ગિરનારના પશુપંખીઓ માટે દરરોજ પાણી ભરતો પર્વતનો ‘પરબપુરુષ’
ગરવા ગઢ ગિરનાર સાથે અનેકાનેક પ્રાચીન અને આદ્યાત્મિક વાતો ઉપરાંત કેટલીક અર્વાચીન અને સેવાકીય બાબતો પણ જોડાયેલી છે. આવી જ એક પ્રેરક કથા એટલે છેલ્લાં પાંચ વર્ષથી ગિરનારની સીડી પર અબોલ પશુ-પક્ષીઓ માટે એક યુવક દ્વારા એકલપંડે કરાતી જલસેવા. હાલ ઉનાળાની કાળઝાળ ગરમીની સિઝન ચાલી રહી છે ત્યારે લોકો ઘરની બહાર નીકળતા પણ વિચાર કરે છે, પણ નિખિલ ભટ્ટ નામના એ યુવકે તેનું સેવાકાર્ય ૪૩ ડિગ્રી તાપમાનમાં પણ ચાલુ રાખીને સેવાનું અનોખું ઉદાહરણ પુરૂ પાડયું છે. ગિરનાર પર્વત પર ૩૦ પગથિયાંથી લઈ ૧૫૦ પગથિયાં સુધીમાં મુકી પશુ- પક્ષીઓ માટે ૧૩ કૂંડીઓ ગોઠવીને તે જાતે જ પાણીની ડોલ લઈ કૂંડીઓ ભરવાનું કાર્ય કરે છે.કોરોના સમયે લોકડાઉન હોવા છતાં પાણીની તેણે સેવાયજ્ઞ ચાલુ રાખ્યો હતો.
પાણીની કૂંડીઓ ભરવા આકરી મહેનત રોજ બંને હાથમાં ડોલ લઈ ૩૦થી ૧૫૦ પગથિયાં સુધીના અનેક ધક્કા ખાય છે
જૂનાગઢમાં ખાનગી કંપનીમાં નોકરી કરતો નિખિલ પાંચ વર્ષ પહેલાં પોતાના પરિવાર સાથે ગિરનાર પર ગયો હતો ત્યારે ત્યાં તેણે વાનરોને પાણી માટે આમતેમ ભટકતા જોયા હતા. આથી, નિખિલે પોતાના પરિવારને પીવા માટે સાથે રાખી હતી તે પાણીની બોટલ વાનરને આપી તો વાનર પાણીની બોટલથી પાણી પીવા લાગ્યો. ગિરનાર પર વસતા અનેક પશુ-પક્ષી, પ્રાણીઓ પાણી માટે હેરાનપરેશાન થતા હશે તેમ લાગતાં નિખિલને સ્ફૂરણા થઈ, અને તેણે સંકલ્પ લીધો કે ગિરનાર પર પાણીની કૂંડીઓ મુકી પોતે દરરોજ તેમાં પાણી ભરી મુંગા પશુઓની તરસ છીપાવશે. નિખિલે પોતાના બચત કરેલા નાણાંમાંથી પાંચ વર્ષ પહેલા સાત-આઠ હજાર રૂપિયાના ખર્ચે ગિરનાર પર નાની મોટી ૧૩ પાણીની કૂંડીઓ મુકી છે. આ કુંડીઓને દ૨૨ોજ પોતે ભરવા જાય છે અને ત્યાં પાણી પીવા આવતા પશુ-પક્ષીઓ તેમની રાહ જોતા હોય છે.
- નોકરીમાંથી રોજ ત્રણ કલાકનો સમય કાઢે છે
નિખિલ દરરોજ પોતાના નોકરીના સમયગાળા દરમ્યાન ત્રણ કલાકનો ટાઈમ કાઢી ગિરનાર પર ૩૦ પગથિયાં પર આવેલા આશ્રમમાંથી પાણી લઇ એકી સાથે બંને હાથમાં એક-એક ડોલ લઈને એક બાદ એક કૂંડીઓ ભરતા-ભરતા છેક દોઢ-સો પગથિયાં સુધીની કૂંડીઓ ભરે છે. અમુક કૂંડીઓમાં તો બે-ચાર ડોલ પાણીનો સમાવેશ થાય છે. તે દરરોજ પાણી ભરતા પહેલાં પાણીથી કૂંડીઓને સાફ પણ કરે છે. ૩૦ પગથિયાંથી અનેકવાર સીડી પર ઉપર-નીચે ધક્કા ખાધા બાદ કૂંડીઓ ભરાય છે. - રજાના દિવસોમાં બે વાર કૂંડીઓ ભરવા જાય છે
રજાના દિવસોમાં પોતે દિવસમાં બે વાર કૂંડીઓમાં પાણી ભરવા માટે જાય છે. હાલ ઉનાળો ચાલતો હોવાથી પશુ-પક્ષીઓ તરસ છીપાવવા માટે મોટી સંખ્યામાં આવતા હોય છે, જેના લીધે એકવાર પાણી ભર્યા બાદ થોડા સમયમાં પાણી ખાલી થઈ જાય છે. આથી, રજાના દિવસે સવારે અને બપોર બાદ ફરી પાણીની કૂંડીઓ ભરવા માટે નિખિલ ગિરનારની સીડી પર પહોંચી જાય છે.
ગિરનારની સીડી ઉપર પશુ-પક્ષીઓની તરસ છીપાવવા બચતમાંથી પાણીની ૧૩ કૂંડી ગોઠવી: લોકડાઉનમાં પણ સેવાયજ્ઞ ચાલુ રાખ્યો હતો આવા સેવાભાવી શ્રી નીખિલભાઈ ભટ્ટ ને કાઠિયાવાડી ખમીર તરફ થી લખો સલામ
સૌજન્ય: ગુજરાત સમાચાર