અખંડ રામધુન
જામનગરના બાલા હનુમાન મંદિરમાં 51 વરસથી ચાલતી અખંડ રામધૂન ભક્તોની શ્રદ્ધાનું પ્રતીક છે, જામનગરનાં પવિત્ર ધામોમાં બાલા હનુમાનની ગણના થાય છે. સાથે અહીં ચોવીસેય કલાક, રાઉન્ડ ધ ક્લોક, ‘શ્રી રામ જય રામ જય જય રામ’ની અખંડ ધૂન ચાલે છે.
હાર્મોનિયમ, મંજીરા જેવાં વાજિંત્રો સાથે ચાલતી ધૂનના રાગ અને તેમાં સાથ આપનારાઓની સંખ્યા પણ ભક્તિનાં વિવિધ રૂપોનું પ્રતિબિંબ ઝીલ્યા કરે છે. મોટા ઉત્સવોના દિવસે ધૂન ઘણી વાર ખૂબ જ ઊર્જા સાથે બોલાય તો રાતના સમેય ચાલતી ધૂન સાંભળીને એક અનોખી શાતાનો અનુભવ થાય. જે સ્વયંસેવકો ધૂનમાં સહભાગી થાય છે તેઓ એટલું ચુસ્ત સમયપત્રક પાળે છે કે ક્યારેય ધૂન ખંડિત થવાની ચિંતા ઉપસ્થિત થાય જ નહીં.
બાલા હનુમાન મંદિર અહીંના જાણીતા લાખોટા તળાવ કે રણમલ લેકની લાગોલગ આવેલું છે.
અહીંના સ્થાનિક રહેવાસી દીપક વિઠલાણી કહે છે, ‘અમારા ઘરે કોઇ પણ મહેમાન આવે તો એને બાલા હનુમાન મંદિર તો લઇ જ જઇએ. જેમને અહીંની અખંડ રામધૂનની ખબર નથી હોતી તેવા મહેમાનો તો નવાઇ પામી જાય કે આમ રાત-દિવસ ધૂન ચાલે ખરી? બિલકુલ ચાલે. પહેલી ઓગસ્ટ, ૧૯૬૪થી મંદિરમાં અખંડ રામધૂન ચાલે છે. એટલા દઢ ભક્તિભાવ સાથે કે ૨૦૦૧માં આખું ગુજરાત ભૂકંપથી ધણધણી ઊઠ્યું અને તારાજી સર્જાઇ તો પણ રામધૂન બંધ ન થઇ તે ન થઇ. ચોવીસેય કલાક ધૂન ચાલતી રહે અને એમાં સહભાગી થવા ભક્તો આવતા જ રહે એવી ગોઠવણ કેવી રીતે થાય છે. મૂળ જામનગરનો અને મુંબઇમાં રહેતો યુવાન સોફ્ટવેર એન્જિનિયર કિશોર મર્થક આ મંદિરની વ્યવસ્થા વિશે જણાવે છે, ‘રામધૂન બોલાવવા માટે સ્વયંસેવકો પણ મંદિરમાં છે. એ બધાને આગોતરી જ માહિતી પહોંચાડી દેવાય છે કે રામધૂન માટે ક્યારે ઉપસ્થિત થવાનું છે. આવી ગોઠવણ જોકે રાત માટે વધુ ઉપયુક્ત છે. દિવસે તો અહીં ભક્તો આવતા જ રહેતા હોય છે અને ધૂનમાં પણ જોડાતા રહે છે.’
કાં તો જામનગર જવું નહીં અને ગયા તો બાલા હનુમાનનાં દર્શન કર્યા વિના પાછા આવવાનું નહીં.