રામાયણ, મહાભારત, શ્રીમદ્ ભાગવત, ગણેશપુરાણ, વિષ્ણુપુરાણ, બ્રહ્મપુરાણ વગેરે હિંદુ શાસ્ત્રોમાં ચારણ જ્ઞાતિનો ઉલ્લેખ જોવા મળે છે, તો જૈન શાસ્ત્રોમાં ચારણોને સ્વર્ગમાં વાસ કરનારા તરીકે ઓળખાવી ચોવીસ તિર્થંકરમાંના એક ભગવાન શ્રીપૃથુના સમયમાં ચારણોએ સ્વર્ગમાંથી ઉતરી પૃથ્વી પર વસવાટ કર્યો હોવાનું જણાવે છે. એક માન્યતા મુજબ ચારણો તેના મૂળ વતન હિમાલયથી ધીરેધીરે રાજસ્થાન થઈ કચ્છ-સૌરાષ્ટ્રમાં સ્થિર થયેલા હોવાનું માનવામાં આવે છે.
આદ લગ ઇસવર: ન: ચારણિયો :
કવ ચારણ પેદા કિઓ, અંગરો મેલ ઉતાર;
પતા જાસ શંકર પણાં, માત જસી મંમાએ.
આદિનાં પણ આદિ ગણાતા ભગવાન શંકર અને માતા પાર્વતીના શરીરના મેલમાંથી જે મનુષ્ય ઉત્પન્ન થયો તે ચારણ કહેવાયો હોય તેના માબાપ તરીકે શિવ-પાર્વતીને માનવામાં આવે છે. ભગવાન ભોલાશંભુના મેલમાંથી ઉત્પન્ન થયેલા ચારણને પાતાળ લોકની નાગકન્યા સાથે પરણાવવામાં આવતા ચારણોને ભોરીંગ (સાપ)ના ભાણેજ ગણવામાં આવે છે. અન્ય એક માન્યતા આહીર જ્ઞાતિના પૂર્વજ પાતાળલોકના રાજા નુહુષ ના વંશજો નાગ (અહિ)ને ધ્રુજાવનાર(ઇર) ગણાતા હોય આહીરો અને ચારણો વચ્ચે મામા-ભાણેજના સંબંધો જળવાતા આવ્યા છે. શારદ જેને રસણ રહે, ભાખ્યા આગમ ભેદ; વણ પઢ્યો વાતું કરે, ચારણ ચોથો વેદ.
જોકે ઉપરનો દુહો અન્ય રીતે પણ સાંભળવા મળે છે, જેમકે,
ચારણ ચોથો વેદ, વણ પઢ્યો વાતું કરે;
ભાખે આગમ ભેદ એ ભાણેજ ભોરીંગ તણો.
ચારણ જ્ઞાતિ શાસ્ત્રોમાં આગવા સ્થાન સાથે અનાદિ કાળથી પોતાની આગવી પ્રતિભા ધરાવે છે. શક્તિ ઉપાસક ચારણ જ્ઞાતિ ઉચ્ચ જીવન મુલ્યો સાથે સત્યને આદર્શ માની જીવ્યા છે, અને જરૂર જણાયે સત્ય માટે જાન ન્યોછાવર કરતા પાછી પાની કરેલ નથી; તેના અનેક દાખલાઓ જોવા મળે છે. ચારણને લોકો વિશ્વાસના પ્રતિક તરીકે જોતા પ્રાચીન સમયમાં રાજાઓ પોતાના ગઢ(કિલ્લા)ની ચાવીઓ સાથે જવાબદારી સોંપી દેતા તેઓ ગઢવી તરીકે પણ ઓળખાયા છે. ચારણો રાજા-પ્રજા વચ્ચે સેતુ તરીકે કામગીરી બજાવતા એ સાથે અન્યાય સામે અવાજ ઉઠાવવામાં સૌથી આગળ રહેતા ચારણોને સમાજના પ્રહરી પણ ગણવામાં આવતા હતા. નીતિમત્તા સાથે ધર્મ, દેશભક્તિ, શૌર્ય, કરૂણા, દાન, ભક્તિ, પ્રેમ, વિશ્વાસ, દયા, ન્યાય, વિવેક, કલા, આદર-સત્કાર વગેરેનું માનવ જીવનમાં રહેલ મુલ્ય સમાજમાં જળવાય રહે તેવા પ્રયત્નો સદીઓથી ચારણ જ્ઞાતિ કરતી આવી છે.
ચારણ-બારોટ સત્કર્મોને બીરદાવવામાં સૌથી મોખરે રહેતા તો અન્યાય કે નિંદનીય કૃત્યોનો વિરોધ કરવામાં રાજાધિરાજાઓની પણ શરમ રાખ્યા વગર જાહેરમાં તેના કાન આમળી અન્યાય, દુષ્ટતા, વિલાસીતા સામે જીવના જોખમે પોતાનો જાતી ધર્મ નીભાવતા આવેલા. મોગલ દરબારમાં શહેનશાહ ઔરંગઝેબને નિર્ભયતાથી તેના અન્યાય અંગે રજૂઆત કરનારા કવિ ભૂષણ ચારણ જ્ઞાતિના હતા, જેની રચના જોઈએ.
તસળી લૈ હાથ મેં, સુબહ કરે બંદગી કૈં,
મનમેં કપટસે જપેહી જાપ જપ્પ કે.
ભૂષણ ભણત શઠ, છંદ મતિમંદ ભઈ,
સૌ સૌ ચૂહે ખાય કે, બિલ્લી બૈઠી તપ્પકે.
લેખક : જયંતિભાઈ આહીર