લોક-સાહિત્યકાર
પરિવાર : પુત્ર બ્રિજરાજ, પુત્રીઓ રન્નાબા, મીરાબા, શ્રધ્ધાબા અને માતા કંચનબા.
સન્માનિત : ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૯ પૂ.મોરારિબાપુના હસ્તે કવિકાગ એવોર્ડથી સન્માન.
શોખ : વાંચન, કુદરતી સૌંદર્ય માણવું, દરિયા-નદી કિનારે બેસી નૈસગિઁક આનંદ લૂંટવો.
ચારણી અને લોક સાહિત્યની આગવી છટાથી લોકોને મંત્રમુગ્ધ કરવા સ્વયં ભગવતી જ પોતાના કંઠમાં બિરાજમાન હોય તેમ ગઢવી પરિવારે જીવનમાં ડાયરાઓ અને જાહેર કાર્યક્રમોની હારમાળાઓ સર્જી દીધી છે. ગુજરાત અને તેમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રની આગવી લોક સંસ્કૃત્તિને ધબકતી રાખવામાં ગઢવી બંધુઓનું અમૂલ્ય પ્રદાન રહ્યું છે. ઈ.સ. ૧૯૨૯ પછી રાજદરબારોમાં રહેલા ચારણ કવિઓએ ગાંધીજીનાં બેસતા નવા યુગને પિછાણ્યો. રાજદરબારોમાં કુંઠિત એ શક્તિ જનસમુદાય વચ્ચે આવી. ભાવનગરના પિંગળશીભાઇ પાતાભાઈ નરેલા અને તેમના પુત્ર હરદાનભાઈ, પાટણાના ઠારણભાઇ મહેડુ, સનાળીના ગંગુભાઈ લીલા અને તેમના પુત્રો કાનજીભાઈ તથા મેકરણભાઇ, લીંબડીના શંકરદાનજી દેયા, પોરબંદર પંથકના છત્રાવાના મેઘાણંદજી ગઢવી અને તેમના પુત્ર મેરૂભા ગઢવી, દુલાભાઇ કાગ વગેરે પ્રતિભા સંપન્ન ચારણ કવિઓએ લોકસાહિત્યના પ્રચાર અને પ્રસારને પોતાનું જીવન ધ્યેય બનાવ્યાં.
પરંતુ આજસુધી ચારણી સાહિત્ય અને લોકસાહિત્યને જીવંત રાખવામાં ઈશરદાન ગઢવીએ ભેખધારી લીધો હોય તેમ લોકોનાં હૃદયમાં એટલું જ સ્થાન મેળવી લીધું છે. મે ૧૯૬૦માં મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યને સ્વતંત્રતા મળવી અને ત્રીજા જ મહિને એટલે કે પમી ઓગસ્ટે સૌરાષ્ટ્રની સંસ્કૃત્તિને ઉજાગર કરવા દિપક પ્રજજવલિત થયો મતલબ ઈશરદાન ગઢવીનો જન્મ થયો. ન્યુ એસ.એસ.સી. કરી પી.ટી.સી. સુધી શિક્ષણ લીધું.
એટલે કે શિક્ષક તરીકેના ગુણ તો ખરા જ. છતાં જેના વારસામાં મળેલી દેનથી લોક સાહિત્ય અને ચારણી સાહિત્યના વકતા બન્યા. સાથો સાથ ગાયક પણ ખરા. અનેક એવોર્ડથી નવાજિશ, રેડિયો, ટીવી જેવા પ્રસાર માધ્યમોથી ચારણી અને લોક સાહિત્ય માત્ર દેશ નહીં વિદેશમાં પણ એટલી જ ખ્યાતિ મેળવી.
જે પૈકીના કેનેડામાં નાયગ્રા ફોલ્સ પર પડતા ધોધની સાથે ચારણી છંદો અને ગીતોની રજૂઆત ઇશરદાન માટે જિંદગીની યાદગાર ક્ષણ બની ગઇ. તેઓ કહે છે કાર્યક્રમો જ મારૂં જીવન છે. કોઈપણ પરિસ્થિતીમાં સાહિત્ય સંગીત સાંભળીને મોજ માણવી એ મારા જિંદગીનો આનંદ છે.
પરંતુ વિદ્વાનોને સાંભળી અને પોતાના આગવા કંઠ, કહેણીમાં વણી લઇ લોકો સમક્ષ મૂકતા પોતાની કલા તરીકેની કારકિર્દીમાં ઓટ આવતી ગઇ. મહુવા પંથકમાં રહી જેણે લોક સંસ્કૃત્તિ ઉજાગર કરી અને સાહિત્યમાં જેની સાથે કોઇને સરખામણી ન થાય તે દુલા ભાયા કાગ પ્રેરણાની મૂર્તિ સમાન બન્યા છે. તેમ કહેતા ઈશરદાનભાઈ ઉમેરે છે કે ચારણ શૈલી અને વાર્તાના ખજાના સાથે હનુમાન ચાલીસાની આગવી ઢબની રજૂઆતે મને વિશ્વસ્તરે ખ્યાતી અપાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે.







