http://youtu.be/DMOL5kHTt1s
આજની ઘડી તે રળિયામણી,
હાં રે ! મારો વ્હાલોજી આવ્યાની વધામણી જી રે…..આજની ઘડી
જી રે તરિયા તોરણ તે બંધાવિયા,
હે મારા વ્હાલાજીને મોતીડે વધાવિયા જી રે…. આજની ઘડી.
જી રે લીલુડાં વાંસ વઢાવિયા,
હે મારા વ્હાલાજીનો મંડપ રચાવિયે જી રે…. આજની ઘડી.
જી રે પૂરો સોહાગણ સાથિયો,
હે મારો વ્હાલો આવે મલપતો હાથિયો જી રે…. આજની ઘડી.
જી રે જમુનાના નીર મંગાવિયે,
હે મારા વ્હાલાજીના ચરણ પખાળિયે જી રે… આજની ઘડી.
જી રે સહુ સખીઓ મળીને વધાવિયે,
હે મારા વ્હાલાજીની આરતી ઉતારિયે જી રે… આજની ઘડી.
જી રે તન-મન-ધન, ઓવારિયે,
હે મારા વ્હાલાજીની આરતી ઉતારિયે જી રે… આજની ઘડી.
જી રે રસ વાધ્યો છે અતિ મીઠડો,
હે મે’તા નરસિંહનો સ્વામી દીઠડો જી રે….આજની ઘડી.
– નરસિંહ મહેતા