ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા જુનાગઢ ખાતે ગિરનાર પર્વતની તળેટીમાં આવેલો દામોદર કુંડ ખુબ જ પ્રખ્યાત યાત્રાસ્થળ છે. પૌરાણિક કથા મુજબ બ્રહ્માએ તથા ઈન્દ્રે આ તીર્થમાં ઘણા યજ્ઞો કર્યા. એમાં બધા દેવ-દેવીઓ ઉપસ્થિત રહેલાં. એ દરેકને પોત પોતાના સ્થાનમાં તીર્થ સ્થાન કરવાની ઈચ્છા થઈ, આથી બ્રહ્માજીએ પોતાના કમંડલમાંથી ગંગાજીને પ્રગટ કરી પધરાવ્યાં, બીજાં તીર્થોને પણ ત્યાં બોલાવ્યાં. આમ આ કુંડમાં ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, સિંધુ, કાવેરી, ક્ષિપ્રા, ચર્મણ્યવતી, ગોદાવરી વગેરે તીર્થ સ્વરૂપ ગણાતી નદીઓએ ત્યાં વાસ કર્યો. બ્રહ્માના નામ પરથી એ કુંડનું નામ ‘‘બ્રહ્મકુંડ’ પડ્યું. બ્રહ્માના વચનથી સૌ દેવતાઓ અહીં દામોદર સ્વરૂપે બિરાજ્યા. તેથી આ તીર્થ ‘દામોદર’ નામે પ્રસિદ્ધ થયું. અહીં મનુષ્યનાં અસ્થિ પધરાવવાથી તદ્દન ગળી જાય છે. ગોમતીમાં પધરાયેલાં અસ્થિ ચક્રરૂપ, ગંગામાં શેવાળ રૂપ અને દામોદરમાં જળ રૂપ બને છે.
નરસિંહ મહેતાની એક પંક્તિ જાણીતી છે.
‘ગિરિ તળેટી ને કુંડ દામોદર ત્યાં મહેતાજી ના’વા જાય.’
દામોદર કુંડ
જુનાગઢ શહેરથી ત્રણેક કિલોમીટર ગિરનાર તરફ જતા માર્ગે પુરાણપ્રસિદ્ધ પ્રાચીન તીર્થ દામોદર કુંડ આવેલ છે, જેનું પૌરાણિક નામ બ્રહ્મકુંડ હતું. ત્યાં બ્રહ્માએ યજ્ઞ કર્યો હોવાથી આ તીર્થને પ્રાચીનકાળમાં બ્રહ્મકુંડ તરીકે ઓળખવામાં આવતું. દામોદરકુંડની ઉત્તરમાં કુમૂદ પર્વત આવેલો છે જેનું બીજું નામ ‘અશ્વત્થામા પર્વત’ કહેવાય છે. સાત ચિરંજીવમાનાં એક અશ્વત્થામા પ્રતિદિન પ્રાત:કાળે બ્રહ્મમુહૂર્તમાં સંધ્યાવંદન કરવા આ તીર્થમાં આવે છે તેવી મુમુક્ષુઓની અનુભૂતિ છે. આદિ ભક્ત કવિ તેમજ સંતશિરોમણી શ્રી નરસિંહ મહેતા ગામમાંથી ચાલી પ્રતિદિન પ્રાત:કાળે દામોદર તીર્થમાં બારેમાસ સ્નાન કરવા આવતા તેમજ અહીં દામોદર મંદિરમાં બેસી અખંડ ભજન અને ભક્તિ કરતા. તેમજ આ કુંડની બરોબર સામે જ શ્રી રાધા દામોદરજીનું ખુબજ પૌરાણિક અને જુના સમયનું ઐતિહાસીક મંદીર આવેલું છે.
આ દામોદર કુંડ સાથે શ્રી દામોદરરાયે નરસિંહ મહેતાનું રૂપ ધારણ કરીને ભાદરવા વદ-૫ ને શનિવારે (શ્રાદ્ધ પક્ષ)ના દિને નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ સરાવી તર્પણ કરેલું હતું. કાલયવન રાક્ષસના નાશ માટે શ્રી કૃષ્ણ રણ છોડીને ભાગ્યા એટલે રણછોડ કહેવાયા અને ત્યારબાદ તેઓ સદેહે આ પાવન તીર્થ પર પધાર્યા હતા. એક લોકવાયકા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણનાં અસ્થીનું વિસર્જન પણ તેમનાં પૌત્ર અનિરુદ્ધજીના હસ્તે આ કુંડમાં કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજરાતનાં ઘણાખરા પ્રદેશમાંથી લોકો પોતાના સ્વજનનાં અસ્થી પધરાવવા હરદ્વારમાં ગંગાનદીમાં પધરાવવા ન જઈ શકે તે લોકો દામોદર કુંડમાં અસ્થી પધરાવે છે. આસપાસનો આખો પ્રદેશ ખૂબ હરિયાળો શાંત અને પવિત્ર છે. જુદા જુદા ધર્મનાં સંતોએ પણ આ દામોદર કુંડમાં સ્નાન કરીને ધન્યતા અનુભવેલ છે. જેમાં કવિશ્રી નરસિંહ મહેતા, સ્વામિનારાયણ સંપ્રદાય નાં આદ્ય સ્થાપક શ્રી સ્વામિનારાયણ ભગવાન(સહજાનંદ સ્વામી/શ્રીજી મહારાજ) કે જેઓએ પોતાના સ્વમુખેથી ભગવાન શ્રી દામોદરજીને શ્રીમદ્ ભાગવત સપ્તાહ સંભળાવેલ હતી., વીરપુરનાં સંતશ્રી જલારામ બાપા, સતાધારનાં સંતશ્રી આપાગીગા તેમજ શ્રી વેલનાથજી વગેરે સંતોએ આ કુંડમાં સ્નાન કરેલ છે. એટલેકે આ તીર્થમાં ૯ નાથ, ૮૪ સિધ્ધ, ૬૪ જોગણી, ૫૨ વીર અને ૬૮ તીરથ નો વાસ રહેલો છે. જેથી અહીં સ્નાન કરીને બધા પવિત્રતા અનુભવે છે.
PHOTO GALLERY: Damodar Kund