૧૩૨ વર્ષથી ચાલતી ભાવનગરની ઐતિહાસિક બાર્ટન લાઈબ્રેરી
૩૦મી ડિસેમ્બર, ૧૮૮૨માં જુના ભાવનગર રાજ્યમાં સ્થપાયેલી બાર્ટન લાઈબ્રેરી માટે ભાવેણાના પુસ્તકપ્રેમીઓએ આરંભમાં માતબર સંખ્યામાં પુસ્તકોનું દાન આપ્યું હતું. આપણા દેશમાં ઓગણીસમી સદીના અંત સુધી સાર્વજનિક લાઈબ્રેરીની પ્રવૃત્તિ વિકસી ન હતી. ત્યારે ભાવનગરમાં આ નમૂનેદાર પુસ્તકાલયનો પ્રારંભ થયો એટલું જ નહીં પણ સાથે મૌલિક વિચારોનું વહન કરે તેવુ માસિક પણ શરૂ કરાયુ હતું.
ઈ.સ.૧૮૮૨માં નવાપરા ખાતે કાવેરી કોર્પોરેશન નજીક હાલ જે મોટી માજીરાજ કન્યાશાળાનું મુખ્ય મકાન તરીકે ઓળખાય છે તે બાર્ટન લાઈબ્રેરી ત્યારે હતી અને તેમાં મહાત્મા ગાંધીજીએ પણ નિયમિત વાચક તરીકે લાભ લીધો હતો.
ઈ.સ.૧૯૩૬માં આ લાઈબ્રેરીમાં પુસ્તકોની સંખ્યા ૧૫,૯૮૦ હતી તે ૨૦૦૪માં વધીને ૬૧,૭૬૩ના આંકને આંબી ગઈ હતી તો ૨૦૧૦માં આ આંકડો ૬૯૦૦૦ અને ૨૦૧૧ના અંતે આ આંકડો ૭૫ હજારના પ્રભાવશાળી આંકને આંબી ગયો છે. આ લાઈબ્રેરીમાં કેટલીક દુર્લભ હસ્તપત્રોનો અમૂલ્ય સંગ્રહ પણ છે.
દરરોજ ૭૫૦થી વધુ વાચકો આ લાઈબ્રેરીનો લાભ લે છે ત્યારે સ્થાપનાની સવા સદી વટાવી ગયેલી આ લાઈબ્રેરી હજુ ભવિષ્યમાં નવા વિક્રમો સ્થાપી ભાવેણાના વાચનપ્રેમીઓની ભૂખ ભાંગતી રહેશે તે વાત નિર્વિવાદ છે.