શૌર્ય ગીત

ઝારાનું મયદાને જંગ

Old Wars

શૌર્ય ગીત
ધમ ધમ ધરણીનો પટ ધ્રૂજે કળી કાળ ધ્રૂજે વિકરાળ
શેષનાગ પર સૃષ્ટિ ધ્રૂજે ધ્રૂજે દિશા તણા દિકપાળ
પૃથ્વીનો પલટાતો રંગ…ઝારાનું મયદાને જંગ

કચ્છ તખ્ત પર રાવ ગોડજી અડગ શૌર્યમૂર્તિ સાક્ષાત
જીવણ શેઠ દિવાન પદે ને સદી ઓગણીસની શરૂઆત
સળગી રણસંગ્રામ સુરંગ…ઝારાનું મયદાને જંગ

દિવાનપદ ન મળ્યાની ઝાળે જળતો લોહજ પૂંજો શેઠ
ઈર્ષાનો પાવક તરપતવા અઘટિત કાજે બાંધી ભેઠ
બન્યો અવર માધવ મનભંગ…ઝારાનું મયદાને જંગ

વાયુવેગે સિંધ સંચર્યો શોધ્યો ગુલામશાહ સરદાર
સાયર સમ લશ્કરમાં લાવ્યો સિંધી માડુ સાઠ હજાર
માતા મદઝરતા માતંગ…ઝારાનું મયદાને જંગ


જુદ્ધ તણાં આમંત્રણ ઝીલી ઠેક્યા જાડેજા જુડધર
કક્કલ છચ્છરના વંશજ ને કચ્છ ભોમના જાગીરદાર
રાજભક્ત ભાયાતો સંગ…ઝારાનું મયદાને જંગ

વિંઝાણ ટીલે વીર લખાજી મીંઢળ બાંધ્યા જેના હાથ
ભીમ સમો ભડવીર ભીમજી જેને શિર છે ભોળાનાથ
નરા તણો ઠાકોર અઠંગ….ઝારાનું મયદાને જંગ

ફૂંકાયા રણશિંગા કેરા ઉર રણઝણતા કૈં રણકાર
જાડેજી કુલદેવી કેરા ગગન ગાજતા જયજયકાર
આઈ આશાપુરા અભંગ…ઝારાનું મયદાને જંગ

વંકા કચ્છ તણા વીરો ને વંકા થનગનતા તોખાર
વંકા વાંકડિયા શિરપેચો મૂછો પણ વંકી વળદાર
વંકી કચ્છધરા પણ વ્યંગ…ઝારાનું મયદાને જંગ

ઊંટો પર જંજાલો ચાલી ચાલી બન્દૂકો ને તોપ
રણે ચડ્યા બ્હાદુર બખ્તરિયા મસ્તક ધારી ધીંગા ટોપ
ભડક્યો ભુજિયા તણો ભુજંગ…ઝારાનું મયદાને જંગ

સાંઝ સમે સિંધી સેના અન્ન જળ વણ થાકે થઈ હેરાન
કચ્છી વીર મહારથીઓનાં ઝારા ડુંગર પર મેલાણ
ચમક્યા કાનન તણા કુરંગ…ઝારાનું મયદાને જંગ

વિશ્વાસુ કચ્છી પર તોડી કોલ ઊલટ્યા દગ્ગલબાજ
ઝાકળમાં ભાંભળકે લડતાં નિજ પર ભેદ ગયો સહસાજ
અસિ ચાલી ત્યાં એક સળંગ…ઝારાનું મયદાને જંગ

ચડાવનોકે માંડેલી તે પ્રથમ ભડાકે ફાટી તોપ
મચી રહ્યો ભય ને કોલાહલ કિસમતનો આ કેવો કોપ
પલમાં પલટી ગયો પ્રસંગ…ઝારાનું મયદાને જંગ

શિર પડતાં ય સતાણી શૂરે સિંધીમાં વર્તાવ્યો કેર
મસ્તક વણ મદમસ્ત ઘુમે ધડ ને ઘૂમે અવની ચોમેર
ઝારાનો રણવીર અભંગ…ઝારાનું મયદાને જંગ

કૈંક પડ્યાં ધડ ચરણ ધરણી પર કૈંક કપાતાં ઉડતા હાથ
કૈંક રવડતાં મુંડ તુમ્બડાં ફરફરતા મોવાળા સાથ
વ્યોમે વરસે અંગ પ્રત્યંગ…ઝારાનું મયદાને જંગ

ચંડી નાચે કાલી રાચે રુંઢમાળ શિવની ઉભરાય
શિયાળ સમડાં ગીધ તણી પણ હા હા શી ઊજાણી થાય
રુદ્રજટામાં કમ્પે ગંગ…ઝારાનું મયદાને જંગ

શોણિતની છોળો ઉછળે ને મડદાનાં ઢગલા ખડકાય
ભૈરવ કાળો હસે ભયાનક ખપ્પર જોગણીનાં છલકાય
રુદ્રજટામાં કમ્પે ગંગ…ઝારાનું મયદાને જંગ

મીર પડ્યા રણધીર પડ્યા કૈં આશાવન્ત અમીર પડ્યા
કો પીઠી ચોળેલ અંગે સુરાંગના લગને ઉપડ્યા
ચડ્યા તજી જે નવલ પલંગ…ઝારાનું મયદાને જંગ

પ્હાડ પડ્યા દાતાર પડ્યા કો શૂરાના સરદાર પડ્યા
સમરાંગણ મખકુંડ પાવકે લક્ષ માડુ બલિદાન ચડ્યા
દીપકમાં જેમ પડે પતંગ…ઝારાનું મયદાને જંગ

ઝારા કેરા યુદ્ધ ઘોરનો અસ્ત થયો એ રીતે શોર
માણસ માત્ર નિમિત્ત બને ને કુદરત પડદે ખેંચે દોર
કચ્છીવીર્યનો ફટક્યો રંગ…ઝારાનું મયદાને જંગ

-દુલેરાય કરાણી

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators