જાણવા જેવું લોકગીત

છડીદાર લોકવાદ્ય ભૂંગળ

Lok Vadya Bhoongal

લોકસંસ્કૃતિ અને ભવાઈનું છડીદાર લોકવાદ્ય : ભૂંગળ

આપણું પરંપરાગત લોકવાદ્ય ભૂંગળ ભવાઈ સાથે જોડાયેલું છે. એમ કહેવાય છે કે અસાઇત ઠાકરે 13મી સદીમાં ભૂંગળ વગાડી પોતાના લખેલા ભવાઈ વેશો ભજવીને પ્રચાર કર્યો હતો. આજે પણ ભૂંગળ ભવાઈનું અભિન્ન અંગ બની રહ્યું છે. ઇતિહાસના ઓવારે ઊભા રહીને સંગીત વાદ્યો પર મીટ માંડીશું તો જણાશે કે સંગીત શાસ્ત્રના આપણા પ્રાચીન ગ્રંથોમાં તંતુ, સુષિર, અવનદ્ય અને ઘન એમ વાદ્યોના ચાર પ્રકારો દર્શાવ્યા છે. હજારો વર્ષની ઉત્ક્રાંતિ પછી આજે આપણી પાસે અનેક પ્રકારના શાસ્ત્રીય અને લોકવાદ્યો ઉપલબ્ધ છે. મૃદંગ, દદુંભી, ભેરી, ડમરુ, ડક્કાની સાથે વેણું, મોરલી, શંખ અને તુરી, તુર્ય, રણશિંગું અર્થાત ભૂંગળ જેવા સુષિરવાદ્યોનો ઉલ્લેખ સંસ્કૃત સાહિત્યના ગ્રંથોમાંથી સાંપડે છે.

ડૉ. ભોગીલાલ સાંડેસરા સંપાદિત ‘વર્ણક સમુચ્ચય’ ગ્રંથમાં રણતૂર, રણશિંગું અર્થાત્ ભૂંગળ જેવા અનેક વાજિંત્રોના વર્ણનમાં કેટલીકવાર તે વગાડવાની પદ્ધતિ અને તેમાંથી થતી ધ્વનિનો ઉલ્લેખ મળે છે. પ્રાચીન ‘વાસ્તુરત્ન કોશ’માં તૂર્ય અને ભૂંગળનો ઉલ્લેખ સાંપડે છે. સંગીત શાસ્ત્ર વિશે પ્રચુર સામગ્રી આપનાર ગ્રંથ ‘ભરત નાટય શાસ્ત્ર’ના 28થી 33માં અધ્યાયમાં ‘આતોદ્યવિધાન’માં વાદ્યનિર્માણ માટે વિપુલ ચર્ચા કરવામાં આવી છે. એક માન્યતા મુજબ ભગવાન શંકર સદાશિવ કે જે પછીથી નટરાજ, અર્ધનારી નટેશ્વરરૂપે વિખ્યાત થયા તેમની પાસેથી સ્વર અને સૂર બંનેનો ઉદ્ગમ થયેલો છે. સંસારને દુખા ક્રાંત જોઈને સદાશિવે ગીત અને વાદ્ય પ્રકાશિત કર્યા એમ કહેવાય છે.

ભવાઈના લોકવાદ્ય ભૂંગળ અંગે ‘ભગવદ્ ગો મંડલ’ નોંધે છે કે, ભૂંગળ એક જાતનું વાયુ વાદ્ય, ધતૂરાના ફૂલના આકારનું ફૂંકીને વગાડવાનું લાંબી નળીનું વાજું, રણશિંગું, તુરી, લાંબી શરણાઈ. આ વાદ્ય મુખના ભાગ આગળ શરણાઈની આકૃતિને ઘણું મળતું આવે છે, પરંતુ તેની ધાતુની બનાવેલી દાંડી છિદ્ર વગરની અને પ્રમાણમાં ઘણી લાંબી હોય છે. વગાડવાની જગ્યાએ એક પડજીભી હોય છે. એમાં ફૂંક મારવાથી તે વાગે છે. ભવાયા લોકો તેનો ઉપયોગ કરે છે. આ વાદ્ય લડાયક વાદ્ય પણ ગણાય છે.

ભૂંગળ એટલે ભૂંગળું. એનું પ્રાચીન નામ નાળી, નાળીણ છે. ભૂંગળ એ રણશિંગાનું મૂળ સ્વરૂપ છે. જૂના કાળે રાજવીઓની વિજયયાત્રામાં, ફુલેકા કે સરઘસમાં પણ ભૂંગળ વપરાતી અનેક જૈન ગ્રંથોમાં ભૂંગળ અને નાળીના ઉલ્લેખો મળે છે. આજે માત્ર વિસનગરમાં તાંબા-પિત્તળની ભૂંગળ બનાવનાર એકમાત્ર કારીગર બચ્યા છે.


ભૂંગળ એ ભવાઈના સંગીતનું મહત્ત્વનું લોકવાદ્ય છે. ભૂંગળની જોડી વાગતા જ ગામડા આખામાં જાણ થઈ જાય કે ગામમાં આજ ભવૈયા રમવાના છે. ભવાઈ વેશનું વાતાવરણ જમાવવામાં ભૂંગળની સુરાવટ મહત્ત્વનો ભાગ ભજવે છે. ભૂંગળ વાદનની પણ એક વિશિષ્ટ અને કષ્ટસાધ્ય કલા છે. ભૂંગળ વગરની ભવાઈ એ ‘હળદર વગરની કઢી કે બાવા વગરની મઢી’ જેવી લાગે છે. મૂળે તો આ ભૂંગળ ભવાઈ કલાકારોનું ખાસ ચિહ્ન છે. માતા કાળકા કોઈક ભક્ત ભવાયાને પ્રસન્ન થયા હતા. તે સમયે માતાજીએ ભૂંગળ અને ચૂંદડીની ભેટ આપી હતી અને તેના કપાળે ચાંલ્લો કરેલ એવી કિંવદંતી છે, એમ સૌરાષ્ટ્રની પછાત કોમોમાં નોંધાયું છે.

ભૂંગળમાં પડજીભી હોવાને કારણે ફૂંક મારવાથી તે વાગે છે. ભૂંગળ જોડીમાં જ વાગે છે. આ વાદ્યમાં જુસ્સો પેદા કરવાની તાકાત હોય છે. તબલા અને ભૂંગળની સુરાવલી ઉપર જ પાત્રો નાચે છે. એના સૂરની બાંધણી વેશને જાણે કે સંગીતથી ભરી દે છે. ભૂંગળ વાદ્યના આવા સુંદર અવાજનો વિનિયોગ ભવાઈ સિવાય બીજે ક્યાંય થયો હોય એવું ભાગ્યે જ જોવા મળે છે.

ભવાઈના સંગીતકારો ઘણીવાર પાત્રો ભજવવાની, ગાવાની અને વગાડવાની ત્રણ સ્તરી ભૂમિકા ભજવતા હોય છે. ભવાઈના વાદ્યકારોમાં ભૂંગળ વગાડનાર ભૂંગળિયો, નરઘાં (તબલાં) અને કાંસીજોડા વાળો એમ ત્રણ મુખ્ય ગણાય છે. આ સંગીતકારો ભવાઈના ઠેકાને તાલમાં રાખવાનું કામ કરતા. રામદેના વેશમાં સાજિંદાઓ અને ભૂંગળિયાનું સરસ ચિત્ર જોવા મળે છે.

પખાજી (પખવાજી) ઊભો પ્રેમસુ
રવાજી મનમોડ
તાલગર ટોળે વળ્યા
ભૂંગળિયા બે જોડ

ભૂંગળિયા બે જોડ કે આગળ
રંગલો ઊભો રહ્યો
ઇણી રીત અસાઇત ઓચરે
હવે રામદે રમતો થયો

સાઇઠ સિત્તેર વર્ષ પૂર્વે અમારા ભાલના ગામડાંઓમાં માથે કેસરિયા સાફા, આંખોમાં મેશ આજી ચકચકિત દાઢી માથે તેલનો હાથ મારી ભવાઈ પેડાના નાયક ગામના મુખીની રજા માગવા જતા અને બોલતા:

બાપો મારો ઘણું જીવો
માતાજી તમારો વંશવેલો વધારે
ગામમાં કોહળશેમ (કુશળ) રાખે
ધનભંડાર ભરપૂર રાખે
બાપા બાર માઇને ગામમાં આયા છી

મુખીની રજા મળતા નાયક ભૂંગળ વગાડતા ને મુખીની જય બોલતા ગામના ચોરે આવતો.

સૂરજ મહારાજ મેર બેસે, ઠાકર દુવારાની ઝાલર ને નગારું વાગે, ગામેળું (ગામ)વાળું પાણી પતાવે ત્યાં તો ગામના ચોરે પેંહ… પેંહ… ભૂંગળનો અવાજ ગામઆખામાં ફરી વળે. ગામના સ્ત્રી-પુરુષો ને જુવાનિયા ચોકમાં જગા ગોતી ગોતીને કોથળા માથે આસન જમાવે પછી નાયક પહાડી સાદે ગાવાનું શરૂ કરે અને ગવૈયા ઝીલવા માંડે :

ભલે ભલે ભાઈ, ભલે ભલે ભાઈ
નમું તને આઈ, રમતી કરો ભવાઈ
ભલે ભલે ભાઈ, ભૂંગળ વગાડો ભાઈ

ઢોલક બજાવો ભાઈ, નમુ તને આઈ
ભલે ભલે ભાઈ, રમતી કરો ભવાઈ.

ભૂંગળ સાથે જોડાયેલી કહેવતો અને શબ્દો પર ઊડતી નજર કરીએ.

  1. ભૂંગળ વગરની ભવાઈ – અર્થાત્ ખાલી ફજેતો, તોફાન.
  2. ભૂંગળું ફૂંકવું – દેવાળું કાઢવું, સત્યાનાશ જવું, નિઃસંતાન થવું.
  3. ભૂંગળ ભટ – અર્થાત્ ટીપણાનું ભૂંગળું પાઘડીમાં ખોસી અને માણસનું ભવિષ્ય વગેરે કહીને માગતો ગરો કે ભૂંગળ ભટ.
  4. ભૂંગળ ભટિયું – ખૂબ લાંબુ લખાણ.
  5. ભૂંગળું ભાંગવું – અર્થાત્ સામા માણસની પરવા ન કરવી.
  6. ભૂંગળી – ગોળ લાંબી ડાબલી દસ્તાવેજ વગેરે કિંમતી કાગળો રાખવાની નળી.
  7. ભૂંગળી છૂટી જવી – ઝાડા થઈ જવા.
  8. ભૂંગળભટિયું – અર્થાત્ નોકરીમાંથી પાણીચું મળવું.

સૌજન્ય : લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

 

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators