દુઃખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને,
વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી.
ગરીબની દાદ સાંભળવા, અવરનાં દુઃખને દળવા,
તમારા કર્ણનેત્રોની ઉઘાડી રાખજો બારી.
પ્રણયનો વાયરો વાવા, કુછંદી દુષ્ટ વા જાવા,
તમારા શુદ્ધ હૃદયોની ઉઘાડી રાખજો બારી.
થયેલાં દુષ્ટ કર્મોના છૂટા જંજીરથી થાવા,
જરા સત્કર્મની નાની, ઉઘાડી રાખજો બારી.
સર પ્રભાશંકર પટ્ટણી દ્વારા લખાયેલું કાવ્ય (કાવ્યસંગ્રહ: ‘મિત્ર’, મરણોત્તર પ્રકાશન, ૧૯૭૦).