ઈતિહાસ કલાકારો અને હસ્તીઓ

સર પટ્ટણીનું જીવનઃ પ્રેરણાનો અખંડ સ્‍ત્રોત

Sir Prabha Shankar Patni

હાથી અને પજ્ઞાચક્ષુઓની પ્રસિધ્‍ધ વાર્તા વાંચતા મહત્‍વનો સાર ઉપલબ્‍ધ થાય છે કે કોઇ એક ગજથી હાથીના સર્વગ્રાહી, વિશાળ સ્‍વરૂપનો પરિચય થતો નથી. સર પ્રભાશંકર પટ્ટણીના (૧૮૬૨-૧૯૩૮) ઘેઘૂર વ્‍યક્તિત્‍વનું પણ કંઇક આવું જ છે. માત્ર એક સંવેદનશીલ વહીવટકર્તા તરીકે તેમની સ્‍મૃતિને વાગોળીએ, વંદન કરીએ તો તે સર્વથા ઉચિત હોવા છતાં તેમના વટવૃક્ષ સમા વ્‍યક્તિત્‍વનો માત્ર એક ઉજળો હિસ્‍સો જ દ્રષ્‍ટિગોચર થાય.

અનેક ક્ષેત્રોમાં સહેજપણ દેખાવ કર્યા સિવાય સર પટ્ટણીએ આપેલ યોગદાન જે તે પ્રવૃતિને માટે ચાલકબળ સમાન પુરવાર થાય છે. આ બધા જ પ્રયાસો અંતે તો સ્‍વચ્‍છ, તંદુરસ્‍ત અને માનવજીવનને ગૌરવ પ્રદાન કરતા આહૂતિ સમાન પગલાઓ છે. છતાં પણ તેમાં કયાંયે કર્તાપણાનો ભાવ કે ભાર સર પટ્ટણીના વ્‍યક્તિત્‍વમાં દેખાતા નથી. રાજપુરૂષોના સુકાર્યોનો ઇતિહાસ લખાય તો સર પટ્ટણી હમેશા મૂઠી ઉંચેરા જ લાગશે. તેમણે વ્‍યાપક જનહિતાર્થે જે કેટલાક મહત્‍વના પગલા ભર્યા તેમાં ખેડૂતો તરફ દ્રષ્‍ટિ રાખીને થયેલા નિર્ણયો કોઇપણ સમયકાળ માટે માર્ગદર્શક છે. એક સદી પહેલા જળસંગ્રહને રાજયની યોજનાઓમાં અગ્રતા આપવાનું આ દુરંદેશીવાળા દિવાનને જ સૂઝે.

રાજયની તમામ ગૌચર જમીન લોકોના ઢોરઢાખરના નિભાવ માટે ખુલ્‍લી મૂકી દેવાનો તેમનો નિર્ણય આજે પણ અસાધારણ લાગે છે. અછત છે, ઘાસચારો મેળવવો પશુપાલકો માટે મુશ્‍કેલ છે ત્‍યારે રાજય ખભેખભો મીલાવીને વાસ્‍તવિક રીતે પ્રજા તરફની લાગણી આવું પગલું ભરીને જ બતાવી શકે. આપણો, વહીવટનો એ સામાન્‍ય તથા સ્‍થાયી અનુભવ આજે પણ છે કે મુશ્‍કેલીના સમયે કપરા કાળમાં સમાન્‍ય લોકો તરફ સહાનુભૂતિનો હાથ રાજય કે મહાજનો તરફથી જયારે લંબાવવામાં આવે છે ત્‍યારે આપત્તિ સામે ઉભા રહેવા માટે, ટકી રહેવા માટેનું એક બળ સમગ્ર સમાજને પ્રાપ્‍ત થાય છે. સર પટ્ટણી કામ કરવું તથા તે માટેની કાયમી પધ્‍ધતિ પણ વિકસાવવી તેવી ચોકસાઇ રાખનારા હતા. આથી જ તેમણે ‘ફેમિન કોડ’ પણ તૈયાર કરાવ્‍યો! દેશી રાજયોમાં કદાચ આ પહેલ સૌ પ્રથમ પ્રયાસ હતો. અંગ્રેજોનું ‘રીલીફ મેન્‍યુઅલ’ તો વર્ષોના વર્ષોથી છે જ, આજે પણ તેમાંથી માર્ગદર્શન લેવાની પ્રથા છે ત્‍યારે ભાવનગર રાજયનો પોતાનો સ્‍વતંત્ર નિયમ સંગ્રહએ આદર્શ વહીવટી પ્રથાનું જીવંત ઉદાહરણ છે.

ગાંધીજી સાથેનો તેમનો સ્‍નેહસંબંધ ભક્તિની કક્ષામાં મૂકી શકાય તેવો નિરાળો હતો. ગાંધીજીને બીજી ગોળમેજી પરિષદમાં જવા માટે સંમત કરવામાં પટ્ટણી સાહેબનો હતો એ સુવિદિત છે. એક વહીવટીકર્તા તરીકે તેમની પાયાની સમજ એવી હતી કે રાજય સામે જયારે પ્રજાનો અસંતોષ વિસ્‍ફોટ સ્‍વરૂપે પ્રગટે ત્‍યારે એ રાતોરાત બનતી ઘટના નથી. જો રાજયની મોટા ભાગની પ્રજા અન્‍ન-વસ્‍ત્ર-આરોગ્‍ય-સુરક્ષા જેવી પ્રાથમિક બાબતોથી વંચિત હોય તો રાજયે કોઇને કોઇ ક્ષણે તો મહાસંઘર્ષની તૈયારી રાખવી જ પડે. થોડા સમય પહેલા જ યુ.એસ.એ.માં કેટલાક યુવાનોએ એકત્રિત થઇને બેહિસાબ નફો કમાતી કંપનીઓ સામે પ્રતિકારના શસ્‍ત્રો ખખડાવ્‍યા. સોસીયલ નેટવર્કીંગના પ્રભાવને કારણે વિશ્વના ૭૦-૮૦ દેશોમાં તે વિચારના પડઘા પડયા. “occupy wall street” જેવા પ્રતિકાત્‍મક નામકરણ સાથે આ યુવાનોએ પોતાનો સ્‍વર ઉંચો કર્યો. માધ્‍યમોમાં તેની ચર્ચા થઇ. પરિણામ જે આવે તે ખરૂં પરંતુ વિચાર એ જ છે કે રાજય પ્રજાવિમુખ થયું છે તેવી પ્રતિતિ સમાજને થાય તે રાજય અને પ્રજા વચ્‍ચે તંદુરસ્‍ત સંબંધો રહેવા મુશ્‍કેલ બને છે.


ઉત્તમ શાસકના તમામ ગુણ બાળ મહારાજા કૃષ્‍ણકુમારસિંહજીમાં ઉતરે અને તેઓ એક સફળ તથા સહ્રદય શાસક બને તે માટે સર પટ્ટણીએ વિશેષ કાળજી લીધી. આમ છતાં, મહારાજાનો તેમનો પરનો અહોભાવ હતો તેનો રજમાત્ર ઉપયોગ પોતાનું વ્‍યક્તિગત વર્ચસ્‍વ વધારવા કદી ન કર્યો તેમનું હ્રદય તો સત્ત અને દબદબાની, ભભકાની દુનિયાથી જોજનો દૂર હતું. જીવન જીવવાની કેવી મનોહર કલ્‍પના આ રુજુ હદ્રયતા શાસકના દિલમાં પડી હતી તે નીચેના શબ્‍દો જે સર પટ્ટણીએ જાતે લખ્‍યા છે તેના પરથી સ્‍પષ્‍ટ થાય છે.

જોવી જેને નજર ન પડે વક્ર તાલેવરોની,
ખાયે જેઓ ઉદર ભરીને પંક્તિ દુર્વાકરોની,
ઠંડા વારિ નદી સર તણાં પી નિરાંતે ભમે છે.,
તેવી સાદી હરિણશિશુની જિંદગાની ગમે છે.

વહીવટના અનેક આટાપાટા ઉકેલતા આ સતત કાર્યશીલ રહેનાર વ્‍યક્તિમાં હંમેશા શીષુની નિર્દોષતા અને કિલકિલાટ જોવા મળે છે. જીવનનો સૂર્યાસ્‍ત જયારે નજર સમક્ષ હતો ત્‍યારે ‘કર્મ એ જ અધિકાર’ ના વિચારને મૂર્તિમંત કરનાર આ મહામાનવે એક પડકાર સ્‍વરૂપ પણ સમાજ ઉપયોગી એવું કાર્ય સ્‍વેચ્‍છાએ હાથ પર લીધું. આ કાર્યનો પરિશ્રમ સહન કરવા શરીર તૈયાર ન હોવા છતાં દ્રઢ મનોબળ તથા અડગ નિશ્ભયના બળથી તેમણે રાજયનું આ કામ સ્‍વીકાર્યું. પોતે જે યોજનાનું ઘરતી પરનું અવતરણ ભગીરથ બનીને કરેલું તે ખેડૂત રૂણ નાબુદી યોજનાને કારણે ભાવનગર રાજયના કિસાનોને રાહત તો મળી જ હતી. પરંતુ રાજયને ખૂબ મોટી પ્રતિષ્‍ઠા પણ પ્રાપ્‍ત થઇ હતી.

આ યોજનાના અમલીકરણના પાસાઓ, અમલીકરણ બાદની ખેડૂતોની સ્‍થિતિ તેમજ ખેડૂતો યોજનાની રાહત મેળવ્‍યા બાદ ફરી પાછા સમય જતા દેવાની નાગફૂડમાં ફસાયા છે કે કેમ તેની સમિક્ષા કરવા માટે સર પટ્ટણીને રાજયે વિધિવત હૂકમ કરીને કામ સોંપ્‍યું. કર્મઠ વહીવટકર્તા પ્રજાહિતનું કોઇપણ કાર્ય જીવનના છેલ્‍લા શ્વાસ સુધી સતત કરવું હતું તેથી તેમણે આ કાર્ય સ્‍વીકાર્યુ. લાંબા ગાળાની રાજયની કારર્કિર્દી બાદ સ્‍વાભાવિક રીતે જ મળવા પાત્ર તથા મળી શકતા આરામની જગાએ આ નરકે સરીએ સામે પગલે હાડમારીનું કામ રાજીખુશીથી સ્‍વીકાર્યું. આપણાં સૌના સદ્દભાગ્‍યે શ્રી જયંતીલાલ મોરારજી મહેતા નામના તેમના અંગત મદદનીશે સર પ્રભાશંકર પટ્ટણીએ કરેલી મુસાફરીની તથા કામગીરીની વિગતો કાળજીપૂર્વક ટપકાવી લીધી હતી. શ્રી મહેતા પોતે પણ એક અનુભવી પત્રકાર હતા. આથી તેમના લખાણોમાં પ્રસંગોનું તલસ્‍પર્શી વિવરણ વિષયને સંપૂર્ણ વફાદાર રહીને કરવામાં આવ્‍યું છે. ૧૯૫૩ માં આ વિગતોની પુસ્‍તિકા પ્રથમ વખત પ્રકાશિત થયેલી. સર પટ્ટણીના ૧૫૦ માં જન્‍મજયંતી વર્ષ નિમિત્તે માર્ચ-૧૯૧૨ માં તેનું પુનઃ પ્રકાશન થયું છે. જે પ્રકારે અને પધ્‍ધતિએ પટ્ટણી સાહેબ જીવનના છેલ્‍લા દિવસોમાં આ કામગીરી કરી છે. વિચારો વ્‍યકત કર્યા છે એ જાહેર વહીવટમાં કોઇપણ કાળે સર્વથા પ્રસ્‍તુત છે, માર્ગદર્શક છે. પુસ્‍તકનું નામ પણ ‘છેલ્‍લી મુસાફરી’ જેવું પ્રતિકાત્‍મક છે. સર પટ્ટણીના જીવન તથા કાર્યની વિગતો નિત્‍ય નૂતન તથા સ્‍થાયી રીતે સમાજ ઉત્‍થાનના દરેક કાર્યમાં પ્રેરણા દાયક છે.

આ પણ વાંચો…

ભાવનગર ના દિવાન સર પ્રભાશંકર પટ્ટણી

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators