ધન્ય છે સોરઠની ભોમકા જ્યાં વહેતા ત્રિવેણીના નીર,
ન્યાં નારી ભલી માયાળી ને નર રણબંકડા વીર,
મેરુ સમો ગિરનાર ને તોતિંગ ઉપરકોટ ગઢ,
જ્યાં સતી રાણકના આંસુ સમા ઇ અડગ ઉભા ખડક,
નરસૈંયાનો કુંડ દામો ને સરવો પ્રદેશ પાંચાળ,
જપ તપ ને સત થી શાભતું આંહી આવે, ના ખોટા આળ,
સાવજડા હારે રમતા ને ગિરની ગાળીયું ગજાવતા,
ખાંડા કેરા ખેલ પણ વટ ખાતર વહાવતા,
વીરોનાં શોણિતસ્નાને શોભતું સાગરે સોમનાથ,
છે હજીયે ઇ સુવર્ણિ દ્વારિકા દરિયા કેરે હાથ,
ધરતી સોરઠ તણી સ્વર્ગ સમી દિપતી સોહાય,
જ્યાં જોગણિંયુ વસતી કરતી સહાય સદાય
– દિવ્યરાજ સિંહ સરવૈયા