ સ્થાનક પાંચાળ નું એક અગ્રીમ પંકિત નું યાત્રાધામ બનશે!
લાલમિશ્રિત ગુલાબી રંગ ના પથ્થરોની ખાણો આસપાસ ના વિસ્તાર માં આવેલી છે. તેમાંથી પથ્થરો ખોદાવીને મંદિર ના નિર્માણ નું કાર્ય હાથ ધરવામાં આવેલું હતું. સવંત ૧૯૯૧ માં મંદિર તૈયાર થયું અને સુર્ય નારાયણ તથા રત્નાદેની મનોહર પ્રતિમા ઓ તેમાં પધરાવા માં આવી. સૌધાઈના એ જમાના માં ૬૭ વર્ષ પહેલા રૂ. ૨ (બે) લાખનો ખર્ચ સ્થાનક ના બાંધકામમાં થયો હતો.
ચારે બાજુ ઉચોગઢ અને વિશાળ ઉંચી પગથાર પર શિખરધારી મંદિર શોભી રહ્યું છે. સુર્ય મંદિર ના પગથીયા ચડતા સામસામી બાજુ ગણપતિ તથા હનુમાનજી ની મોટી પ્રતિમાઓ વાળા બે મંદિરો છે. મુલાકાતીઓ માટે આસપાસ ધર્મશાળા અને અતિથીગૃહના મોટા મકાનો છે.
ભગવાનદાસજી ઉચ્ચ કોટી ના સાધુપુરુષ હતા. જુનું સુરજદેવળ લખતર રાજ્ય ની હુકુમત તળે હતું. કોઈ પણ કારણો સર લખતર ના ઝાલા રાજવી અને કાઠીઓ વચ્ચે મનદુઃખ થયું. દુભાયેલા ભગવાનદાસજી એ ચોટીલા ના દરબાર રાણીંગ ખાચરે આપેલી જમીન સ્વીકારી તેના ઉપર નવા સુરજદેવળ મંદિર નું નિર્માણ કર્યું. કાઠી સમાજ ની સંસ્કૃતિ,આદેશો,અસ્મિતા ની બુનિયાદ ઉપર સમગ્ર સંકુલ ની રચના થઇ છે. ભગવાનદાસજી ને તેમના કાર્યમાં સૌરાષ્ટ્ ના તત્કાલીન નાના-મોટા કાઠી રાજ્યો ઉપરાંત સમગ્ર કાઠી સમાજ નો વ્યાપક સહકાર મળ્યો હતો. ‘ભગવાનદાસજી’ પછી ‘ત્રિકમદાસજી’ ગાદીએ આવ્યા. આધુનિક વિચારધારા ધરાવતા ત્રિકમદાસજી એ સ્થાનક ને નવું રૂપ બક્ષ્યું.
જ્યાં સુર્ય મંદિર હોય ત્યાં સુર્ય કુંડ હોય જ છે. તેમ આ મંદિર માં પણ સુર્ય કુંડ છે. પાછળ ના ભાગે તળાવ છે. જેને માનસરોવર નામ આપવામાં આવ્યું છે. ભગવાનદાસજી જે ગુફા માં રહેતા હતા તે ગુફાને “ભગવત ગુફા” કહેવામાં આવે છે. ૧૫૦ વીઘા જમીનમાં ખેતી કરવામાં આવે છે. આ મંદિર નો સંપૂર્ણ વહીવટ ટ્રસ્ટ હસ્તક છે.
આ મંદિર માં અન્નક્ષેત્ર ચાલે છે. સ્થાનક પાસે ગાયો અને જાતવંત અશ્વો છે. ચોમાસા માં સ્થાનક ની ચોતરફ નું નૈસર્ગિક સૌન્દર્ય માણવા જેવું હોય છે. પુષ્કળ સંખ્યા માં વસતા રાષ્ટ્રીય પક્ષી મોર ના કેકારવ થી મંદિર પાસેનો આખો વિસ્તાર આખો દિવસ ગુંજતો રહે છે. શાંતિ અને પ્રસન્નતા નો ભાવ આથી આપોઆપ પ્રગટે છે.
સૂર્યદેવ ના ચરણો માં કોટી કોટી નમન…..
સૌજન્ય: થાનગઢ.કોમ