કલાકારો અને હસ્તીઓ

ભાદરવાનો ભીંડો

Kavi Dalpatram

ભાદરવાનો ભીંડો– કવિ દલપતરામની વિશિષ્ટ શૈલી

ભાદરવો આવે એટલે ગણેશોત્સવ આવે, સંવત્સરી આવે, આખો શ્રાદ્ધ પક્ષ આવે અને બધા પૂર્વજો એક પછી એક લાડુ અને દૂધપાક ખાવા હાજર થઇ જાય. સારો પાક થયો હોય એટલે ખેતરો લીલાંછમ હોય અને લણણીની ઋતુ આવે. ‘ભાદરવો ભરપૂર’ ને બધી રીતે, બધા અર્થમાં સાર્થક.

પણ બહુ ઓછાને, આપણી ગુજરાતી વાણી રાણીના શાણા અને વ્યવહારકુશળ વકીલ દલપતરામ ડાહ્યાભાઇ કવિ યાદ આવે. એમની બુદ્ધિચાતુર્યની, સહજ રમૂજ-વિનોદની અને સૌથી વધુ તો જીવનને ઊંડાણથી જોતી-સમજાવતી શાણી કવિતા ‘દલપતકાવ્ય’માં સંગ્રહાયેલી છે. કેટકેટલી પેઢીઓએ કવિતાઓ ભણી છતાં એનું નાવીન્ય, એની ચમત્કૃતિ અને સૌથી વધુ તો એમાંથી સહજ સમજાતો, હૃદય સોંસરવો ઊતરતો અને જીવનભર યાદ રહેતો બોધ લગભગ બધાને યાદ હોય જ. એમની જાણીતી કવિતાઓમાં “ઊંટ કહે આ સભામાં,” “શરણાઇવાળો”, “બાપાની પીપર”, “ભાદરવાનો ભીંડો” હજુય ઘણાના મનમાં ગૂંજ્યા કરતી હશે.

વાંકદેખા ઊંટને સભામાં ભેંસનાં શિંગડાં, કૂતરાની પૂંછડી, પોપટની ચાંચ બધું વાંકું જ દેખાય છે. વાંકા માણસને વાંકું જ દેખાય એ વાત, કવિ સહજ રીતે છેલ્લે ધીરે રહીને ‘અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે!’ પંક્તિમાં કહી દે છે. કવિએ ‘આપનાં’ વાપરીને તો આડો આંક વાળ્યો છે ! ‘વાંકાઓ’ને જ સૌથી વધુ માનપાન મળે છે આ દુનિયામાં!


અને પેલો શેઠ! ‘પોલું છે તે વાગ્યું, તેમાં તે શી કરી કારીગરી, સાંબેલું વગાડે તો હું જાણું કે તું શાણો છે.’ એ તો શરણાઇવાળો ખરેખરો શાણો, નહીં તો સાંબેલું માથામાં માર્યું હોત તો શેઠને ય ભાન થયું હોત કે સાંબેલું ય વાગે! અને વાગે તે કેવું!

પણ સૌથી વધુ અસરકારક ‘ભાદરવાનો ભીંડો’ કોઇ પણ યુગ હોય, કોઇ પણ સમાજ હોય, ભાદરવાના ભીંડાનો તોટો નહીં પડવાનો. કવિની સહજ રજૂઆત જ જુઓ.

દલપતશૈલી તરીકે બહુ વખણાયેલી અને એટલી જ વખોડાયેલી આ શૈલીને કારણે જ આપણને ચાલીસ-પચાસ-સાઠ વરસ પછી પણ એ કાવ્યપંક્તિઓ અકબંધ એવીને એવી યાદ છે. એમાંની શબ્દપસંદગી, એમાંનો સહજ લય, એમાંના પ્રાસ, એમાંની સરળ છતાં હૃદયમાં ઊતરી જતી ભાવસંવેદના–બધું એવું તો એકરસ થઇને આવે છે કે જોડકણાં જેવી ગણાતી આ કવિતા કોઇ પણ ઉંમરે, કોઇ પણ સમાજની વ્યક્તિ, કોઇ પણ સમયે અને સ્થળે માણી શકે.

વડને વીર કહેતી વખતે ભાદરવાના ભીંડાની ગર્વ અને અભિમાનથી ફાટફાટ થતી છાતી કે સમગ્ર વ્યક્તિત્વનું દ્રશ્ય કેવું અંકાયું છે! જેની અનેક ડાળો જ, જેનાં મૂળિયાં બની ચૂકી છે એવો વર્ષોથી ધૂણી ધખાવી બેઠલો જટાજૂટ ધરાવતો જટાધારી યોગી એટલી જ સહજતાથી, એટલી જ શાંતિ અને બેફિકરાઇથી ‘સમાઉં નહીં હું સર્વથા’(આમાંનો ‘હું’ નોંધ્યો?)નો જવાબ આપે છે. ‘તું જા સરવર તીર’નું કવિએ ખાસ પુનરાવર્તન કર્યું છે અને વડ કહે છે,(ઊચર્યો વાણી) ‘વીત્યે વર્ષાકાળ જઇશ હું બીજે જાણી’ હવે કોઇ ટિપ્પણની, સમજૂતીની, કોઇ વિવરણ કે વિવેચનની જરૂર જ નથી રહેતી. એની ગૂંજાયશ જ નથી. આની બંધ બેસતી પાઘડી કોઇને પણ પહેરી લેવાની છૂટ છે.

સૌજન્ય :ગ્લોબલ ગુજરાત ન્યુઝ

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators