સૌરાષ્ટ્રમાં એક સાથે ૧૨ દિવ્ય જીવાત્માઓએ લીધેલી જીવતા સમાધી સ્થળ.
સંત ભુમિ સૌરાષ્ટ્રની એની અનેરી શાખ છે,
સમાધીઓ છે તેર તે જગતમાં વિખ્યાત છે.દાણીધારનો ટુકડો સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છે,
જયારે જુઓ ત્યારે એવો ને એવો એ નવાઈની વાત છે.
ગુજરાત એવી રમણિય ભૂમિ છે કે એના પશ્ચિમે કચ્છ થી લઈને દમણ સુધીનો દરિયાકાંઠો અને પૂર્વેથી અરવલ્લી અને પશ્ચિમ ઘાટને જોડતી તથા જંગલો અને આરાસુરથી દમણ અને દ્વારકા થી છોટા ઉદેપુર શૂલપાણેશ્વર સુધી વિસ્તરેલી ગુર્જરભૂમિ વિશાળ અને રસાળ છે. નદીઓ અને સરોવરો, વાડીઓ અને મહાલયોથી સભર ગુજરાતની ધરતી જેવી સમૃદ્ધ છે. તેવો જ તેનો ઈતિહાસ છે. એવા જ ઈતિહાસની યાદગીરી રૂપ મંદિરો પ્રસિદ્ધ છે અને વંદનીય છે. ઠેર ઠેર પથરાયેલા પ્રકૃતિના સૌદર્યઘામો આપણને સૌને આનંદ અને શિતળતા આપે છે. તેની સાથે સાથે અનેક ઐતિહાસિક સ્મારકો, ધાર્મિક સ્થાનકો અને સરસ્વતીસદનો ગુજરાતની સાંસ્કૃતિક ચેતનાનો પરિચય કરાવે છે. સાંસ્કૃતિક ધાર્મિક સંસ્કારોને લીધે આજે ગુજરાત દેશભરમાં સમૃદ્ધ ગણાય છે. અહીની ગુણિયલ પ્રજા પુરાઓના વરૂણ, અગ્નિ, વાયું, પર્વત, નદી, સૂર્ય ઈત્યાદીની પૂજા અર્ચનાઓ કરે છે. તેમની વંદના કરે છે.
સૌરાષ્ટ્ર એ સંતો, મહાત્માઓ અને અનેક વીરોની જન્મભૂમિ અને વિહારધામ છે. જે પૈકી જામનગર જીલ્લાનાં કાલાવડ તાલુકાનાં મુળીલા ગામમાં ગુર્જર રાજપુત ક્ષત્રિય ચૌહાણ કુંટુંબમાં જન્મ ધારણ કરેલ એવા એક પ્રાત સ્મરણિય મહાસિધ્ધ મહાત્મા નાથજીદાદાનું દાણીધારે બેસણું છે. અહિંયા તેમની ચૈતન્ય સમાધિ આવેલી છે. અહીંથી તેઓએ ધાર્મિક દિગ્વીજયનાં અસુરમેઘ યજ્ઞની ધુણી ધખાવી છે. આ મહાસિધ્ધ મહાત્માએ સૌરાષ્ટ્રને બેસણુ બનાવી ધર્મની ધજા ફરકાવી છે, તેમજ ભાતીગળ ઈતિહાસનું સર્જન કર્યુ છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર એવી આ જગ્યા સૌનાં મનને શાંતિ આપે છે.
લોકવાયકા મુજબ પ્રાચીનકાળમાં આ જગ્યાએ એક ઋષિનો ગંગોત્રી નામે આશ્રમ હતો. કહેવાય છે કે, બાજુમાં આવેલ બામણગામનાં બ્રાહ્મણોને બે રાક્ષસો ખુબજ ત્રાસ આપતા અને સાંજે દરીયામાં છુપાઈ જતા હતાં. એકવાર અગત્સ્યમુનિ ગંગોત્રીઆશ્રમે મહેમાન બન્યા હતાં. તેઓએ આ રાક્ષસોની પરેશાનીની વાત સાંભળીને દરીયાનું પાણી સોસી લીધુ અને દરીયાને છેક હાલનાં જામનગર સુધી ખાલી કરી નાખ્યો અને બ્રાહ્મણોની રક્ષા કરી હતી. આ ઉપરાંત આ જગ્યાને રાજાશાહીનાં સમયમાં જોઈએ તો અહીં ધાર ઉપર ચાર દેશીરાજ્યની સિમા હતી. જેથી તેઓ અહીં પોતાનાં રાજયમાં આવન-જાવન કરતા લોકો પાસેથી દાણ(હાલનો ટેક્ષ) ઉઘરાવતા હતાં. તેથી જ આ જગ્યાનુ નામ દાણીધાર પડ્યુ છે તેમ કહેવાય છે.
વિક્રમ સવંત ૧૬૩૪ની આસપાસ અહીં નાથજીદાદાએ પોતાનાં ગુરૂ શ્રી પ્યારેરામજીબાપુનાં આદેશથી જગ્યા સ્થાપી. તેઓએ અહીંથી પસાર થતા વટેમાર્ગુઓ અને ગિરનાર જુનાગઢ થી દ્વારકા યાત્રાએ જતા સાધુ-સંતોને રહેવા-જમવાની સગવળતા કરી હતી. પાણીનાં પરબ બંધાવ્યા હતાં. તેઓ આજુબાજુનાં ગામોમાં પગેચાલીને કાવડમાં રોટલા ઉઘરાવવા જતા અને અતિથીઓની સેવા કરતા હતાં. ગુરૂકૃપાથી તેમની સાથે ગંગારામ અવધુત અને મોતીરામ(સ્વાન) મળ્યા. કાવડ ફેરવવાનું કાર્ય ગંગારામબાપુ પણ કરતા હતા. પરંતુ બનતુ એવુ કે, ગંગારામ તો ભુત સ્વરૂપે હતાં, જેથી ગામમાં ફ્કત કાવડ જ દેખાતી હતી અને તુ હીં રામ પ્યારેરામનો જ નાદ સંભળાતો હતો. જેથી લોકોમાં ભયની લાગણી સર્જાણી જેથી તેઓએ કાવડ ફેરવવાનુ બંધ કર્યુ અને ત્યારબાદ થોડો સમય આ કામ મોતીરામ કુતરાને સોંપવામાં આવ્યુ હતુ. મોતીરામની ડોકે તેલની ટબુડી બાંધતા અને પીઠ ઉપર કાવડ રહેતી હતી. આમ એક પશુ યોનિમાં જન્મ લીધેલ હોવા છતા ધર્મનાં આ કાર્યમાં મોતીરામ સહભાગી થયા હતાં. આમ સેવાનું કાર્ય ચાલુ હતુ. દાદાની આ સેવા-ભક્તિની કિર્તી દુર-દુર સુધી ફેલાઈ ગઈ હતી. દાણીધારીયા શાખનાં માર્ગી સાધુઓનું ઉદગમ સ્થાન પણ દાણીધારની આ જગ્યા છે. તેઓની અટક (શાખા) દાણીધાર ઉપરથી જ પડી છે. તેઓ શ્રી નાથજીદાદાને પોતાનાં ગુરૂ માને છે. આ ઉપરાંત આજુબાજુનાં ગામનાં રાજપૂત, કણબી વગેરે કોમનાં લોકોનું ગુરૂદ્વારા દાણીધાર જ છે.
વિક્રમ સંવત ૧૬૭૯નાં જેઠ વદ ચોથ નાં દિવસે નાથજીદાદા તેના અન્ય દશ શિષ્યો, બારમાં ગંગારામ અને ટોડા ગામે મોતીરામ(સ્વાન) જીવતા સમાધી લીધી. આમ સૌરાષ્ટ્રમાં એક સાથે ૧૩ દિવ્ય જીવાત્માઓએ જીવતા સમાધી લીધી હોય તેવુ આ એક જ સ્થળ છે. અહીં હાલ પણ અન્નક્ષેત્ર ચાલુ જ છે. ત્યારબાદ દાણીધારની ગાદીએ મહંતો આવતા રહ્યા છે અને ગાદીને દીપે તેવા સત્કાર્યો કરતા રહ્યા છે. આ જગ્યાનો મહત્વનો વિકાસ જગ્યાનાં બ્રહ્મલીન મહંતશ્રી ઉપવાસીબાપુએ કરેલ છે. તે આવ્યા બાદ જગ્યામાં નવી ગૌશાળા, ભોજનાલય, ધર્મશાળા, નુતન રામજીમંદીર અને નાથજીદાદાનું સમાધી સ્થાન, કલાત્મક પ્રવેશદ્વાર વગેરે સુવિધાઓ ઉપલબ્ધ કરેલ છે. તેમનાં કાર્યકાળ દરમિયાન અહીં શ્રી વિષ્ણુ સંવત્સર મહાયજ્ઞ કરેલ જે પુરો ૧ વર્ષ એટલે કે ૩૬૫ દિવસ ચાલેલ. તેઓ ખુબજ પ્રતાપી સંત થયા. તેઓનો આજે પણ બહોળો શિષ્યવર્ગ છે. હાલમાં શ્રી નાથજીદાદા ટ્રસ્ટ અને શ્રી નાથજી ગૌશાળા ટ્રસ્ટ કાર્યરત છે. તેઓ ખુબજ સુંદર કામગીરી નિભાવે છે તેમજ જગ્યાનાં વિકાસમાં કાર્ય કરે છે.
દરેક લોકોની મનોકામના પુર્ણ કરતુ આ યાત્રાધામે પહોંચવા માટે કાલાવડ શહેરથી કાલાવડ-જુનાગઢ રોડ ઉપર ૧૫ કિ.મી.એ દાણીધારનું બસસ્ટેન્ડ આવે છે. ત્યાંથી પુર્વમાં ૨ કિ.મી.એ પાકા ડામર માર્ગે પહોંચી શકાય છે.
સંપર્ક:
શ્રી નાથજીદાદાની જગ્યા (આશ્રમ)
તાલુકો. કાલાવડ,
જીલ્લો. જામનગર,
દાણીધારધામ. ગુજરાત (ભારત)
ફોન નં. (૦૨૮૯૪) ૨૬૩૦૯૩
ટ્રસ્ટ.રજી.નં.એ/૭૩૮.
ટ્રસ્ટ.રજી.નં.ઈ/૫૮૧
સૌજન્ય:જીતેન્દ્રસિંહ ચૌહાણ, વધુ માહિતી માટે વેબસાઈટ: shrinathjidada.wordpress.com