પોરબંદરનું પૌરાણિક નામ ‘સુદામાપુરી’ છે. જે નામ ૧૮૬૦ સુધી અહીંના રેલવે સ્ટેશનના બોર્ડ ઉપર લખાતું હતું. આજે પણ હજારો યાત્રાળુઓ સુદામાપુરી કી જય બોલાવતા પ્રતિ વર્ષ અહીંના સુદામા મંદિરે આવે છે અને સુદામાપુરીની યાત્રાની છાપ પોતાના હાથ ઉપર અને વસ્ત્ર ઉપર લગાવીને દ્વારકા જાય છે. આ યાત્રાળુઓમાં રાજસ્થાનીની સંખ્યા વિશેષ હોય છે. ગુજરાતી, રાજસ્થાની તેમજ મરાઠી ભાષાના મઘ્યકાલીન સાહિત્યમાં એકથી વિશેષ કવિઓ દ્વારા ‘સુદામાચરિત’ નામથી સુદામાજીની કથાના આખ્યાનો લખાયેલા છે, જે એમ સૂચવે છે કે પશ્ચિમ ભારતમાં સુદામાજીની કથા વધારે લોકપ્રિય રહી છે. અલબત, આ પૌરાણિક કથા છે, જેનો હજી સુધી કોઈ ઐતિહાસીક પુરાવો પ્રાપ્ત નથી. હમણાં હમણાં આરંભ પામેલા દરિયાઈ પુરાવશેષ શોધ અભિયાનમાં, ૨૦૦૫ના વર્ષ દરમિયાન પોરબંદરના દરિયામાં મોટી સંખ્યામાં પથ્થરના લંગરો તથા હાલના આર્ય કન્યા ગુરુકુળ પાસેના ખાડી કાંઠે પ્રાચીન ધકકો મળી આવ્યા છે. આ શોધથી હવે પોરબંદર, સિંધુ સભ્યતાના લોથલ જેવું પ્રાચીન બંદર સિઘ્ધ થાય છે. આ દિશામાં થઇ રહેલી શોધખોળોના આધારે એવી ધારણા બંધાય છે કે નજીકના ભવિષ્યમાં શ્રી કૃષ્ણ અને સુદામા ઔતિહાસીક સિધ્ધ થશે અને તો આજનું પોરબંદર, પ્રાચીન કાળની સુદામાપુરી છે એવી લોકમાન્યતાને ઈતિહાસનો આધાર મળી રહેશે. પોરબંદરના અભિલેખિત પુરાવાઓની સંખ્યા આશરે એકસોથી વધુ છે, જેમાં તામ્રપત્રો, શિલાલેખો, પાળિયા, અને પ્રતિમાલેખો તેમજ ખતપત્રોનો સમાવેશ થાય છે. હાલ પ્રાપ્ત જૂનામાં જૂનો લેખ ઈ.સ.૯૯૦નો છે. ઘુમલીના મહારાજા બાષ્કલ દેવજીએ આ પંથકનું ‘ચરલી’ નામનું ગામ બ્રાહ્મણોને દાનમાં આપ્યું છે. તેને લગતો આ લેખ છે. દાનમાં અપાયેલા ‘ચરલી’ ગામની ચતુઃસીમા ગણાવતાં ‘પશ્ચિમે પૌરવેલાકુલ’ એમ યોજના પોરબંદરનો ઉલ્લેખ છે. ચાલુ વર્ષે પોરબંદરને ૧૦૧૬ વર્ષ થાય છે. ગુજરાતી ભાષામાં જે શબ્દ ‘બારૂં’ છે, તેનું ફારસી ‘બંદર’, અંગ્રેજી ’પાર્ટ’ અને સંસ્કૃત ‘વેલાકુલ’ છે. અહીં આવેલો ‘પૌર’ શબ્દ ‘વેપારીપ્રજા’નો વાંચક છે. ‘પોરબંદર’ એટલે વેપારી પ્રજાનું દરિયાકાંઠે વસેલું ગામ.
ઈતિહાસની અટારીએ:
ગાંધીજીના જન્મ સ્થાન તરીકે પોરબંદરે વિશ્વના નકશા પર તેનું ગૌરવ ભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું. પહેલા પણ ભગવાન શ્રી કૃષ્ણના પરમ સખા ભકત શ્રી સુદામાના પુનિત સ્થાન સુદામાપુરી તરીકે પ્રસિઘ્ધ થયેલું છે. પુરાણો પ્રમાણે દ્વારાકા અને પ્રભાસપાટણ એટલું જ સુદામાપુરી પ્રાચીન ગણાય છે. શ્રીમદ્દ્ ભાગવત્ના દસમા સ્કંધમાં ભકત સુદામાનું પાવન ચરિત્ર આપેલું છે. સ્કંદ પુરાણમાં તો સુદામાપુરીનું વર્ણન પણ છે. અને તેને અશ્વામતિ નદીના ઘાટ તરીકે ઓળખવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના પશ્ચિમ કિનારે ૨૧.૪૫ ઉ. અંક્ષાશ અને ૬૯.૩૩ પૂ. રેખાંશ ઉપર પૌરાવેલા કુલનું અસ્તિત્વ સંભવ્યું, પોરબંદર શહેરની ઉતરે અને ઈશાને ખાડી કાંઠે પૌરમાતાનું સ્થાન હયાત છે. બીજા વિશ્વ યુઘ્ધના સમય પછી પોરબંદરના નવસજર્નમાં મહારાણા નટરવરસિંહજી અને રાજરત્ન નાનજી કાલિદાસ મહેતાનો હિસ્સો સૌથી વિશેષ છે. સૌરાષ્ટ્રના અન્ય શહેરો કરતા આ શહેરની શોભા અને સફળતા ઘ્યાન ખેચનાર બન્યા છે. તેનું શ્રેય આ બે વ્યકિતને ફાળે જાય છે. પોરબંદરનો ઈતિહાસ કેટલો પ્રાચીન છે ? પોરબંદરને લગતા ઐતિહાસીક ઉલ્લેખો પ્રમાણમાં ઉતર કાલીન જોવા મળે છે. એનો જુનામાં જુનો ઉલ્લેખ ઘુમલીના ઈ.સ.૯૮૮ના તુલ્યકાલીન વર્ષના બાષ્કલદેવના તામ્ર શાસનમાં જોવા મળે છે. ઘુમલીમાંથી અણહિલપુરના એક બ્રાહ્મણને અપાયેલા દાન પત્રમાં પણ ‘પૌરવેલા કુળ’ એટલે કે પોરબંદરનો ઉલ્લેખ જોવા મળે છે. પોરબંદરને લગતા ઉલ્લેખ અને ત્યારપછીના પુરાતત્વીય પ્રમાણો વચ્ચે અઢીસો વર્ષ જેટલું અંતર દેખાય છે.
કીર્તિમંદિર:
પોરબંદરના મહારાણા શ્રી નટવરસિંહજી અને શેઠશ્રી નાનજીભાઈ કાલીદાસ મહેતાના માતબર દાન અને પ્રયત્નોથી, એમની અભિરુચી પ્રમાણે સર્વ ધર્મના સંપુટ જેવું સુંદર કલાકારીગીરીવાળું થયું છે.
સુદામા મંદિર:
સુદામાજીના મંદિરનો જિર્ણાદ્વાર પોરબંદરના રાજવીની દેણગી.
મેર અને રબારી:
છાંયાના રાજમાતા કલાબાઈના ગુપ્ત સમયકાળમાં જામનગર ના રાજવી મામા તરફથી ભાણેજની હત્યા થયાથી રાજકુંવરને જુદી જુદી જગ્યાએ છુપાવવામાં આવેલ અને તેમને વહાણ ભાંગતા કિનારે સોના-ચાંદીની ઈંટો મળી આવેલી તે રાણીમાને ચરણે ધરી અને તેમાંથી મેર અને રબારી યોઘ્ધાઓની ભરતી કરેલી અને ધ્રોળ પાસેના ભૂચર મોરી યુઘ્ધમાં જામની હાર થતા તેનો લાભ લઈને જેઠવાઓનો વિસ્તાર લડાઇ કરી પરત મેળવેલો અને તેના બદલા રુપે મેર અને રબારીને ગિરાસદાર બનાવેલ. ત્યારથી રાજતિલકનો હકક પણ મેર સમાજની ખૂંટી રાજશાખા કુળના મેરોને આપવામાં આવેલો.
કવિ રવીન્દ્રનાથ ટાગોર:
૧૯૨૩માં બંગાળના કવિ રવીન્દ્રનાથ ટાગોર પોરબંદર રાજયના મહેમાન થયા. નટવરસિંહજી કલબ અને પેલેસમાં તેમના ફોટોગ્રાફ હયાત છે.
ક્રિકેટ:
૨૫,૨૭,૨૮,જૂન, ૧૯૩૨ની ફર્સ્ટ ટેસ્ટ અમે.સી.સી.ટીમ સામે લોર્ડઝન ક્રિકેટ ગ્રાઉન્ડ લંડન ખાતે રમનાર ભારતીય ક્રિકેટ ટીમના પહેલા કેપ્ટન રાજવી નટવરસિંહજી હતા. તેઓએ કેપ્ટનનો ચાજર્ ટીમના વિશાળ હિતમાં સી.કે.નાયડુને સોંપેલ હતો.
૧૯૪૫-૪૬માં જગ વિખ્યાત પ્રિન્સ દુલીપના નામે એશિયા બેસ્ટ ક્રિકેટ સ્કૂલ સ્થાપી, વિજય મરચન્ટ પેવેલિયન અને ક્રિકેટના નિયમો-માર્ગદર્શન આપતી પુસ્તિકા પણ રાજવી નટવરસિંહજી પ્રસિઘ્ધ કરી.
મોટા ઉદ્યોગો:
એ.સી.સી. સિમેન્ટ ફેકટરી (સૌથી જૂની દેશની), મહારાણા મિલ, મીઠા ઉદ્યોગ, ચોક પાવડર, આદિત્યાણા પથ્થર ખાણ (ઘોડા), મીઠી પથ્થર ખાણ (ઓડદર), બાકસ કારખાનું, કાચ કારખાનું, સિમેન્ટ હયુમ પાઇપ, ઓઇલ મિલ, જીન મિલ, દેશી વહાણ બાંધકામ, ગજ્જર બ્રધર્સના-તાળા, હેન્ડપમ્પ, મોઝેક ટાઇલ્સ, ફાયરબ્રિકસ, ચાંદીની આઇટમો, ગીફટ આર્ટિકલ્સ, દેશી વહાણ વટા ઉદ્યોગ અસ્તિત્વમાં હતા.
નાના ઉદ્યોગો:
ખાદી વણાટની વણકરોને રોજીરોટી, સોના-ચાંદીના દાગીના, છાંયા ગેરેજની હાથસાળની વણાટ, જેલની અંદર કેદીઓ દ્વારા પાટી, દોરડા, ધાબળી, અન્ય-વણાટ કામગીરી, ખત્રીઓના રંગાટ-બાંધણી-પટોળાં, વોરાજી દ્વારા પોટાશ, ફટાકડાં, આતશબાજી, રેશમ-જરીકામ, વાસણનું કલીકામ, ગંગાધર ફાર્મસીની આયુર્વેદીક દવાઓ, ડિનેચર્ડ ફ્રેન્ચ પોલીશ.
સ્મારકો:
‘‘પોરબંદર’’નો સૌપ્રથમ ઉલ્લેખ વાલ્મીકિ રામાયણમાં જોવા મળે છે. હનુમાનજીના પુત્ર મકરઘ્વજીની કથા દસમી સદી પછી લખાયેલા ‘આનંદ રામાયણ’ માંથી મળે છે. કારણ કે પોરબંદરના જેઠવા રાજપૂતો મકરધ્વજવંશી રાજપૂતો હતા. ઐતિહાસિક પુરાવાઓને આધારે ઇ.સ. ૯૯૦થી પોરબંદર અસ્તિત્વમાં હતું, એવો ઉલ્લેખ દસમા સૈકાનાં એક દાનપત્રમાં ‘‘પૌરવેલા કુલ’’ તરીકે થયેલો છે. આ દૃષ્ટિએ પોરબંદરની પુરાણકથા હનુમાનજી સાથે સંકળાયેલી છે. બીજી કથા સુદામાજી સાથે સંકળાયેલી છે. ઇતિહાસકારો ‘સુદામાપુર’ એ જ આજનું ‘પોરબંદર’ છે, એવું દર્શાવે છે. સ્કંદ પુરાણમાં સુદામાપુરી અને તેના અસ્માવતી, કેદારેશ્વર અને કેદારકુંડની વાતો થયેલ છે. પ્રાચીન સમયનાં સૌરાષ્ટ્રના બે ધાર્મિક ક્ષેત્રો દ્વારકા અને પ્રભાસ (સોમનાથ)ની સીમારેખાઓ પોરબંદરમાં મળે છે. આ દૃષ્ટિએ પણ પોરબંદરનું ધાર્મિક મ ત્ત્વ સવિશેષ ગણાવી શકાય. પોરબંદરની ઉત્તરે ખીમેશ્વર, કાંટેલાનું વિષ્ણુ મંદિર, મુળ દ્વારકા અને દેવી હરિસિઘ્ધિ માતાના મંદિરો છે. ઇશાન ખૂણે ચામુંડા માતા, નંદેશ્વર અને કિંદર ખેડાનું સૂર્યમંદિર, હાથલાનું શનિશ્વર, રાણપુરની બૌઘ્ધ ગુફા, ઘૂમલી, ભાણવડ અને ગોપનાં સ્થાનો આવેલા છે. પૂર્વ દિશાએ જાંબુવતીનું ભોંયરું, જડેશ્વરનું મંદિર અને બિલેશ્વરનું મંદિર આવેલું છે. અગ્નિખુણે છાંયાનો ગઢ, ધીંગેશ્વર, રહાડેશ્વરનાં શિવમંદિરો આવેલાં છે અને પશ્ચિમે સમુદ્ર લહેરાય છે.
મેર કોમનું ભાતીગળ લોકજીવન:
પ્રાચીન સૌરાષ્ટ્રની શૂરવીર જાતિઓમાં મહિયા હાટી, આહિર, રબારી અને મેર કોમ મુખ્ય છે. ખાનદાની, ખુમારી અને ખમીર ધરાવતી મેર કોમની આગવી સંસ્કૃતિ અને અલગ સભ્યતા છે. મેર સૌરાષ્ટ્રની મૂળ કોમ નથી. વસાહત થયેલી પ્રજા છે. મેર પ્રજા ઇ.સ.ની શરૂઆતમાં સિંધુ કાંઠે રહી હોવાનું જણાય છે. એનાં ઘાટીલા શરીર, જલાદ અને જુસ્સાદાર પ્રકૃતિ, મરદાનગી ભરી ટેવો અને તીરંદાજીમાં નિપૂણતા કાસ્પીઅન સમુદ્રની આસપાસ મઘ્ય એશિયામાંથી ઊતરી આવ્યાનું અનુમાન છે. આ પ્રજા મઘ્ય એશિયામાંના જોડિયા અને જ્યોજિર્યાના સામ્રાજ્યની પ્રજા હૂણોના આક્રમણ થતાં દક્ષિણ તરફ ભાગી ગુપ્તકાળ દરમિયાન ભારતમાં પ્રવેશી સિંધુના પૂર્વ ભાગ પર વસવાટ કર્યો હોય એમ મનાય છે. ઇ.સ. ૭૧૨માં આરબ લોકોએ સિંધ પર વિજય મેળવ્યો તે વખતે મ્હેડ માંડ કે મિહિર તરીકે ઓળખાતી આ કોમ સિંધમાં હતી અને નવમા કે દસમા સૈકામાં જેઠવાઓની સાથે સૌરાષ્ટ્રમાં આવ્યાએ નિર્વિવાદ છે. મેર કોમ પોતાની જાતને રાજપૂત કહેવડાવે છે. વલ્લભી રાજાઓના તામ્રપત્રમાં જે મૈત્રક લોકોએ કાઠિયાવાડમાં આવી મંડળ અથવા રાજ્ય સ્થાપન કર્યાનું લખ્યું છે તે મૈત્રક લોકો ગુપ્ત હાકેમોને હરાવનાર બળવાન પ્રજા હશે. એમ લાગે છે આ મૈત્રક લોકો એ જ મિહિર અથવા મેર લોકો છે અને આ મેર લોકો હાલમાં પોરબંદર, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં સ્થાયી થયેલ છે. આ સિવાય ગુજરાતમાં બીજે કયાંય આ કોમ નથી. મિહિરનો અર્થ સંસ્કૃતમાં સૂર્ય થાય છે. મેર પ્રજા સૂર્યપૂજક છે. મ્હેડ, મૈત્રક મિહિર કે મેર એકબીજાના પર્યાય નામો છે. પંડિત ભગવાનલાલ, ડો. ફલીટ તેમજ કર્નલ ટોડ વગેરે વિદ્રાનો અને ઇતિહાસવિદો પણ લગભગ આ બાબતને સમર્થન આપતા આવ્યા છે.
ખારવા કોમનું લોકજીવન:
ભારતનાં વિશાળ સાગરનો કિનારો, દરિયાનાં છોરું અને સાગરના સંગાથી એવા ‘ક્ષા-રવા’ (ખારવા)ના ભાતીગળ ખારવા સમાજના લોક સંસ્કૃતિક, રિવાજો, રહેણીકરણીમાં વિશેષ ભાગ ભજવ્યાં છે. પોરબંદરના ખારવા સમાજ દરિયાનાં છોરુંએ વિદ્યા અને સંસ્કૃતિમાં વિશેષ ભાગ ભજવ્યો છે અને રત્નાકર અફાટ જલ સાગર માંજા પર તન નીચવી-સાત સાત સાગરની સફરે જતા અને દરિયાપારના દેશ સાથે લાખો રૂપિયાનો વહેવાર-વેપારના ખારવા લોકોને આભારી છે. માત્ર પોરબંદરની જ વાત કરીએ તો એની સમૃદ્ધિના પાયામાં ખારવા કોમીની ઝિંદાદિલી, વફાદારી, ઇમાનદારી અને બલિદાનો ઇતિહાસને ટાંકણે સમાયેલ છે.
સુદામા મંદિર:
ગૃહસ્થજીવનમાં લાંબા હાથ કર્યા વગર નીતિમત્તાથી સંસારની નાવ પર કરવાનું દિવ્ય મહાત્મ્ય આપનાર ભગવાન કૃષ્ણના મિત્ર સુદામજીનું પવિત્ર યાત્રાધામ પોરબંદરમાં છે. આજીવન અકિચન અવસ્થામાં સ્થાનિક જીવન જીવવા અને ઇશ્વરની મૈત્રીના અતૂટ નાતાથી સુદામાજીએ વિશ્વના નકશામાં સૌરાષ્ટ્રનો મહિમા અંકિત કર્યો છે.
ચોપાટી:
પોરબંદરનો સાગર કિનારો સહેલાણીઓ માટે ફરવાનું અનોખું આકર્ષણ પૂરું પાડે છે. મુંબઇની માફક પોરબંદરમાં પણ ચોપાટી છે. ખાસ કરીને ઉનાળામાં પોરબંદરની આબોહવા બહારથી ઘણા મુલાકાતીઓને ખેંચી લાવે છે.
ઉદ્યોગો:
પોરબંદર વિસ્તાર એક વિશિષ્ટ પ્રકારનો અનેક કુદરતી સંપત્તિઓ, સંરક્ષણ અને રોજગારલક્ષી તકોથી ભરેલો જિલ્લો છે. આ વિસ્તારમાં મળી શકતાં ખનીજોમાં લાઇમ સ્ટોન અને વ્હાઇટીંગ ચોક મુખ્ય છે. લાઇમ સ્ટેશનનો જે કાંઇ જથ્થો તે ખૂબ જ ઉંચા ગ્રેડનો છે, સોડાએશના કેમિકલ પ્લાન્ટો માટે તે વપરાય છે.
તટરક્ષક દળ:
ગુજરાત સરહદી રાજ્ય છે. ભુમિ સાથે આંતરરાષ્ટ્રીય દરિયાઇ હદ પણ ગુજરાતમાં છે. દરિયા માર્ગે નાપાક ઇરાદા નિષ્ફળ બનાવીને દુશ્મન દેશની આવી હરકતો નાકામિયાબ બનાવવામાં તટરક્ષક દળની નોંધપાત્ર સેવા છે. ૧૬૦૦ કિ.મી. સાગર કાંઠો ધરાવતા ગુજરાતમાં દરિયાઇ સુરક્ષા જાળવવા તથા સમગ્ર પશ્ચિમ ભારતનાં ઘર આંગણાના રખોપાં કરવાની કામગીરી સાથે ભારતીય તટરક્ષક દળના જવાનો દરિયાઇ પર્યાવરણની જાળવણી માટે લોક જાગૃતિનું કામ પણ કરે છે.