“ઘૈડા ન હોય તો ગાડા પાછા વળે”
સામાન્ય રીતે એમ બોલાય છે કે ‘ઘૈડા ગાડા પાછા વાળે’ પણ સાચી કહેવત એમ છે કે ‘ઘૈડા ન હોય તો ગાડા પાછા વળે’.
આ કહેવત પાછળની કથા એવી છે કે એક વરરાજાના બાપે નક્કી કર્યું કે આપણે જાનમાં કોઈ ઘરડા માણસને લઈ જવો નથી. આથી બધા ઘરડા સગાઓએ અંદરોઅંદર નક્કી કર્યું કે આપણે છાનામાના સંતાઈને જાનમાં જવું. હવે બન્યું એમ કે જાન નીકળ્યા પછી સામેથી કન્યાના બાપે અચાનક એક શરત મૂકી કે અમારા ગામનું તળાવ ઘીથી ભરી દો, પછી જ અમે કન્યા આપીશું. વરરાજાના બાપ તો મુંઝાઈ ગયા. શું કરવું તેની સૂઝ નહોતી પડતી. બધાની સલાહ લીધી પણ કોઈને સમજણ ન પડતી કે શું કરવું? આમતો જાનના ગાડા પાછા વાળવા પડે તેવી પરિસ્થિતિ પેદા થઈ.
ત્યાં અચાનક પેલા સંતાઈને આવેલા અનુભવી ઘરડાઓ બહાર નીકળ્યા અને બોલ્યા અમારી પાસે એક ઉપાય છે. એટલે વરના બાપાએ આ ઘરડાઓને કન્યાપક્ષ સાથે વાત કરવા મોકલ્યા. એમણે જઈને એટલું જ કહ્યું કે તમે પહેલા તળાવ ખાલી કરી દો પછી અમે એને ઘીથી ભરી દઈએ. આ ચતુર જવાબ સાંભળીને કન્યાના બાપે જાન વધાવી લીધી.
ત્યારથી કહેવાય છે કે ‘જો ઘરડા [અનુભવી] ન હોય તો જાનના ગાડા પાછા વળત’