રણશીંગાં બજિયાં નહીં, નવ ગહેકી શરણાઈ,
તલવારોની તાળીઓ સમરે નવ સંભળાઈ;
સિંધુડા-સૂર શરણાઈના નવ સુણ્યા,
હાક વાગી ન, તોખાર નવ હણહણ્યા,
ઘાવ પર ઘાવ નવ ખડગના ખણખણ્યા,
યુદ્ધ-ઉન્માદના નાદ નવ રણઝણ્યા.
વિણ ઉન્માદે વીર તેં દીધો દેહ ધરી
બિન્દુ બિન્દુ રક્તનાં રિપુને દીધ ગણી;
બિન્દુ બિન્દુએ રક્ત દીધાં ગણી,
ચૂકવી પલપલે દેહની કણીકણી,
મૃત્યુને ગણ્યું તેં ગોદ માતા તણી;
કે શું પ્રિયમિલનની રાત સોહામણી ?
આવે મંગળ અવસરે, કોણ વિલાપ કરે !
કાયરતાને આંસુડે કોનાં નેન રડે !
વેગળી જાઓ રે અશ્રુની વાદળી !
વીરનાં તેજને નવ રહો આવરી;
નીરખવા દો મુને લાખ નયનો કરી,
આહુતિ-જ્વાલ એ બાલની અણઠરી.
ગગનવિદારણ રાગના ગાજો નંદન ઘોષ !
ઉત્સવ-દિન આપણ ઘરે; અરિજનને અફસોસ.
અરિજનો થરથરે એહવી ઘોષણા
ગરજી ગરજી ભરો ગગનનાં આંગણાં,
ઊઠ રે ઊઠ ઓ તરુણ કોડામણા !
વીરનાં વાંચ શોણિત સંભારણાં,
વણગાયાં ક્યમ વીસરીએ બહુમૂલાં બલિદાન,
ગાશું ઘરઘર ઘૂમતાં એનાં અપર્ણગાન;
ગાઓ રે બેનડી વીરને વારણે,
ગાઓ રે માવડી પુત્રને પારણે,
બંદીજન ગાઓ બિરદાઈ સમરાંગણે,
ભક્તજન ગાઓ મંદિરને બારણે.
તારી ટેક ત્યજાવવા મથનારા કંગાલ,
કાળાં મુખ નીચાં કરી કૂટે વ્યર્થ કપાળ;
કૂટતા કપાળો ક્રૂર કંગાલ એ,
તાહરાં શાંત વીરત્વ નીરખી રહે,
‘ હાય ! હા હારિયા,’ દાંત ભીંસી કહે,
અણનમ્યા વીરને જાલિમો ક્યમ સહે.
બાણપથારી ભીષ્મની, દધીચિનાં વપૃદાન,
મોરધ્વજે કરવત સહ્યાં, એ ઇતિહાસી ગાન.
જીર્ણ ઇતિહાસનાં ગાન એ વીસરિયાં,
જૂઠડી ભાવનાના થરોથર થયા,
નવેલા શૌર્ય-આદર્શ તેં સ્થાપિયા.
સમર્પણનાં નવાં મૂલ તેં આંકિયાં.
ઝીલો ઝીલો મલકતા જાલિમ તણા પ્રહાર,
લાલ કસૂંબલ રક્તની ફૂટે શોણિત-ધાર;
પ્રહારે પ્રહારે ઉર-પાતળો ફૂટે,
કસૂંબલ રંગની રક્ત-છોળો છૂટે,
મૃત્યુ-ભયના કૂડા લાખ બંધો તૂટે,
પાળ ફોડી અને પ્રાણનાદ ઊમટે.
રજ રજ નોંધી રાખશું હૈયા બીચ હિસાબ,
અવસર આવ્યે માગશું કિસ્મત પાસ જવાબ;
માગવા જવાબો એક દિન આવશું,
ભૂખરી પતાકા સંગમાં લાવશું,
અમારા રક્તના હોજ છલકાવશું,
માતનો ધ્વજ ફરી વાર રંગી જશું.
[૧૯૨૯]
ઝવેરચંદ મેઘાણી
-સિંધુડો