પઢો રે પોપટ રાજા રામના, સતી સીતાજી પઢાવે,
પાસે રે બંધાવી રૂડું પાંજરુ, મુખ થી રામ જપાવે.
હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામના….
પોપટ તારે કારણે, લીલા વાંસ વઢાવું,
એનું રે ઘડાવું પોપટ પાંજરુ હીરલા રતને જડાવું.
હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામના….
પોપટ તારે કારણે શી શી રસોઇ રંધાવું,
સાકરનાં કરી ચુરમા, ઉપર ઘી પિરસાવું.
હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામના….
પાંખ પીળી ને પગ પાડુંરા, કોટે કાંઠલો કાળો,
નરસૈયાના સ્વામીને ભજો રાગ તાણી રૂપાળો.
હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામના….
– નરસિંહ મહેતા