ભલે ઊગ્યા ભાણ ભાણ તુંહારા ભામણા,
મરણ જીયણ લગ માણ અમારી રાખજો કાશપરાઉત…!
કાશપ જેહડો ન કોય જેને દણીઅણ જેહડા દિકરા,
લખદળ ભાંગે લોય ઉગાનુ આળસ નહીં
ચળુ ન પડે ચુક કમણે કાશપરાઉત…!
તેજ પંજર તિમ્મર ટળણ ભયા કાશપકુળ ભાણ,
અમલા વેળા આપને રંગ હો સુરજરાણ…!
સામસામા ભડ આફડે ભાંગે કે તારા ભ્રમ્મ,
તણ વેળા કાશપતણા તમે સૂરજ રાખો શરમ્મ…!
તું ઉગા ટળીયા તમ્મર ગૌ છુટા ગાળા,
તસગર ભે ટાણા દન કર કાશપદેવાઉત…!
અળ પર ઉગતા અરક ઓસડ તું અંધાર,
થે ઝાલર ઝણકાર દીઓળે કાશપદેવાઉત…!
સવારે ઉઠે કરે કરે સૂરજની આશ,
એને ગોરસ રસ ને ગ્રાસ દેશે કાશપરાઉત…!
સૂરજથી ધન સાંપડે સૂરજથી ધણ્ય હોય,
સુરજ કેરે સમરણે દોખી ન લંજે કોય…!
સૂરજ ને શેષનાગ બેય ત્રોવડ કે’વાય,
એકે ધરતી સર ધરી એકે ઉગ્યે વાણુ વાય…!
કે’દાદર કે’ડાકલા કે પુંજે પાખાણ,
રાત ન ભાંગે રાણ કમણે કાશપરાઉત…!
સૂરજ પ્રત્યક્ષ દેવ હે નર વંદે પાખાણ,
ઇસર કે ઉમૈયા સુણો એતાં લોક અજાણ…!
સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ અને કાઠિયાવાડની સંસ્કૃતિની મઝા એ છે, સૂર્યનારાયણનો ઉદય થાય. ભગવાન ભાસ્કર છે એ આદિત્ય પોતાના રથના ઘોડાને આભમાં વ્હેતા મુકે અને તેજપુંઝના પડદાનો પૃથ્વીની માથે ઘા કરે અને ઝળળળળળળળળ કરીને આખી પચાસ કરોડ પૃથ્વી છે ઈ ઝળાહળા થઈ જાય, તે દિ કોઈએ ગાયત્રીની વંદના કરી, કોઈએ સૂર્યની વંદના કરી,
॥ૐ ભાસ્કરાયવિતમહે મહદ્ જુત્તકરાય્ ધિમહી ધિયો યોનઃ પ્રચોદયાત્ ॥
કોઈએ એમ કિધુ,
॥ યમ્ મંડલમ્ બ્રહ્મોવિદો વદંતિકાયન્તિ યસ્ ચારણસિદ્ધ સંગા પુનાતુમ્ તત્સવિતુર્વરેણ્ યમ્ ॥
ભગવાન સૂરજનારાયણ ઉગે તેજપુંઝના પડદાનો ધરતીની માથે ઘા કરે. કોઈએ આયુષ્ય માંગુ, કોઈએ ધન માંગુ, કોઈએ સંતતિ માંગી, કોઈએ સંપતિ માંગી… પણ આ દેશના શુરવીર મહાપુરુષો એવા જન્મ્યા, એણે સૂરજનારાયણના ઓવારણા લઈને એમ કિધુ કે,
“એયયય, સૂરજનારાયણ સંપતિ નથી જોતી, સત્તા નથી જોતી, આયુષ્ય નથી જોતુ, પણ આ જગતના ચોકમાં જેટલા દિવસ અમારા આયુષ્યના લખાણા હોય, એટલા દિવસ, એયય સૂરજનારાયણ તને મારી ભલામણ ઈ છે કે અમારી લાજને, અમારી આબરૂને જગતના ચોકમાં ન જાવા દેતો, એયય સૂરજનારાયણ ! જગતના ચોકમાં અમારી આબરૂ નિલામ નો થાય.”
॥ લજ રખ તો જીવ રખ, લજ વિણ જીવ મ રખ, છાયા માંગુ એતરો રખ, તો દોનોય ભેરાં રખ. ॥
હે પરમાત્મા ! હે ભગવતી! હે નવલાખ લોબળીયાળી ! મારા જેટલા શ્વાસો લખાયેલા હોય એમાં મારી લાજ જો રહેતી હોય તો જ મારા પંડમાં પ્રાણને રાખજે. લાજ અને જીવતર બેય ભેળા હોય તો જીવવાની મઝા આવે.”