ભારતમાં શક્તિપીઠૉ ઘણી છે. સમ્રગ દેશમાં ભુવનેશ્વરીનાં બે જ મંદિરો છે. તેમાં એક પ્રાચીન મંદિર દક્ષિણમાં આવેલું છે. જ્યારે બીજું પીઠસ્થાન સાથેનું મા ભુવનેશ્વરીનું મંદિર પશ્ચિમમાં સૌરાષ્ટ્ર પ્રદેશમાં ગોંડલમાં આવેલું છે.આ મંદિરની સ્થાપના ઈ.સ. ૧૯૪૬માં થયેલી છે. મંદિરમાં માતાજીની પૂરા કદની શ્વેત આરસની મુર્તિ આસીન મુદ્રામાં શોભે છે.મંદિરના પટાંગણમાં શ્રી ભુવનેશ્વર મહાદેવનું પાતાલસ્થ મંદિર આવેલું છે.બ્રહ્મલીન જગદગુરૂ શ્રી ચરનતીર્થ મહારાજશ્રીની “ગાદી” નાં દર્શન કરવા હજારો યાત્રાળુઓ અહીં ઉમટે છે.
મા ભુવનેશ્વરી એટલે સમસ્ત સંસારના ઐશ્વર્યની સ્વામિની. વૈભવ-પદાર્થોના માધ્યમથી મળનારા સુખ-સાધનોને કહેવામાં આવે છે. જ્યારે ઐશ્વર્ય એ ઈશ્વરીય ગુણ છે, જે આંતરિક આનંદનાં સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. આ ઐશ્વર્યની પરિધિ ખૂબ જ નાની પણ છે અને મોટી પણ. નાના સ્વરૂપમાં તે સત્પ્રવૃત્તિઓના રૂપે ચરિતાર્થ થાય છે અને બીજું સ્વઉપાર્જિત, સીમિત આનંદ આપનારી સ્થિતિ છે, પરંતુ ભુવનેશ્વરી એ ઉચ્ચ અવસ્થા છે. જ્યાં સમગ્ર સૃષ્ટિનું ઐશ્વર્ય પોતાના અધિકારમાં આવરી લે છે.
અહીં વૈશાખ વદ પાંચમના રોજ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા થઈ હતી. જે વર્ષ-૧૯૪૬માં થઈ હતી. માત્ર ગુજરાત જ નહીં, દેશ-વિદેશથી માઈ ભક્તો આ તિથિએ યોજાતાં પાટોત્સવમાં ભાગ લેવા માટે ઉમટી પડે છે અને દર્શનાર્થે પધારે છે. આ પીઠના વર્તમાન આચાર્યશ્રી ઘનશ્યામજી મહારાજ છે. એવું કહેવાય છે કે બે હજાર વર્ષ પહેલાં શંકરાચાર્ય શ્રી વિદ્યારણ્ય સ્વામીએ આજના કર્ણાટક રાજ્યમાં તુંગભદ્રા નદીને કાંઠે મંદિર બાંધી ભુવનેશ્વરી દેવીની પ્રતિષ્ઠા કરી હતી. એ વખતે દેવીના પ્રભાવથી મ્લેચ્છોના તાબામાંથી ભારતનો ઉદ્ધાર થયો ને દક્ષિણમાં સ્થપાયેલા બ્રાહ્મણી સામ્રાજ્યનું આધિપત્ય આખા હિન્દુસ્તાન ઉપર સ્થપાયું, ચાર વેદના ભાષ્યો પહેલવહેલાં ત્યારે થયાં અને વૈદિક સનાતન ધર્મની પતાકા ભરતખંડમાં ફરકી હતી.
આ ઉપરાંત આ સંસ્થા સામાજીક, ધાર્મિક,આધ્યાત્મિક,સાંસ્કૃતિક તેમજ માનવસેવાની અનેકવિધ પ્રવૃતિઓ કરે છે. વર્ષ દરમ્યાન આવતા નાના મોટા સર્વ ધાર્મિક ઉત્સવો અહીં ધામધૂમથી વિધિપૂર્વક ઊજવાય છે.
સૌજન્ય: નવગુજરાત સમય
મંદિરની ઓફિશિયલ વેબસાઈટ :http://www.bhuvaneshwaripith.com/