લોકકલાકારો ડાયરામાં ગામડાના વખાણ કરે અને શ્રોતાઓ તાળીઓ પાડે. એ કલાકારો શહેરની નિંદા કરે અને બધાને મજા પડી જાય. ખરેખર તો બેલેંસ જાળવવું જોઈએ. અભ્યાસમાં જેણે માસ્ટર ડિગ્રી મેળવી છે તેને ક્રિટિકલ એપ્રીસિએશન (ટીકાત્મક પ્રશંસા)નો તેમજ કમ્પેરેટીવ સ્ટડી(તુલનાત્મક અધ્યયન)નો અભ્યાસ હોય છે. એમાં કોઈ પણ બાબતના બન્ને પાસાને ધ્યાનમાં લેવામાં આવે છે: નેગેટિવ અને પોઝિટિવ. ગામડુ એટલે સ્વર્ગ અને શહેર એટલે નર્ક એમ બે વત્તા બે બરાબર ચાર થતું નથી.
આ કલાકારો કહે છે કે ગામડાના માણસો ઉદાર હોય છે અને શહેરના માણસો કંજૂસ હોય છે. સીધી વાત છે. ગામડાના લોકો મુખ્યત્વે ખેતી પર નભે છે. એક દાણો વાવતા એના ચારસો દાણા થાય છે. ખેતરમાં શેરડી પાકે એની ટ્રકોની ટ્રકો ભરાય છે અને બજારમાં વેચાણ માટે જાય છે. આવા સંજોગોમાં કોઈ ખેડૂત પોતાના ખેતર આગળથી પસાર થનારને બે સાંઠા ફ્રીમાં આપે તો એને કોઈ નુક્શાન થતું નથી. અલબત્ત એની ભાવના ખુબ સારી છે એમાં કોઈ બે મત નથી. પરંતુ આ મુદ્દો ઉદારતા-કંજૂસાઈનો છે જ નહિ. ગામડામાં મિઠાઈ ઉપલબ્ધ હોતી નથી. ગામડાનો કોઈ એક માણસ શહેર જઈને મિઠાઈ લઈ આવે અને આજુબાજુના ઘરોમાં આપોઆપ જાણ થઈ જાય કે ફલાણાના ઘરે મિઠાઈ આવી છે. એટલે કેટલાય ઘરના સભ્યો પોતાના ઘરના અન્ય સભ્યને જાણ કર્યા વિના એકલા જ મિઠાઈવાળાના ઘરે એના પાછલા બારણે છાનામાના આવે અને રોકડા રુપિયા પાંચ ચુકવીને એક કટકો મિઠાઈનો ખરીદે અને ત્યાં ને ત્યાં ખાઈને જતો રહે. તેઓ જુએ પણ નહિ કે મિઠાઈ તાજી છે કે વાસી ! આવું ઘરની સ્ત્રી કરે છે જે કોઈની મા છે તો કોઈની પત્ની છે. ઘરનો પુરુષ પણ આવું કરે છે, જે કોઈનો પિતા છે તો કોઈનો પતિ છે. એની સામે શહેરના માણસોને જુઓ. તેઓને મિઠાઈની નવાઈ નથી. તેઓ પોતાના ઘરે બર્થ ડે પાર્ટી ઉજવે છે અને પચાસ-સો લોકોને આમંત્રણ આપીને બધાને કેક તેમજ અન્ય મિઠાઈ ખવડાવે છે.
આ કલાકારો કહે છે કે ગામડાના ઘરોના બારણા ખુલ્લા હોય છે અને શહેરમાં ડોરબેલ વગાડો ત્યારે કાચમાંથી જોઈને બારણા ખુલે છે. ગામડામાં મીઠો આવકાર મળે ને શહેરમાં જાકારો મળે. ખરું તો એ છે કે જાતિવાદના જે દુષણો છે એ ગામડામાં પોષાય છે એટલા બીજે ક્યાંય નથી પોષાતા. જુદી-જુદી જ્ઞાતિના યુવાન છોકરો-છોકરી એકબીજાને પ્રેમ કરે છે અને લગ્ન કરવા માગે છે એવી જાણ ગામમાં બધાને થાય તો બન્નેના જીવ જોખમમાં મુકાઈ જાય છે. ઓનર કિલિંગની અસંખ્ય ઘટનાઓ ગામડામાં બને છે. સામુહિક કત્લેઆમ સુધી વાત પહોંચે છે. કોઈ સામાજિક કે રાજકીય પ્રસંગે જુદી-જુદી જ્ઞાતિના લોકોએ ભેગા જમવાનો પ્રસંગ ઉભો થાય તો નિમ્ન જ્ઞાતિના લોકો માટે વૃક્ષના પાનમાંથી બનેલા પડિયા-પતરાળા અને ઉચ્ચ જ્ઞાતિ માટે સ્ટીલના થાળી-વાટકા ભોજન માટે ઉપલબ્ધ કરાવાય છે. શહેરમાં કોઈએ પોતાના ઘરે આવનારને ક્યારેય પૂછ્યું કે તમે કઈ જ્ઞાતિના છો? તમે સવર્ણ હો તો ઘરમાં પ્રવેશ મળે અને પછાત હો તો પ્રવેશ ન મળે એવું શહેરમાં બને છે ખરું? ટપાલી, કુરિયર બોય, સેલ્સમેન, ધોબી, દુધવાળો, ઈલેક્ટ્રિશિયન, ફ્રીજ-ઘરઘંટી રીપેર કરનાર, કેબલવાળો, વાનવાળો, સોફ્ટવેર-હાર્ડવેર મીકેનિક, ગેરેજવાળો આ બધા જ કારીગરો શહેરના લોકોના ઘરોમાં પોતાની જાતિની ઓળખ આપ્યા વિના બેધડક પ્રવેશી શકે છે. ગામડામાં એવું શક્ય છે ખરું? નિમ્ન પછાત જ્ઞાતિના માણસને ગામડાના લોકોના ઘરોમાં પ્રવેશ નથી. એ માણસની જરૂર હોય ને એને ચા પીવડાવવી પડે તો એને ઘરની બહાર બેસાડીને વાડાના એક ખુણે મુકી રાખેલા કપ-રકાબી એ જ માણસ પાસે ધોવડાવવામાં આવે છે ને પછી એમાં એને ચા અપાય છે.
માણસો તો બધેય સરખા છે. ગામડાની અને શહેરની ચર્ચા કરવાની હોય તો વ્યવસ્થાની દૃષ્ટિએ, વ્યાપકતાની દૃષ્ટિએ, લોકેશનની દૃષ્ટિએ ચર્ચા થવી જોઈએ. ગામડામાં તમને પ્રાકૃતિક સૌંદર્ય માણવા મળે છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત માણી શકો છો. લીલા પાકથી લહેરાતા ખેતરો જોવા મળે છે. સાંજે ગોધણ (ગાય અને વાછરડા) પાછુ ફરતું હોય અને ધૂળની ડમરી (ગોધૂલી) ઊડે એ જોઈને આનંદિત થઈ જવાય છે. સંધ્યાટાણે મંદિરમાં ઝાલર વાગે ને આરતી ગવાય એના સૂરોમાં મગ્ન થઈ જવાય છે. ખુલ્લી વિશાળ જગ્યા, શુદ્ધ હવા, નદીનું ચોક્ખું પાણી, લીલી વનરાજી આ બધું ગામડાંનો વૈભવ છે. વહેલી સવારે ગાયને દોહવી, છાશ વલોવીને માખણ તૈયાર કરવું, ઘંટી ફેરવીને અનાજ દળવું એની મજા જ કંઈ ઓર છે. ગામડું એક નાનું એકમ છે આથી એમાં દરેક વ્યક્તિની સ્વતંત્ર ઓળખ છે. પ્રત્યેકનું જુદું-જુદું માન છે, આબરુ છે. શહેરની ભીડમાં માણસ ખોવાઈ ગયો છે. એ નિર્લજ્જ બનીને ગેરવર્તન કરતો થઈ જાય છે કારણ કે એની કોઈ ઓળખ નથી. શહેરમાં ગંદકી છે, રોગો છે, કૃત્રિમતા છે. નકલી હાસ્ય, નકલી આવકાર, દંભ વગેરે છે તો સાથે-સાથે શહેરમાં બાગ-બગીચા, લાયબ્રેરી, મ્યુઝિયમ, થિયેટર, પ્લેનેટોરિયમ, ઓડીટોરિયમ, સરોવર, એરપોર્ટ વગેરે પણ છે.
પૂજ્ય રવિશંકર મહારાજ (શ્રી શ્રી રવિશંકર નહિ) વિશે વાંચો, ચરોતર પ્રદેશ(કાનમ-વાકળ)માં એમણે કરેલા ક્રાંતિકારી કાર્ય વિશે જાણો તો ખ્યાલ આવે કે ગામડું એટલે શું? ગામડામાં બહારવટિયાઓ કેમ પાકે છે ? સૌરાષ્ટ્રમાં ઝવેરચન્દ મેઘાણીએ ‘સોરઠી બહારવટિયાઓ’ તેમજ ‘સૌરાષ્ટ્રની રસધાર’ પુસ્તકશ્રેણીઓ લખી. તેમણે પૂજ્ય રવિશંકર મહારાજના જીવન વિશે પણ લખ્યું. કારણ કે મહારાજે ચરોતર પ્રદેશના અસંખ્ય બહારવટિયાઓને પ્રેમ આપીને સન્માર્ગે વાળ્યા હતા. ગામડામાં દરેક કોમ-જ્ઞાતિનું ચોક્કસ કામ હોય છે. મજૂરી કરનારી કોમ જમીનમાલિક થઈ શકતી નથી. એ કોમનો કોઈ માણસ ખેતરની જમીન ખરીદે તો ઉચ્ચ વર્ણના ખેડૂતોના આંખના ભવાં ખેંચાય છે. મજુરી કરનાર માણસ પાસે રુપિયા ભેગા થયા હોવા છતાં એ જમીન ખરીદી જ ન શકે એ માટે આર્થિક તેમજ સામાજિક દૃષ્ટિએ આગળ પડતો વર્ગ સક્રિય હોય છે. મજુર રુપિયા ભેગા કરી જ ન શકે એનું પણ ધ્યાન રાખાતું હોય ત્યાં એ જમીનમાલિક થઈ જાય એ વાત સમર્થ લોકો સાંખી જ કેમ શકે ? શહેરમાં નાનામાં નાના કામના રુપિયા ચુકવવામાં આવે છે એવું ગામડામાં નથી હોતું. મોટા ભાગના કામો બે આંખની શરમે મફતમાં કરાવી લેવાય છે. જેમ-જેમ મોટા શહેરો તરફ જાઓ તેમ-તેમ કામની કિંમત પુરેપુરી ચુકવવાનું વલણ જોવા મળે છે.
ગામડામાં મોટે ભાગે મજુરોની અછત સર્જાતી હોય છે. આવું બને ત્યારે જ્યાં વધુ મજુરી મળે ત્યાં મજુરો જતા રહે છે. આવું ન બને એ માટે મોટા ખેડૂતો મજુરને ભાગીયા તરીકે ખેતરમાં કામે રાખે છે. પોતાની જમીનમાં ખેડૂત રુપિયા રોકે અને ભાગીયાએ ખેતરમાં તમામ મજૂરી કરવાની. જે પાક આવે એનો નક્કી કરેલ પ્રમાણ અનુસાર ભાગ વહેંચી લેવાનો. આમ અન્યત્ર વધુ મજુરી મળતી હોવા છતાં મજુર કામ છોડીને જઈ શકતો નથી અને ખેડૂત મજુરને રુપિયા ચુકવવામાંથી બચી જાય છે. ભાગીયાઓ પણ જાણતા હોય છે કે ખેડૂતની મુડી દાવ પર લાગી છે એટલે ખરા સમયે એ પાકને નુકશાન થાય એવી હરકતો (કામમાં બેકાળજી) કરવાની શરૂ કરે છે અને ખેડૂત ભાગીયાને રોકડા રુપિયા ચુકવવા મજબૂર થાય છે. ખેડૂત પરિવાર ભાગીયાના પરિવાર માટે બે ટાઈમ ભોજન બનાવતો હોવા છતાં ભાગીયાને એવું લાગ્યા કરે છે કે તેઓ પોતાનું શોષણ કરી રહ્યા છે. આમ બન્ને પક્ષે અવિશ્વાસનું વાતાવરણ હોય છે.
ગામડામાં કોઈ સમર્થ જ્ઞાતિના માણસથી પછાત જ્ઞાતિના માણસનું નુક્શાન થઈ ગયું હોય તો એનું વળતર ચુકવવામાં સમર્થ માણસ ચાલાકી વાપરે છે અને નુકશાન ભરપાઈ કરતો નથી. શરમના કારણે નાનો માણસ બોલી શકતો નથી. શોષણ વધે એટલે મગજની કમાન છટકતા એક વાર નાનો માણસ મોટાનું બહુ મોટું નુકશાન (હત્યા, લુંટ, બળાત્કાર વગેરે) કરી નાંખે છે અને ઘરેથી નાસી જઈને બહારવટીયો બની જાય છે. આથી એ નાના માણસની જ્ઞાતિ સાથે મોટા માણસની જ્ઞાતિને વેર બંધાય છે. જે પેઢી દર પેઢી ચાલ્યા કરે છે. શહેરમાં નાનો માણસ મોટા માણસની શરમ રાખતો જ નથી. આથી શોષણનો પ્રશ્ન ઉદ્ભવતો નથી. તરત નુકશાન ભરપાઈ કરવું જ પડે છે આથી વેર બંધાવાનો પણ પ્રશ્ન નથી.
ગામડાના માણસો રોજીરોટી કમાવા શહેર સુધી અપડાઉન કરે છે તો ઘણા લોકો ગામડું છોડીને શહેરમાં વસવાટ કરે છે. ગામડાની સ્વતંત્ર આવક શરૂ થાય તો ગામડા ભાંગતા બંધ થાય અને માણસોની ભીડના કારણે હાંફતા શહેરો સ્વસ્થ બને. દસ ગામ વચ્ચે કોલેજ સુધીનું શિક્ષણ ઉપલબ્ધ થવું જોઈએ. ચોવીસ કલાક લાઈટ-પાણીની સુવિધા હોવી જોઈએ. પાકા રસ્તા, જાજરૂ-બાથરૂમ સહિતના પાકા મકાનો તેમજ સ્ટ્રીટલાઈટ હોવા જોઈએ. પશુપાલન માટે ગોચરની જમીન તેમજ લઘુઉદ્યોગ તથા ગૃહઉદ્યોગ શરૂ કરી શકાય એ માટેની તમામ સવલતો, સબસિડી તરીકે રુપિયા તેમજ જે-તે ઉદ્યોગ ચલાવવા માટેનું માર્ગદર્શન મળવા જોઈએ. શહેરમાં ઉપલબ્ધ કરાવાતી તમામ નવી સુવિધાઓ એ જ સમયે ગામડા સુધી પહોંચે એનું ધ્યાન રાખવું જોઈએ. જો આ દેશના શહેરોના સેવાભાવી નાગરિકોનો, ખાસ કરીને નિવૃત્ત સિનિયર સિટિઝંસનો (સમય, શરીર, મગજ, હૃદય વગેરેનો) સાથ-સહકાર મળે તો ગામડાઓનો વિકાસ શક્ય બને અને એ ભાંગતા બચે.
ગામડુ હોય કે શહેર, બન્નેની પોતાની જુદી સુગન્ધ છે, બન્નેની પોતાની નબળાઈઓ છે. આપણે બન્નેની નબળી બાજુને ખતમ કરવી છે અને બન્નેની સુગન્ધ માણવી છે, એકબીજા પર દોષારોપણ કર્યા વિના !
(સાભાર)
–કલ્પેશ સોની