આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો,
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો…તારા રે નામનો છેડ્યો એક તારો,
હું તારી મીરાં તું ગિરધર મારો…
આજ મારે પીવો છે પ્રીતિનો પ્યાલો,
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો…
આપણે બે અણજાણ્યા પરદેશી પંખી,
આજ મળ્યા જુગ જુગનો સથવારો ઝંખી;
જોજે વિખાય નહીં શમણાનો માળો,
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો…
દો રંગી દુનિયાની કેડી કાંટાળી,
વસમી છે વાટ કેમ ચાલુ સંભાળી?!
લાગે ના ઠોકર જો હાથ તમે ઝાલો,
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો…
આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો,
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો…