દુહા-છંદ ભજન-પ્રભાતિયા-પ્રાર્થના લોકગીત

દેવાયત પંડિતની આગમવાણી

Devayat Pandit

આપણે ત્યાં ઘણાં એવા ત્રિકાળજ્ઞાની સંતો થઈ ગયા છે કે તેનું બોલેલું સાચું પડે છે અને એ ભવિષ્યના એંધાણ આપે છે. આવા ભજનો આગમવાણી કહેવાય છે. આવી આગમભાખનારા ભગતોની એક પરંપરા છે. તેમાં ખાસ કરીને અધ્યાત્મ જીવનની આગમવાણી થાય છે.
ઘણાં એવા સંતો હતા જેમણે ભવિષ્યમાં દેશ-પ્રદેશ-દુનિયામાં શું થશે તેની પણ ભવિષ્યવાણી કરી છે. તેમાં આજે આપણે જોઈશું ગુજરાતના એક એવા સંત જેણે અમદાવાદ વિશે કરી હતી આવી ભવિષ્યવાણી.
દેવાયત પંડિતનું નામ આગમવાણી કરવામાં એ ત્રણ લોકોમાં ગણાય છે જેમાં સરવણ ઋષી, સહદેવ જોષી અને પછી દેવાયત પંડિત હતા જેના લેખા જોખા સાચા જ પડતા હતા. ધર્મના બંધનોને પાર કરીને માનવીય મહોબ્બતનો માર્ગ ખોલનાર આ ઓલિયો જ્યારે તંબૂર હાથમાં લઈને ભવિષ્યની વાણી ભાખતા ત્યારે તેના મુખમાંથી પડતો સાદ ભવિષ્યની વાતો લઈને આવતો. અહીં તમે જોઈ શકો છો કે તેણે કરેલી ઘણી વાતો આજે પણ સાચી પડી રહી છે.
દેવાયત પંડિત જણાવે છે તેના એક ભજનમાં ભવિષ્યમાં દુનિયામાં શું-શું થઈ શકે છે, તેની સાથે તેમણે અમદાવાદ વિશે પણ ભવિષ્ય ભાખ્યું છે તે જાણીએ આગળ….

દેવાયત પંડિત દાડા દાખવે‚ સુણો તમે દેવળદે નાર‚
આપણા ગુરુએ સત ભાખિયા‚ જૂઠડા નહીં રે લગાર;
લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…
એવા દેવાયત પંડિત દાડા દાખવે…

દેવાયત પંડિત આ ભવિષ્ય વાણી દેવળ દે નારને સંભળાવે છે. તે ભવિષ્ય દર્શન માટે પોતાના ગુરુની વંદના કરીને કહે છે કે આ પરંપરા તેને ગુરુ પાસેથી મળી છે. આગળ જાણીએ તેને શું ભવિષ્ય કહ્યું છે…

પહેલા પહેલા પવન ફરુકશે‚ નદીએ નહીં હોય નીર‚
ઓતર દિશાથી સાયબો આવશે‚ મોખે હશે હનુમો વીર…
લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…
એવા દેવાયત પંડિત દાડા દાખવે…


પહેલા પહેલા પવન ફરુકશે એટલે કે વાવાઝોડાં થશે, પછી નદીઓમાં પાણી ખૂટવા લાગશે. ઉત્તર દિશાથી સાયબો આવશે અર્થાત્ અહીં સાયબાનો અર્થ છે નકલંક અવતાર અર્થાત તેને કલ્કી રૂપે વિષ્ણુભગવાનનો અવતાર થશે તેવું માનવામાં આવે છે. તેના રથના મુખ પર હનુમાનજી બીરાજેલા હશે. આગળ યુદ્ધો વિશેની ભવિષ્યવાણી છે…

પોરો આવશે રે સંતો પાપનો‚ ધરતી માગશે રે ભોગ‚
કેટલાક ખડગે સંહારશે‚ કેટલાક મરશે રોગ…
લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…
એવા દેવાયત પંડિત દાડા દાખવે…

તે કહે છે કે સંતો પણ પાપનો આસરો લેશે અને ધરતી ભોગ માગવા માંડશે. ધરતી માણસ, પશુ, પક્ષી, વનસ્પતિનો સંહાર કરવા લાગશે. યુદ્ધો થશે. ઘણાં રોગોથી મૃત્યુ પામવા લાગશે.
આગળ અમદાવાદના કાકરિયા તળવા વીશે કહે છે….

કાંકરિયા તળાવે તંબુ તાણશે‚ સો સો ગાઉની સીમ‚
રૂડી ને દિસે રળિયામણી‚ ભેળા આવશે અર્જુન ને ભીમ…
લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…
એવા દેવાયત પંડિત દાડા દાખવે…

કહે છે કે કલકી અવતાર કાંકરિયા તળાવે તબૂં બાંધશે યુદ્ધ માટે અને અર્જુન અને ભીમ સાથે આવશે. આવા દિવસો આવશે કે કલકી અવતાર સીધા કાંકરીયા પાસે જ પોતાના યુદ્ધનું એલાન કરી શકે છે.

ધરતી માથે હેમર હાલશે‚ સૂના નગર મોઝાર‚
લખમી લૂંટાશે લોકો તણી‚ નહીં કોઈ રાવ કે ફરિયાદ…
લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…
એવા દેવાયત પંડિત દાડા દાખવે…

ધરતી પર યુદ્ધના વાહનો ચાલવા લાગશે, નગર સૂનું થવા લાગશે. લોકોની લક્ષ્મી લૂંટાવા લાગશે છતાં કોઈ રાવ કે ફરિયાદ થઈ શકશે નહીં. સંપત્તિ અને સ્ત્રી બન્નેનો લક્ષ્મી દ્વારા સંકેત છે અને આજે આપણે જોઈએ છીએ કે બન્ને લૂંટાય છે છતાં કોઈ ફરિયાદ સાંભળવા તૈયાર નથી. આ દિવસો તો આવી જ ગયા છે.
સાબરમતીનો ઉલ્લેખ કરી ભવિષ્ય કહે છે કે….

જતિ રે સતી‚ ને સાબરમતી‚ તિયાં થાશે શૂરાના સંગ્રામ‚
કાયમ કાળિંગાને મારશે‚ નકલંક ધરશે નામ…
લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…
એવા દેવાયત પંડિત દાડા દાખવે…

યોગીઓ ને સતીઓ પોતાના યોગ અને સતીત્વ મુકશે. અને સાબરમતીના કિનારે થશે શૂરાઓના સંગ્રામ. જે કાળા કામ કરનારા છે તેવા કાળિંગાઓ દુષ્ટોને મારેશે અને તેનું નામ હશે નકળંક. આવા દિવસો આવશે કે તે નકળંક નામે આવનાર અવતાર ખોટા કામ કરનારે સજા આપશે.

ખોટાં થાશે પુસ્તક‚ ખોટાં પાનિયાં‚ ખોટાં કાંઈ કાજીનાં કુરાન‚
અસલજાદી રે ચૂડો પહેરશે‚ એવા કાંઈ આગમનાં એંધાણ…
લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…
એવા દેવાયત પંડિત દાડા દાખવે…

પુસ્તકો ખોટાં પડશે એટલે કે જ્ઞાનીઓની કોઈ કિંમત રહેશે નહીં. કાજીના કુરાન પણ ખોટાં પડશે એટલે કે શાસ્ત્રો-ધર્મગ્રંથોની વાતો કોઈ માનશે નહીં તેવો અર્થ અહીં અભિપ્રેત છે. જે સાચો શૂરવીરો હશે તે બાયલાની જેમ બેસી જશે. આવા ભવિષ્યના એંધાણ પંડિતજીને દેખાઈ રહ્યા હતા.

ઓતર દિશાથી સાયબો આવશે‚ આવશે જુગ જૂનો વીર‚
કળજુગ ઉથાપી સતજુગ થાપશે‚ એવું બોલ્યા દેવાયત પીર…
લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…
એવા દેવાયત પંડિત દાડા દાખવે…

ઉત્તર દિશામાંથી કલકી ભગવાન આવશે અને કળિયુગની દુષ્ટતાનો સંહાર કરી સતજુગની સ્થાપના કરશે આવા લેખા-જોખા દેવાયત પીર કરી રહ્યા છે.

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators